07 July, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉપાસના સિંગ (સૌજન્ય મિડડે)
ઉપાસના સિંહની હાઇટ હીરો કરતાં વધારે હોવાના કારણે તેને મૈંને પ્યાર કિયા માટે પસંદ કર્યા બાદ પડતી મૂકવામાં આવી હતી. સલમાન ખાન અને ભાગ્યશ્રીની ‘મૈંને પ્યાર કિયા’ ૧૯૮૯માં રિલીઝ થઈ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે ફિલ્મમાં ભાગ્યશ્રીએ ભજવેલા સુમનના રોલની ઑફર પહેલાં ઉપાસના સિંહને કરવામાં આવી હતી, પણ તેની હાઇટ સલમાન કરતાં થોડી વધારે હોવાના કારણે તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી હતી. આ પછી ઉપાસનાએ બૉલીવુડમાં અનેક સફળ કૅમિયો કર્યા હતા અને ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં બુઆનો રોલ કરીને સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં ઉપાસનાએ ‘મૈંને પ્યાર કિયા’ માટે આપેલા પોતાના ઑડિશનની યાદગીરી જણાવતાં કહ્યું હતું કે ‘એ સમયે હું ચંડીગઢમાં અભ્યાસ કરતી હતી અને મારી આન્ટી ચેમ્બુરમાં રહેતી હતી. હું હંમેશાં કહેતી હતી કે મને હિરોઇન બનવું છે. એક વખત જ્યારે હું મુંબઈ આવી ત્યારે હું સૂરજ બડજાત્યાનું કામ સંભાળતા ગુપ્તાજીને મળી હતી. તેમણે મને કહ્યું કે રાજશ્રી પ્રોડક્શન્સ ‘મૈને પ્યાર કિયા’ નામની ફિલ્મ બનાવી રહ્યું છે અને તેઓ મારી મુલાકાત સૂરજ બડજાત્યા સાથે કરાવશે. મેં તેમને કહ્યું કે હું બાળપણથી જ થિયેટર કરતી આવી છું અને મને અભિનયમાં ખૂબ રસ છે. સૂરજ બડજાત્યાએ કોઈ ઔપચારિક ઑડિશન લીધું નહોતું. તેમણે માત્ર મને ત્રણ-ચાર સંવાદ બોલવા કહ્યું. હું તેમને ગમી ગઈ અને તેમણે ગુપ્તાજીને કહ્યું કે તેમના તરફથી મારી પસંદગી થઈ ગઈ છે, પણ ત્યાર બાદ મને ક્યારેય કોઈ ફોન આવ્યો નહીં. આ પછી મેં ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’માં તેમની સાથે કામ કર્યું હતું. આ સમયે સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાએ જણાવ્યું હતું કે હું ખરેખર સલમાન ખાન કરતાં વધુ ઊંચી હતી અને આ જ કારણસર મને ‘મૈંને પ્યાર કિયા’માં લેવામાં નહોતી આવી.