મેં મારા શરીરને બહુ નુકસાન પહોંચાડ્યું છે

30 January, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા પરિવારમાં કેટલીક જિનેટિક બીમારીઓ છે જે એક ઉંમર પછી સામે આવવા લાગે છે એમ જણાવતાં કૉમેડિયન ઝાકિર ખાને કહ્યું...

કૉમેડિયન ઝાકિર ખાન

સ્ટૅન્ડઅપ કૉમેડિયન ઝાકિર ખાને હાલમાં લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી હતી. હવે એક ઇન્ટરવ્યુમાં ઝાકિર ખાને પોતાના બ્રેકનાં અસલી કારણો વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

ઝાકિર ખાને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે મારે તબિયત પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. પોતાનો મુદ્દો રજૂ કરતાં તેણે કહ્યું હતું કે ‘મારા પરિવારમાં કેટલીક જિનેટિક બીમારીઓ છે જે એક નિશ્ચિત ઉંમર પછી સામે આવવા લાગે છે. મેં પણ મારા શરીરને બહુ નુકસાન પહોંચાડ્યું છે. હું માત્ર બે કલાક ઊંઘું છું અને પછી હજારો લોકો સાથે મળવા નીકળી પડું છું, કારણ કે શહેરમાં પહોંચતાં જ લોકો સાથે મળવાનું શરૂ થઈ જાય છે.’

ઝાકિર ખાને જણાવ્યું કે ‘મેં લગભગ એક દાયકાથી કામને જ સૌથી ઉપર રાખ્યું હતું. એની સીધી અસર મારી તબિયત પર પડી છે. જ્યારે તમે સતત ૧૦ વર્ષ સુધી કામ કરો છો ત્યારે એનો પ્રભાવ શરીર પર પડે છે. હવે મેં નક્કી કર્યું છે કે કામની સાથે-સાથે હું હેલ્થ પર પણ ફોકસ કરીશ. હું ગયા વર્ષે અમેરિકા ગયો હતો ત્યારે મને સમજાયું કે હું એકસાથે કામ અને સ્વાસ્થ્ય બન્ને સંભાળી શકતો નથી. આ પછી જ મેં બ્રેક લેવાનો નિર્ણય કર્યો.’

entertainment news bollywood bollywood news