27 May, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહાન અખ્તરની ફાઇલ તસવીર
ફરહાન અખ્તર હાલમાં રણવીર સિંહ સાથેના ‘ડૉન ૩’ વિવાદને લઈને ચર્ચામાં છે. આ સંજોગોમાં મળતી માહિતી પ્રમાણે તે ટૂંક સમયમાં આશુતોષ ગોવારીકરના આગામી પ્રોજેક્ટમાં નાનકડા રોલમાં જોવા મળી શકે છે. ક્રિકેટર લાલા અમરનાથ પર બની રહેલી ફિલ્મમાં ફરહાન એક પાકિસ્તાની ક્રિકેટરના કૅમિયોમાં જોવા મળી શકે છે. ફિલ્મમાં તેનું પાત્ર લાલા અમરનાથની ખૂબ નજીક અને ભાવનાત્મક રીતે જોડાયેલું બતાવવામાં આવશે. જોકે હજુ સુધી મેકર્સ અથવા ફરહાન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ક્રિકેટર લાલા અમરનાથ પર બની રહેલી આ બાયોપિકને અનેક નિર્માતાઓ મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. એમાં ફરહાન અખ્તર સાથે આશુતોષ ગોવારીકર અને આમિર ખાનનું નામ પણ સામેલ છે. ૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લગાન’ બાદ આશુતોષ અને આમિરે સાથે કોઈ ફિલ્મ કરી નથી પરંતુ આ આગામી પ્રોજેક્ટ દ્વારા બંન્ને ફરી સાથે કામ કરતા જોવા મળી શકે છે. આ ફિલ્મની સ્ટોરી રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીએ મળીને લખી છે અને એનું શૂટિંગ ઑક્ટોબર આસપાસ શરૂ થવાની સંભાવના છે.