30 December, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્નાની ફાઇલ તસવીર
અક્ષય ખન્ના હાલમાં તેની સફળતાને કારણે ચર્ચામાં છે જેના પગલે તેની જૂની અંગત બાબતોમાં પણ ફૅન્સને રસ પડવા લાગ્યો છે. હાલમાં અક્ષયનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં છે જેમાં તેણે કહ્યું હતું કે તે ક્યારેય પોતાના પિતા વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કામ નહીં કરે. અક્ષયે આ ઇન્ટરવ્યુમાં પોતાના આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
અક્ષય ખન્નાએ ૧૯૯૭ની ફિલ્મ ‘હિમાલયપુત્ર’માં પોતાના પિતા સાથે જ ઍક્ટિંગ-ડેબ્યુ કર્યું હતું. આ પછી ૨૦૦૮ના એક ઇન્ટરવ્યુમાં એ અનુભવ યાદ કરતાં તેણે કહ્યું હતું કે મારા પિતા વિનોદ ખન્ના સાથે કામ કરવું એક ડરાવનારો અનુભવ હતો. અક્ષય ખન્નાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘કેટલાક લોકો એવા હોય છે જેમની સાથે તમારે કામ ન કરવું જોઈએ. મારા પિતા એમાંના એક છે અને બીજી વ્યક્તિ અમિતાભ બચ્ચન છે. તેમની સાથે એક જ ફ્રેમમાં આત્મવિશ્વાસથી ઊભા રહેવું અશક્ય છે. તેમની સ્ક્રીન-પ્રેઝન્સ અદ્ભુત છે. સ્ક્રીન પર મારા પિતાની બરાબરી કરવી બહુ મુશ્કેલ છે. આ એવી ગુણવત્તા છે જે તમારી અંદર જ હોય છે. સાચું કહું તો એ મારી અંદર નથી. મારી પાસે એવી પ્રેઝન્સ નથી. કેટલાક ઍક્ટર્સ એવા હોય છે કે સ્ક્રીન પર સંપૂર્ણ રીતે છવાઈ જાય છે. મારા પિતા પણ એવા જ ઍક્ટર્સમાંના એક હતા.’