મોટી ઉંમરમાં મમ્મી બનવા માગતી મહિલાઓએ પ્રેગ્નન્સીનું પ્રેશર ન લેવું જોઈએ:કરીના

28 October, 2021 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે બે બાળકોને કેવી રીતે સમય ફાળવે છે અને કેવી રીતે બૅલૅન્સ રાખે છે એ વિશે પણ તેણે વાત કરી છે

કરીના કપૂર

કરીના કપૂર ખાને જણાવ્યું છે કે મોટી ઉંમરમાં મા બનવાનું તેણે કોઈ પ્રકારનું પ્રેશર નથી લીધું. તેણે જ્યારે તેના પહેલા દીકરા તૈમુરને જન્મ આપ્યો ત્યારે તે ૩૬ વર્ષની હતી. ત્યાર બાદ ૪૧ વર્ષની ઉંમરે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે બીજા દીકરા જેહને જન્મ આપ્યો છે. કરીના પ્રોફેશનલી પણ ખૂબ ઍક્ટિવ છે. તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે રિલીઝ થવાની છે. બાળકો વિશે કરીનાએ કહ્યું હતું કે ‘મેં કદી પણ બાળકોનું પ્લાનિંગ નહોતું કર્યું, કારણ કે હું ૩૬ સુધી પહોંચી ગઈ હતી અથવા તો મારી બાયોલૉજિકલ કન્ડિશનને જોતાં પણ મારે હવે મોડું ન કરવું જોઈએ એવું મને જરા પણ નહોતું લાગી રહ્યું. મને એવા વિચારો પણ નહોતો આવતા કે મેં એવી ચર્ચા પણ નહોતી કરી. મેં સૈફ સાથે પ્રેમ માટે લગ્ન કર્યાં હતાં. મને બાળકો જોઈતાં હતાં તો મને મળી ગયાં. એ વિશે મેં વધુ વિચાર નહોતો કર્યો, કારણ કે મારું ધ્યાન હંમેશાં મારા કામ પર જ રહેતું હતું. હું ખુશમિજાજ અને મારી જાત સાથે સંતુષ્ટ રહી છું. એથી મને નથી લાગતું કે મોટી ઉંમરે મમ્મી બનતી મહિલાઓએ કોઈ પણ પ્રકારનું પ્રેશર લેવું જોઈએ.’
બન્ને બાળકો વચ્ચે તાલમેલ રાખવાનું જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘મને એવું લાગે છે કે હું ખૂબ શાંત વ્યક્તિ છું. મેં મારા સમયને ખૂબ સારી રીતે વિભાજિત કરીને રાખ્યો છે. હું જાણું છું કે તૈમુરને ક્યારે મારી જરૂર પડશે. હું લકી છું કે તે જેહ બાદ જાગે છે. એથી જેહ જ્યારે જાગે છે ત્યારે એ સમય દરમ્યાન હું તેની સાથે હોઉં છું. તેનો બ્રેકફાસ્ટ થઈ જાય પછી તૈમુરના જાગવાનો સમય થઈ જાય છે. એથી હું બૅલૅન્સ કરી શકું છું. એથી આ બધાં કામ કરતી વખતે પણ હું વધુ પ્રેશર નથી લેતી. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે બાળકોને તમારી રોજબરોજની દિનચર્યામાં સામેલ કરો. એવું નથી કે મારે આ કામ કરવાનું છે કે તે કામ કરવાનું છે. અમે એવા પ્રકારના પેરન્ટ્સ નથી.’

bollywood news bollywood bollywood gossips entertainment news kareena kapoor