મુની ઝા અને સેજલ શાહનું નાટક ‘પૉઝ’ એટલે કે એક અગત્યનાં પરિવર્તનની રસપ્રદ રજુઆત

24 May, 2021 02:17 PM IST  |  Mumbai | Chirantana Bhatt

ઘરની  સ્ત્રીનું વર્તન બદલાય અને પોતાનાં તેને સમજે નહીં ત્યારે લાગણીઓમાં એક ન જોઇતો પૉઝ આવતો હોય છે. પરંતુ આ પૉઝની પાછળનું ખરું કારણ શોધવામાં અને સમજવામાં થાપ ખાઇ જવાય છે

નાટક `પૉઝ`માં સેજલ શાહ તથા મુની ઝા અભિનીત દ્રશ્ય

ઘરની  સ્ત્રીનું વર્તન બદલાય અને પોતાનાં તેને સમજે નહીં ત્યારે લાગણીઓમાં એક ન જોઇતો પૉઝ આવતો હોય છે. પરંતુ આ પૉઝની પાછળનું ખરું કારણ શોધવામાં અને સમજવામાં થાપ ખાઇ જવાય છે. ગુજરાતની નાટક ‘પૉઝ’ જે ઓનલાઇન પ્લેટફોર્મ નાઇન રસા પર આવ્યું છે તેમાં સ્ત્રીના શરીરમાં આવતા એક અગત્યના બદલાવ, એક પૉઝ એટલે કે મેનોપૉઝની વાત વણી લેવાઇ છે. પ્રશાંત જોશી લિખીત, વિપુલ વિઠલાણી દિગ્દર્શિત આ નાટકના કલાકારો છે મુની ઝા, સેજલ શાહ અને સ્મિત ગણાત્રા.

ગુજરાતી મિ-ડે ડૉટ કોમે મુની ઝા અને સેજલ શાહ સાથે આ નાટક અંગે વાત કરી. ગુજરાતી નાટકોમાં મોટે ભાગે આવા વિષયો પર કામ નથી થતું તેવી ટકોરના જવાબમાં મુની ઝા કહે છે, “ગુજરાતી નાટકોમાં આઉટસ્ટેન્ડિંગ વિષયો પર કામ થતું જ હોય છે પણ કૉમર્શિયલ થિએટર જે સંસ્થાઓને આધારે બિઝનેસ કરતાં હોય ત્યા સાદ જુદો થીમ ધરાવતું નાટક રજૂ કરવામાં પ્રોડ્યુસર્સ પણ પાછા પડે. આ પ્રકારના નાટકોને ઑફબીટમાં ખપાવવામાં આવે.”  મેનોપૉઝ જેવો વિષય જે દરેક સ્ત્રીના જીવનની વાસ્તવિકતા છે તેને એક સમય પુરુષ અભિનેતાઓ વાતવાતમાં મજાકમાં લેતા તેવી વાત કરતાં પણ મુની ઝા ઉમેરે છે કે, “કોઇ પુરુષ અભિનેતા વગર કારણ અકળાયેલો હોય તો તેને મેનોપૉઝ આવ્યો હશે તેવી મજાક કેઝ્યુઅલી થઇ જતી. પરંતુ હવે લોકોમાં, ખાસ કરીને શહેરોમાં આવા વિષયોને મામલે મોકળાશ આવી છે. સ્ત્રીઓ પણ આ કુદરતી બદલાવ અંગે સ્વાભાવિકતાથી બોલે છે. પરંતુ તેનો અર્થ એમ નથી કે બધાંને બધું સમજાઇ ગયું છે. આ કારણે જ ‘પૉઝ’ જેવું નાટક મહત્વનું થઇ પડે છે. ” તેમનું કહેવું છે કે માત્ર સ્ત્રીઓને લગતા વિષયો જ નહીં પણ મોટી ઉંમરે પુરુષોની સેક્સલાઇફ કે તેમની ડિઝાયરને ધ્યાનમાં રાખીને પણ સર્જન થવા જોઇએ કારણકે તે વાસ્તવિકતા છે. લોકો આ દિશામાં વિચારતા નથી કારણકે તે અજાણ હોય છે અથવા તો તેની અવગણના કરવી તેમને માટે આસાન હોય છે.  મેનોપૉઝ સ્ત્રીના જીવનનનો એક અગત્યનો બદલાવ છે અને તે અંગે પુરુષોને સેન્સીટાઇઝ કરવા જ જોઇએ તેમ કહેતાં મુની ઝા ઉમેરે છે કે, “મેનોપૉઝ માત્ર શરીર પુરતો બદલાવ નથી. આપણા સોશ્યલ સેટ-અપમાં આ ચર્ચાઓ નથી થતી એટલે જ સંબંધોમાં જટિલતા આવે છે. ઘરનો માહોલ બદલાય છે. એક કપલ તરીકે અમે પણ આ તબક્કામાંથી પસાર થયા છે. અમને બંન્નેને કદાચ આ બાબતે વધારે ખબર હોય તો એ સમય વધુ સારી રીતે, સંજોગોને સંવેદનશીલતાથી મેનેજ કરીને પસાર થઇ શક્યો હોત.”

