ધર્મેન્દ્ર સાથેનાં લગ્ન પછી હેમા માલિનીએ શા માટે કરવું પડ્યું હતું ઢગલાબંધ બી ગ્રેડની ફિલ્મોમાં કામ?

05 December, 2025 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિનીએ ૧૯૮૦માં પરિણીત અને ૪ બાળકોના પિતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં

હેમા માલિનીએ ૧૯૮૦માં પરિણીત અને ૪ બાળકોના પિતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં

હેમા માલિનીએ ૧૯૮૦માં પરિણીત અને ૪ બાળકોના પિતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે આ લગ્ન પછી એક તબક્કે હેમાએ પોતાની કરીઅરનો સૌથી ખરાબ સમય જોયો હતો અને તેણે પોતાની બન્ને દીકરીઓ માટે ‘બી’ ગ્રેડની ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. હકીકતમાં એ સમયે હેમાને ખબર પડી હતી કે તેણે એક કરોડ રૂપિયા જેટલો ઇન્કમ-ટૅક્સ ભરવો પડે એમ છે એટલે પૈસાની જોગવાઈ કરવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો. 

હેમાએ બૉલીવુડમાં એન્ટ્રી લીધી ત્યારે તેને તેનાં માતા-પિતાએ ખૂબ સપોર્ટ કર્યો હતો. એક પછી એક હિટ ફિલ્મો આપીને તે ૭૦ના દાયકા દરમ્યાન સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં આવી ગઈ હતી. આ પછી ૧૯૮૦ની શરૂઆતમાં તેને ખબર પડી કે સરકારને તેણે એક કરોડ રૂપિયાનો ટૅક્સ ચૂકવવાનો બાકી છે અને આ આખી રકમ એકસાથે ચૂકવવી પડશે. એ સમયમાં ઍક્ટર્સ કરોડોમાં કમાતા નહોતા એટલે આ રકમ હેમા માટે બહુ મોટી હતી.

હેમા માલિનીની બાયોગ્રાફી ‘હેમા માલિની : બિયૉન્ડ ધ ડ્રીમ ગર્લ’માં આ વાતનો ઉલ્લેખ છે. પુસ્તકની માહિતી પ્રમાણે એ સમયે ધર્મેન્દ્રએ મદદ કરવાની ઑફર આપી હતી, પરંતુ હેમા માલિનીએ કોઈની મદદ સ્વીકારી નહોતી. હેમાએ પુસ્તકમાં જણાવ્યું છે કે ‘મારા પપ્પા વારંવાર મમ્મીને ટૅક્સ ચૂકવવાનું યાદ અપાવતા, પરંતુ મારી મમ્મીને લાગતું હતું કે હું જેટલી મહેનત કરું છું એની સામે આટલો ટૅક્સ લેવો યોગ્ય નથી. મારાં મમ્મી-પપ્પા વચ્ચે આ મુદ્દે ઘણી વાર વાદવિવાદ થતો. દુર્ભાગ્યે પિતાના અવસાન બાદ જ મને જાણ થઈ કે ટૅક્સનો બોજ કેટલો મોટો છે. આ સમયે પૈસા મેળવવાનો એક જ સીધો રસ્તો હતો કે શક્ય એટલી વધુ ફિલ્મો કરવી. એ સમયમાં મોટાં બૅનરો મને લેવા તૈયાર નહોતાં, કારણ કે હું હવે બે બાળકોની માતા બની ચૂકી હતી. આ સંજોગોમાં મારે ‘બી’ ગ્રેડની ફિલ્મો સ્વીકારવી પડી હતી. મારા જીવનનો સૌથી ખરાબ સમય લગભગ ૧૦ વર્ષ સુધી ચાલ્યો. આ ફિલ્મો સિવાય મારી પાસે બીજું કંઈ નહોતું.

ડાન્સ-શોથી થોડો ખર્ચ ચાલતો હતો, પણ મોટા ભાગના પૈસા ‘બી’ ગ્રેડની ફિલ્મોમાંથી જ મળતા હતા.’

dharmendra hema malini bollywood buzz bollywood news bollywood entertainment news