તાનાજી ફિલ્મમાં કામ કરી ચૂકેલા ગુજરાતી યુવા કલાકાર હાર્દિક સંગાણી એડ ફિલ્મ્સના છે રાજા

27 April, 2022 01:49 PM IST  |  Mumbai | Nirali Kalani

હાર્દિકે 100 જેટલી એડફિલ્મ્સ પણ કરી છે, જેમાં  કેડબરી, નેટફ્લિક્સ, ગુડ ડે બિસ્કિટ, નોકિયા, પેટીએમ, ટાટા એઆઈજી અને ઉત્તરાખંડ ટુરિઝમની જાહેરાતોનો સમાવેશ થાય છે. મહત્વની વાત છે કે હાર્દિક સંગાણી ગુડ ડે બિસ્કિટ જેવી પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.  

હાર્દિક સંગાણી (તસવીર ડિઝાઈન: સોહમ દવે)

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે એક એવા ગુજરાતી યુવા કલાકારની જેમણે અજય દેવગણ સ્ટારર ફિલ્મમાં કામ તો કર્યુ જ છે, સાથે સાથે 100 જેટલી એડ ફિલ્મ્સ અને ટેલિવિઝન શૉ પણ કર્યા છે. અભિનેતા હાર્દિક સંગાણી, જે 22 વર્ષથી અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તે ન માત્ર અભિનેતા છે, પરંતુ એક સારા લેખક પણ છે. તો ચાલો પ્રકાશ પાડીએ તેમની આ સફર પર..

મુંબઈમાં જન્મેલા હાર્દિક સંગાણીએ 8 વર્ષની ઉંમરથી જ અભિનય કરવાનું શરૂ કર્યુ હતું. હાર્દિક સંગાણીએ મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મેં બાળપણમાં ક્યારેય એક્ટર બનવાનું સપનું જોયું નહોતું. પરંતુ 8 વર્ષની ઉમંરમાં મને અભિનય કરવાની તક મળી તો તેને સોનેરી તક સમજી અભિનય કરવાનું શરૂ કર્યુ." તેમણે સૌપ્રથમ `ચાચા ચૌધરી` નામના શૉ માં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. જો કે ત્યારે હાર્દિકને કોઈ અંદાજો નહોતો કે તે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવશે.

બાળકલાકાર તરીકે હાર્દિકે લોકપ્રિય સીરિયલ `બા બહુ ઔર બેબી` સહિત અઢળક સીરિયલોમાં અભિનય કર્યો. હાર્દિક એક્ટિંગની સાથે સાથે અભ્યાસમાં પણ પુરતૂં ધ્યાન આપતાં હતા. જ્યારે હાર્દિકે કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમને નાટકના તખ્તાનો રંગ લાગ્યો અને થિયેટર્સમાં એન્ટ્રી કરી. કોલેજ દરમિયાન અભ્યાસની સાથે સાથે તેમણે અંગ્રેજી, મરાઠી, હિન્દી અને ગુજરાતી ભાષામાં અનેક નાટકો કર્યા અને તેમાં તેના કામ બદલ તેઓ કેટલાક એવોર્ડ્સના હકદાર પણ બન્યા. 

બર્થડે પર મળી તાનાજીમાં કામ કરવાની ઓફર

કળા કોઈની મોહતાજ નથી એ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી, પરંતુ કેટલીક વખત કલાકારોને કામની અનિશ્ચિતતાને કારણે ચિંતા થતી હોય છે અને તેથી તે કમાવવાં માટે અન્ય વિકલ્પો અપનાવતાં હોય છે. હાર્દિક સંગાણીને પણ ક્યાંક ને ક્યાંક આ ચિંતા હતી, તેથી તેમણે મલાડમાં ફોરેન પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. જો કે, બિઝનેસની જવાબદારી માથે આવતાં તે સમય દરમિયાન તેઓ એક્ટિંગથી દૂર રહ્યાં હતા. પરંતુ તેમને તેમની અંદર રહેલો અભિનેતા અભિનય માટે ઝંખતો હોય તેવો અનુભવ થતો હતો. તેમને એવું લાગતું હતું કે તેઓ એક્ટિંગ માટે જ બન્યા છે અને બાદમાં હાર્દિકે સંપૂર્ણપણે એકિટંગ કરવાનો નિર્ણય લીધો અને ફરી અભિનયના માર્ગ પર દોડવા લાગ્યા. હાર્દિકની એકિટંગ પ્રત્યેની ધગશ અને દિલથી કામ કરવાની પ્રમાણિકતાને કારણે તેના બર્થડે પર તેમને અજય દેવગન સ્ટારર ફિલ્મ `તાનાજી`માં કામ કરવાની ઓફર મળી. લક્ષ્મી ચાંદલો કરવા આવે અને મોઢું ધોવા થોડું જવાય.. હાર્દિકે આ ઓફરને સ્વીકારી અને ફિલ્મમાં બેસ્ટ પર્ફોમન્સ આપ્યું. 

અનુરાગ કશ્યપ સાથે પણ કર્યુ છે કામ

અભિનેતા હાર્દિક સંગાણીએ `આ નમો બહુ નડે છે` અને `જીરો બની ગયો હીરો` જેવાં  25 જેટલા નાટકોમાં રંગમંચ પર અભિનયનો પ્રકાશ પાથર્યો છે. આ સાથે જ તેમણે 100 જેટલી એડફિલ્મ્સ પણ કરી છે, જેમાં  કેડબરી, નેટફ્લિક્સ, ગુડ ડે બિસ્કિટ, નોકિયા, પેટીએમ, ટાટા એઆઈજી અને ઉત્તરાખંડ ટુરિઝમની જાહેરાતોનો સમાવેશ થાય છે. મહત્વની વાત છે કે હાર્દિક સંગાણી ગુડ ડે બિસ્કિટ જેવી પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.  આ જાણીને તેમને એડ ફિલ્મ્સના ગુજરાતી યુવા રાજા કહેવામાં કંઈ અયોગ્ય નથી. આટલું જ નહીં હાર્દિકે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી દર્શકોના દિલ જીત્યા છે. તેમણે `મિડનાઈટ વિથ મેનકા`માં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર સાથે સ્ક્રીન શેર કરી હતી, તો `લવની લવસ્ટોરીઝ` માં પણ અભિનય કર્યો છે. આ ઉપરાંત તેમણે બૉલિવૂડ સ્ટાર અનુરાગ કશ્યપ સાથે પણ કામ કર્યુ છે. ભવિષ્યમાં તેમને જ્હાનવી કપૂર અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ખુબ ઈચ્છા છે. 

અભિનેતાની સાથે સાથે હાર્દિક સંગાણી એક સારા લેખક પણ છે. લૉકડાઉન દરમિયાન તેમણે એક ફિલ્મ પણ લખી છે. જે આગામી સમયમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. અભિનેતા હાર્દિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે `જયસુખ ઝડપાયો` નામની ફિલ્મમાં જોવા મળશે. જે ફિલ્મ 3 જૂનના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં બૉલિવૂડના ફેમસ કલાકાર જોની લીવર પણ જોવા મળશે. ફિલ્મનું મ્યુઝિક કશ્યપ સોમપુરાનું છે તો ગીતો મેઘા અંતાણીએ લખ્યાં છે. ફિલ્મમાં સુખવિન્દર સિંહે અને પલક મુચ્છલે પણ ગીતો ગાયાં છે. 

 

 

Gujarati Natak gujarati film mumbai