08 April, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણમાં રાવણ માત્ર ખલનાયક નહીં હોય
રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’ દિવાળીના અવસરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે અને હવે ફિલ્મના ડિરેક્ટર નીતેશ તિવારીએ એક મહત્ત્વપૂર્ણ માહિતી શૅર કરી છે જેને સાંભળી રાવણનો રોલ કરી રહેલા યશના ફૅન્સ ખુશ થઈ ગયા છે.
નીતેશ તિવારીએ ખુલાસો કર્યો છે કે ફિલ્મમાં રાવણને માત્ર ખલનાયક તરીકે નહીં પણ અનેક લાક્ષણિકતા ધરાવતા પાત્ર તરીકે રજૂ કરવામાં આવશે. યશ દ્વારા નિભાવવામાં આવનાર રાવણના પાત્રમાં ભગવાન શિવ પ્રત્યેની તેની ભક્તિ, સંગીત પ્રત્યેનો પ્રેમ અને એક રાજા તરીકેની તેની ઉદારતા જેવી સકારાત્મક વિશેષતાઓ પણ દર્શાવવામાં આવશે. ડિરેક્ટરનું કહેવું છે કે આ રજૂઆત બતાવશે કે કેવી રીતે ગુસ્સો અને નકારાત્મકતા વ્યક્તિના સારા ગુણોને પણ દબાવી શકે છે અને અંતે તેના પતનનું કારણ બની શકે છે.
લૉસ ઍન્જલસમાં યોજાયેલા ફિલ્મના ટીઝર લૉન્ચ દરમ્યાન નીતેશ તિવારીએ કહ્યું હતું કે ‘રાવણના જીવનમાં ઘણાં પાસાં હતાં. તે એક મહાન યોદ્ધા, કુશળ સંગીતકાર, વિદ્વાન, દયાળુ રાજા અને ભગવાન શિવના મહાન ભક્ત હતા. રાવણને માત્ર વિલન તરીકે બતાવવું પૂરતું નથી, કારણ કે તેના જીવનમાં એક મોટો સાર છુપાયેલો છે. જો વ્યક્તિમાં અનેક સારા ગુણ હોવા છતાં તે અહંકાર અને બદલો લેવાની ભાવનાથી ભરેલો હોય, તો અંતે એનું પરિણામ વિનાશક જ હોય છે.’