28 April, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફવાદ ચૌધરીએ સિંગર અદનાન સમીની રાષ્ટ્રીયતા પર સવાલ ઉઠાવ્યા
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ફવાદ ચૌધરીએ સિંગર અદનાન સમીની રાષ્ટ્રીયતા પર સવાલ ઉઠાવ્યા બાદ પ્રતિક્રિયા આપતાં અદનાન સમીએ તેમને અભણ મૂર્ખ ગણાવ્યા હતા. અદનાન સમીએ ૨૦૧૫માં ભારતની નાગરિકતા મેળવી હતી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યા બાદ શું અદનાન સમીને પણ પાકિસ્તાન પાછા મોકલવામાં આવશે એવો સવાલ ફવાદ ચૌધરીએ કર્યો હતો. આના જવાબમાં અદનાન સમીએ કહ્યું હતું કે ‘આ અભણ મૂર્ખને કોણ કહેશે?’ ત્યાર બાદ બન્ને વચ્ચે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર ઝઘડો થયો હતો.
અદનાન સમીના જવાબ સામે ફવાદ ચૌધરીએ લખ્યું હતું કે આપણા પોતાના લાહોરી અદનાન સમીને એવું લાગી રહ્યું છે જેમ બલૂનમાંથી હવા નીકળી ગઈ છે, જલદી ઠીક થઈ જાઓ. આની સામે અદનાન સમીએ પલટવાર કરતાં લખ્યું હતું કે ‘અહીં સુધી તો તું ઠીક રીતે સમજી શક્યો નથી. બેવકૂફ, મારું વતન પેશાવર છે, લાહોર નહીં. એ વિચારજે કે તું (ખોટો) માહિતી ખાતાનો પ્રધાન હતો અને તને કોઈ પણ માહિતી બાબતે જાણકારી નથી. મારી તો હવા નીકળી ગઈ, તું તો હજી પણ બલૂન છે અને તું ક્યાંનો વિજ્ઞાનપ્રધાન હતો? શું એ બકવાસ વિજ્ઞાન હતું?’
અદનાન સમીનો જન્મ ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાની માતા-પિતાને ત્યાં થયો હતો. ત્યાં જ તેણે શિક્ષણ મેળવ્યું હતું અને ૨૦૧૫ના ડિસેમ્બર મહિનામાં તેને ભારતની નાગરિકતા મળી હતી.