09 May, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
ફિલ્મમેકર સુપન વર્માની ‘હક’ એની સ્ટોરીલાઇનને કારણે ચર્ચામાં રહી છે. ગયા વર્ષના નવેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં યામી ગૌતમ અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ ૧૯૭૦ના દાયકાની એક ઘટના પર આધારિત હતી અને એક વકીલની પત્ની શાઝિયા બાનોની વાર્તા રજૂ કરે છે. આ ફિલ્મની સ્ટોરીમાં શાઝિયા બાનોનો પતિ બીજી મહિલા સાથે લગ્ન કરી લે છે અને તેને ગુજારાભથ્થું આપવાનો ઇનકાર કરે છે ત્યારે શાઝિયા બાનો તેને કોર્ટ સુધી ખેંચી જાય છે. આ સંઘર્ષ અને ન્યાયની લડત ફિલ્મનું મુખ્ય કેન્દ્ર હતી. હાલમાં સુપન વર્માએ વાતચીત દરદમ્યાન ફિલ્મ સાથે જોડાયેલા અનેક રસપ્રદ પ્રસંગો શૅર કરતાં જણાવ્યું હતું કે ‘યામી ગૌતમે આ ફિલ્મના પોતાના પાત્ર માટે ખાસ તૈયારી તરીકે કુરાન શીખી હતી. અમે ઇસ્લામિક કાયદાને સમજવામાં લગભગ દોઢ વર્ષ વિતાવ્યાં હતાં. આ ફિલ્મ માટે ખૂબ ઊંડું સંશોધન કરવામાં આવ્યું હતું, કારણ કે ખોટી માહિતી આખી ફિલ્મને ખોટી દિશામાં લઈ જઈ શકે છે. દરેક વ્યક્તિ પાસે માહિતી હોય છે અને આવા વાતાવરણમાં હું ઇચ્છતો હતો કે ‘હક’ એક સમજદારીભર્યો અવાજ બને.’