16 October, 2026 10:00 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
યામી ગૌતમ હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘નયી નવેલી’ના પ્રચારમાં જોરશોરથી વ્યસ્ત છે. ‘નયી નવેલી’ એક હૉરર-કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં યામી ગૌતમ અયોધ્યામાં આવેલા રામમંદિરે પહોંચી હતી અને રામલલાનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
યામીએ સોશ્યલ મીડિયામાં રામમંદિરની કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે પીળી સાડી પહેરીને રામલલાની સામે નમન કરીને ભગવાનના આશીર્વાદ લેતી દેખાય છે. યામી રામમંદિર ઉપરાંત હનુમાનગઢી પણ ગઈ હતી અને અહીં તેણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
આ તસવીરો શૅર કરતાં યામીએ કૅપ્શનમાં લખ્યું હતું કે ‘અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી રહી છું. આટલી ઊંડી અને ભાવુક કરી દેતી લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો ક્યારેય પૂરતા નથી હોતા. જય શ્રી રામ, જય હનુમાન.’
યામીએ રામલલા અને હનુમાનગઢીમાં બજરંગબલીનાં દર્શન કર્યા બાદ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અયોધ્યાની આ મારી પહેલી મુલાકાત છે. હું અહીં ઊંડી શ્રદ્ધા સાથે આવી છું. મેં આશીર્વાદ માગ્યા છે અને ભગવાન રામ તથા ભગવાન હનુમાનની કૃપાથી આ વર્ષ અમારા પરિવાર માટે ખૂબ સફળ રહ્યું છે. અહીં આવવાની અને પ્રાર્થના કરવાની તક મળી એને હું મારું મોટું સૌભાગ્ય માનું છું.’