08 April, 2026 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૈચાન કૌન?
ઝીનત અમાને ૬૦ અને ૭૦ના દાયકાની ફિલ્મોમાં પોતાના અભિનય અને ગ્લેમરસ સ્ટાઇલથી ખાસ ઓળખ બનાવી હતી. હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાના પ્રથમ પ્રોફેશનલ ફોટોશૂટની ઝલક શૅર કરી છે. આ ખાસ ફોટોશૂટ માટે તેની મમ્મીએ તેને તૈયાર કરી હતી. આ સાથે જ તેણે પોતાના મૉડલિંગના શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી અને જણાવ્યું કે કેવી રીતે દેવ આનંદે તેને શોધી કાઢી હતી.
ઝીનત અમાને બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર શૅર કરતાં લખ્યું કે તેને ચોક્કસ વર્ષ યાદ નથી, પરંતુ એ સવારે અનુભવેલો ઉત્સાહ આજે પણ યાદ છે. ઝીનતની મમ્મી તેને દક્ષિણ મુંબઈના બૅલાર્ડ એસ્ટેટમાં આવેલા પ્રસિદ્ધ હૅમિલ્ટન સ્ટુડિયો લઈ ગઈ હતી અને ત્યાં તેની પહેલી પ્રોફેશનલ તસવીરો લેવામાં આવી હતી. ઝીનત અમાને વધુમાં લખ્યું કે તેની મમ્મી કોઈ પણ કામ અડધા મનથી કરતી નહોતી અને એટલે તસવીરો માટે તેની મમ્મીએ ખૂબ જ પ્રેમથી તેના વાળ સજાવ્યા, સાડી પહેરાવી અને જ્યારે તે શરમાતાં-શરમાતાં કૅમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે તેની મમ્મી કૅમેરા પાછળ ઊભી હતી.