નાઇન રસા પ્લેટફોર્મ વિશે તેમનું કહેવું છે કે, “લૉકડાઉનને કારણે થિએટરનું ગળું રૂંધાયું છે ત્યારે શ્રેયસ તલપડેએ નાઇન રસા શરૂ કરવાનું જે પગલું ભર્યું તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.”

પૉઝ નાટકને કેન્દ્ર સ્થાને જેવી વાર્તા છે તેવી હંસા પંડ્યાનું પાત્ર ભજવનારાં સેજલ શાહ સાથે વાતની શરૂઆત લૉકડાઉનથી થઇ. તેઓ કહે છે, “ગયું વર્ષ તો કાઢ્યું પણ આ વર્ષે તો વાઇરસે અમારો વારો પણ કાઢ્યો, બહુ દર્દનાક છે આખો અનુભવ. હવે બધું થાળે પડ્યું છે અને બધાંની તબિયત પણ સારી છે.” પોતે એક સ્ત્રી છે છતાં પણ હોર્મોન ચેન્જ અને મેનોપૉઝ અંગે જેટલી સમજ હોવી જોઇએ તેટલી નહોતી તેમ કહેતાં તે ઉમેરે છે, “મેં મારી મમ્મીને પણ તેમાંથી પસાર થતા જોઇ, ત્યારે બહુ સમજ ન પડતી. હું પોતે એમાંથી પસાર થઇ, બ્લિડીંગ, થાક, મૂડ સ્વિંગ્ઝ કેટલું બધું હોય. ગાયનેક પાસેથી જાણકારી મળી ત્યારે પણ ઉપરછલ્લી. પણ આ અંગે વિગતવાર વાત થાય, માત્ર સ્ત્રીને નહીં પણ આખા પરિવારને આ પરિવર્તન વિશે વિગતવાર સમજાવવામાં આવે તે જરૂરી છે. આ ચેન્જિઝ લાઇટલી ન લેવાં જોઇએ. વાળ, સ્કીન બધાં પર તેની અસર થતી હોય છે.” આ નાટકમાં કામ કરવાનો અનુભવ અને તેની સાથે વાસ્તવિક જીવનમાં મેનોપૉઝમાંથી પસાર થવાનો અનુભવ તેની ત્રિરાશી માંડતા સેજલ શાહ કહે છે, “હું આ નાટકના પાત્ર સાથે સંકળાઇ ચોક્કસ શકી કારણકે હું પણ આ પરિવર્તનમાંથી પસાર થઇ છું. જો કે અહીં જે પાત્ર છે તે સ્વતંત્ર, પ્રોફેશનલ સ્ત્રી નથી પણ હોમ મેકર છે, એટલા ખાતર મને પાત્ર પુરી રીતે આત્મસાત કરતાં સમય લાગ્યો. ડાયરેક્ટર વિપુલ વિઠલાણી તરફથી મને આ બીબામાં ઢળવામાં મદદ મળી.”

તેમણે નાઇન રસા વિશે વાત કરતાં કહ્યું કે, “લૉકડાઉનમાં નાટકની દુનિયા માટે આ એક આશીર્વાદ સમાન પહેલ છે. કેટલા બધા કલાકારોને પણ આ કારણે તક મળી કારણકે આ સંજોગોમાં ફરી રંગમંચ પર ક્યારે જઇ શકાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.”

આ પ્રકારના વિષય પર કામ કરવાનું હોય તો રજૂઆત સર્જનાત્મક હોય તે જરૂરી છે. બંન્ને કલાકારોનું માનવું છે કે પરિવારે સાથે મળીને આ નાટક જોવું જોઇએ, સેક્સ, મેનોપૉઝ જેવા વિષયો પર ખુલીને ચર્ચા થવી જોઇએ, આવા વિષયો પર વધુ કામ પણ થવું જ જોઇએ.

entertainment news