25 December, 2025 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
ફિલ્મમેકર આદિત્ય ધર હાલમાં પોતાની ફિલ્મ ‘ધુરંધર’ની સફળતાની મજા માણી રહ્યો છે. હાલમાં આદિત્યની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમે એક ઇન્ટરવ્યુમાં તેનાં લગ્ન વિશેની અંતરંગ માહિતી શૅર કરી છે.
આદિત્ય સાથેની તેની રિલેશનશિપ અને લગ્ન વિશે વાત કરતાં યામીએ જણાવ્યું છે કે ‘‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના પ્રમોશન દરમ્યાન અમારો સંબંધ ધીમે-ધીમે મજબૂત બન્યો. જોકે આદિત્યએ મને ક્યારેય પ્રપોઝ નથી કર્યું પણ અમને એટલી ખબર હતી કે અમે લગ્ન કરવા માગીએ છીએ. અમારા પરિવાર આ માટે સંમત હતા અને અમારા માટે ખૂબ ખુશ હતા.’
યામી અને આદિત્યએ બહુ નજીકના લોકોની હાજરીમાં ૨૦૨૧ની ૪ જૂને અત્યંત સાદાઈથી લગ્ન કર્યાં હતાં. આ રીતે લગ્ન કરવા પાછળનું કારણ જણાવતાં યામીએ કહ્યું છે કે ‘અમારાં લગ્ન થયાં ત્યારે કોરોનાની સ્થિતિ હતી. જોકે આવી સ્થિતિ ન હોત તો પણ અમે આવી જ રીતે લગ્ન કરત... બસ થોડા પરિવારજનો, સૌના આશીર્વાદ અને આસપાસ કુદરત. અમે કોઈ પણ બીજી બાબત કરતાં વધુ રીતિરિવાજો પ્રમાણે લગ્ન કરવા માગતાં હતાં. અમને આપણી પરંપરાઓ અને હિન્દુ સંસ્કૃતિથી બહુ પ્રેમ છે અને માનીએ છીએ કે લગ્નના દરેક મંત્ર અને દરેક શબ્દનો પોતાનો અર્થ હોય છે. આ દિવસે મેં પોતે જ મારો મેકઅપ કર્યો. શરૂઆતમાં થોડું વિચિત્ર લાગ્યું, પણ પછી બધું સરસ થઈ ગયું. મારી નાની બહેન સુરીલીએ મારી હેરસ્ટાઇલ કરી હતી. હું બિલકુલ આવી જ રીતે લગ્ન કરવા માગતી હતી. એ ક્ષણમાં હું કંઈ પણ બદલવા માગતી નથી.’