18 October, 2025 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
SRKની નેટવર્થ ૧૨,૪૦૦ કરોડ રૂપિયા છતાં તે કેમ પાનમસાલાને પ્રમોટ કરી રહ્યો છે?
હાલમાં જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ શાહરુખ ખાનની સંપત્તિ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં ધ્રુવે કહ્યું છે કે હવે શાહરુખ વિશ્વના સૌથી અમીર અભિનેતાઓમાંથી એક છે અને તેની સંપત્તિ લગભગ ૧૨,૪૦૦ કરોડ રૂપિયા છે. શાહરુખની સંપત્તિની વિગત આપીને ધ્રુવે સવાલ કર્યો છે. ધ્રુવે કહ્યું છે કે ‘મારો શાહરુખ ખાનને પ્રશ્ન છે કે તેની પાસે જેટલા પૈસા છે એ પૂરતા નથી? જો પૂરતા છે તો કઈ મજબૂરી છે કે પાનમસાલા જેવી હાનિકારક વસ્તુને તમે હજી પણ પ્રમોટ કરી રહ્યા છો?’
આ પછી ધ્રુવે લોકોને અપીલ કરી છે કે આ વિડિયો એટલો વાઇરલ કરો કે એ શાહરુખ ખાન સુધી પહોંચી જાય.
આ મામલે શાહરુખે કંઈ કહ્યું નથી પણ તેનો એક જૂનો વિડિયો ચર્ચામાં આવ્યો છે જેમાં તેણે ધૂમ્રપાન અને કોલ્ડ ડ્રિન્કના પ્રચાર માટે તેનો વિરોધ કરવામાં આવતાં કહ્યું હતું કે ‘હું અધિકારીઓને અપીલ કરીશ કે આ વસ્તુઓ બૅન કરી દેવામાં આવે. એનું દેશમાં વેચાણ જ ન કરવામાં આવે. જો ધૂમ્રપાન ખરાબ છે તો આ દેશમાં સિગારેટનું ઉત્પાદન ન કરવામાં આવે. જો તમને લાગે છે કે કોલ્ડ ડ્રિન્ક્સ ખરાબ છે તો એને બૅન કરવામાં આવે પણ તમે એને રોકતા નથી કારણ કે એમાંથી તમને આવક મળે છે. ઈમાનદારીથી કહું તો જો તમને લાગે છે કે કેટલીક વસ્તુઓ હાનિકારક છે પણ તમે એને રોકતા નથી કારણ કે એ સરકાર માટે આવકનું સાધન છે તો મારી આવક પણ ન રોકો. હું એક અભિનેતા છું. મારે કામ કરવું છે અને એમાંથી આવક મેળવવી છે. મારી આ વાત બિલકુલ સ્પષ્ટ છે. જો તમને લાગે છે કે કંઈ ખોટું છે તો એને બૅન કરી દો તો મને કોઈ સમસ્યા નથી.’
શાહરુખની ૬૦મી વર્ષગાંઠે ખાસ તેની ફિલ્મોનો ફિલ્મ-ફેસ્ટિવલ
બીજી નવેમ્બરે શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠ છે. આ વર્ષગાંઠ પહેલાં તેના વારસાને સન્માનિત કરવા માટે એક પીવીઆર-આઇનૉક્સ દ્વારા વિશેષ ફિલ્મ-ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે જેમાં શાહરુખ ખાનની ફિલ્મો દર્શાવવામાં આવશે. આ શાહરુખ ખાન ફિલ્મ-ફેસ્ટિવલ ૩૧ ઑક્ટોબરથી શરૂ થશે અને બે અઠવાડિયાં સુધી ચાલશે. રિપોર્ટ પ્રમાણે એમાં ૩૦ શહેરોમાં ૭૫થી વધુ થિયેટર્સમાં ‘કભી હાં કભી ના’, ‘દિલ સે’, ‘દેવદાસ’, ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘જવાન’ દર્શાવવામાં આવશે.