✕

ઝીનત અમાને પેટ ડૉગ સાથે ૭૫મી વર્ષગાંઠ ઊજવી

23 November, 2026 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯ નવેમ્બરે ઝીનત અમાનની ૭૫મી વર્ષગાંઠ હતી. આ દિવસે ઝીનતે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરીને સેલિબ્રેશન કર્યું હતું.

ઝીનત અમાન

૧૯ નવેમ્બરે ઝીનત અમાનની ૭૫મી વર્ષગાંઠ હતી. આ દિવસે ઝીનતે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરીને સેલિબ્રેશન કર્યું હતું. ઝીનતે સોશ્યલ મીડિયા પર આ ખાસ દિવસની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરો દ્વારા તેણે ચાહકોને પોતાના જન્મદિવસની ઉજવણીની ઝલક બતાવી હતી અને તેને મળેલા પ્રેમ તથા શુભેચ્છાઓ માટે સૌનો આભાર માન્યો હતો. આ તસવીરોમાં ઝીનત પોતાના વહાલા ડૉગ સાથે પોઝ આપતી જોવા મળે છે અને તેની સામે જન્મદિવસની ત્રણ કેક પણ રાખવામાં આવી છે.

ઝીનતની આ ત્રણમાંથી બે કેક પર ‘હૅપી બર્થડે મમ!’ લખેલું હતું, જેના કારણે આ ઉજવણી વધુ ખાસ અને અંગત બની હતી. ઘરના શાંત અને આરામદાયક વાતાવરણમાં પોતાના વહાલા ડૉગ સાથે અભિનેત્રીએ ખૂબ જ સાદગીથી અને પોતાના દિલની નજીકના લોકો વચ્ચે જન્મદિવસ ઊજવ્યો હતો.

આ તસવીર સાથે ઝીનતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારું હૃદય ભરાઈ આવ્યું છે. દરેક મેસેજ, દરેક શુભેચ્છા અને પ્રેમની દરેક અભિવ્યક્તિ માટે તમારો આભાર. મેં આ બધું વાંચ્યું છે, અનુભવ્યું છે અને સાચવી રાખ્યું છે. જીવન એક સુંદર અને અનિશ્ચિત સફર છે. મને વધુ એક વર્ષ મળ્યું છે... જીવવા માટે, શીખવા માટે, હસવા માટે અને થોડો વધુ પ્રેમ કરવા માટે. આ એક એવું સૌભાગ્ય છે જેને હું ક્યારેય સામાન્ય બાબત ગણી શકતી નથી. મારી સફરનો હિસ્સો બનવા બદલ આભાર. જીવનના નામે અને હજુ જીવવાના બાકી રહેલા દરેક પળના નામે. હંમેશાં ખૂબ બધો પ્રેમ.’

bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news zeenat aman happy birthday