17 August, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ
ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’ એના ૪૦૦૦ કરોડ રૂપિયાના મેગા બજેટને કારણે ચર્ચામાં છે. હવે આ મામલે ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનારા યશે ફિલ્મના બજેટની હકીકત જણાવી છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના શુભ અવસરે ૮ નવેમ્બરે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે વિદેશમાં ફિલ્મ ૬ નવેમ્બરે રિલીઝ થશે.
યશે ‘રામાયણ’ના ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટ વિશે ચર્ચા કરતાં કહ્યું હતું કે ‘આ એક ગેરસમજ છે કે અમારી ફિલ્મ ‘રામાયણ પાર્ટ-1’નું બજેટ ૪૦૦૦ કરોડ રૂપિયા છે. અમારા પાર્ટનર નમિત મલ્હોત્રાએ ફિલ્મના બન્ને ભાગની મળીને આટલી કિંમત જણાવી છે. એમાં ફિલ્મની રિલીઝ અને પ્રમોશનનો ખર્ચ પણ સામેલ છે. આ હૉલીવુડ જેવી જ એક પૅટર્ન છે. હૉલીવુડમાં ફિલ્મના બજેટની ગણતરી આ જ રીતે કરવામાં આવે છે. ત્યાં ફિલ્મના બજેટ જેટલા અથવા કેટલીક વાર એના કરતાં પણ વધુ પૈસા પ્રમોશન પાછળ ખર્ચવામાં આવે છે, કારણ કે ફિલ્મ વૈશ્વિક સ્તરે રિલીઝ થાય છે અને એની કમાણીની ગણતરી પણ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે.’
રણબીર કપૂરની ‘રામાયણ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. જોકે ચીનમાં દર્શકોને આ ફિલ્મનું ભારતીય વર્ઝન જોવા નહીં મળે. રિપોર્ટ અનુસાર ચીનમાં રિલીઝ થનારી ફિલ્મનો રનટાઇમ ભારતીય વર્ઝન કરતાં ૩૩ મિનિટ ઓછો હશે.
ચીનમાં ‘રામાયણ : ધ લેજન્ડ ઑફ ધ પ્રિન્સ’ નામથી રિલીઝ થનારી આ ફિલ્મનો રનટાઇમ ૧૬૬ મિનિટ એટલે કે ૨ કલાક અને ૪૬ મિનિટ હોવાનું કહેવાય છે, જ્યારે ભારતીય વર્ઝનનો રનટાઇમ ૧૯૯ મિનિટ એટલે કે ૩ કલાક અને ૧૯ મિનિટ છે.
મળતી માહિતી પ્રમાણે ચીનના કન્ટેન્ટ-નિયમોને કારણે ફિલ્મના કેટલાક હિસ્સામાં કાપ મૂકવામાં આવ્યો છે. ચીનના ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રમોશન લૉ અનુસાર એવી સામગ્રી પર પ્રતિબંધ છે જે દેશની ધાર્મિક નીતિઓને નબળી પાડતી હોય અથવા પાખંડ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી હોય. આ ઉપરાંત ચીનની સેન્સરશિપ સિસ્ટમની મંજૂરી પણ ફિલ્મની રિલીઝ પહેલાં જરૂરી હોય છે. હકીકતમાં ‘રામાયણ’ એક પ્રાચીન ભારતીય મહાકાવ્યનું રૂપાંતરણ હોવાથી ચીનમાં એના વર્ઝનમાં ધાર્મિક તત્ત્વોને ધ્યાનમાં રાખીને પણ ફિલ્મમાં ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે.