31 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયદીપ અહલાવત
જયદીપ અહલાવત ક્રિકેટર સચિન તેન્ડુલકરનો બહુ મોટો ફૅન છે. હાલમાં સચિને એક ઑનલાઇન સેશનમાં જયદીપની ઍક્ટિંગનાં વખાણ કરતાં તે ખુશખુશાલ થઈ ગયો હતો. જયદીપ અહલાવતે ઘણી વાર તેના પ્રિય ક્રિકેટર સચિન તેન્ડુલકરે તેને કેવી રીતે પ્રભાવિત કર્યો છે એ વિશે જાહેરમાં વાત કરી છે. હવે તાજેતરમાં સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પર એક ‘આસ્ક મી’ સેશન યોજ્યું, જેમાં તેણે યુઝરના સવાલના જવાબમાં જયદીપના અભિનયની પ્રશંસા કરી. યુઝરે સચિનને પૂછ્યું કે ‘જયદીપે તમારી ખૂબ પ્રશંસા કરી છે, તમારે આ વિશે કંઈ કહેવું છે?’ યુઝરના આ સવાલ પર સચિને કહ્યું, ‘તે એક શાનદાર અભિનેતા છે અને મને તેમનું કામ ખૂબ ગમે છે. ‘પાતાલ લોક’માં હાથીરામનું પાત્ર અદ્ભુત હતું.’
સચિન તરફથી પોતાની પ્રશંસા સાંભળીને જયદીપની ખુશીનો પાર ન રહ્યો. તેણે તરત જ સચિનની પોસ્ટ શૅર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી. જયદીપે તેના સોશ્યલ મીડિયામાં બે સ્ટોરીઝ શૅર કરી. પહેલી સ્ટોરીમાં તેણે લખ્યું, ‘સર, આવું ન કરો, કોઈ ખુશીથી પાગલ પણ થઈ શકે છે. ખૂબ-ખૂબ આભાર સર. આ ક્ષણને હું આખી જિંદગી મારી સાથે સાચવી રાખીશ.’
જ્યારે બીજી પોસ્ટમાં તેણે લખ્યું, ‘ક્યાંક હું સપનું તો નથી જોતોને? તમારો ખૂબ-ખૂબ આભાર સર.’