20 August, 2026 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉક્સિકથી બાળકોને દૂર રાખજો
યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ ૨૬ ઑગસ્ટ રિલીઝ થવાની છે ત્યારે યશે બાળકોને આ ફિલ્મથી દૂર રહેવાની સલાહ આપી છે. યશે સલાહ આપતાં કહ્યું છે કે ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મમાં જોવા મળનારી દરેક બાબત દર્શાવવામાં આવી નથી.
‘ટૉક્સિક’નાં ઇન્ટેન્સ દૃશ્યો વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે ‘બાળકોએ આ ફિલ્મ ન જોવી જોઈએ. તેમણે ઘરે રહેવું જોઈએ. આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી નથી અને આ વાત એકદમ સ્પષ્ટ છે. મોટા લોકો સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજે છે. તેઓ પોતે નક્કી કરી શકે છે કે તેમણે શું જોવું, ફિલ્મમાંથી શું શીખવું અને જીવનમાં શું ન કરવું. જોકે ફિલ્મ ખૂબ જ સાચી છે અને એની વાર્તા ઘણી ઊંડાણવાળી છે.’
વિશ્વભરમાં ૧૨,૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થશે ટૉક્સિક?
‘KGF’ સ્ટાર યશ હવે પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ને લઈને ચર્ચામાં છે. ‘ટૉક્સિક’નું ઍડ્વાન્સ બુકિંગ ૨૧ ઑગસ્ટે શરૂ થવાનું છે અને આ ફિલ્મ ૨૬ ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે ઘણા સમય પહેલાં જ જણાવ્યું હતું કે તેઓ પોતાની આ ફિલ્મને વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે મેકર્સના પ્લાનિંગનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ‘ટૉક્સિક’ને વિશ્વભરમાં આશરે ૧૨,૦૦૦ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. જો આવું થાય છે તો કોઈ ભારતીય ફિલ્મ માટે આ એક રેકૉર્ડ હશે. જોકે મેકર્સે હાલમાં આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.