03 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન, અને પત્ની રીના
અત્યારે ગૌરી સ્પ્રૅટ સાથે ડેટિંગ કરી રહેલા આમિર ખાનને લાગે છે કે પ્રથમ પત્ની રીના સાથેના ૧૬ વર્ષના લગ્નજીવનનો અંત થયો એ ઘટનામાંથી તે ઘણું શીખ્યો છે.
આમિર કહે છે, ‘મેં એક નહીં, ઘણી ભૂલો કરી છે. મને એવું લાગે છે કે રીના અને મેં ખૂબ જલદી લગ્ન કરી લીધાં હતાં. હું ૨૧ વર્ષનો હતો, તે ૧૯ વર્ષની હતી. અમે એકબીજાને ફક્ત ચાર મહિનાથી જ ઓળખતાં હતાં. અમે એકબીજા સાથે વધુ સમય પસાર નહોતો કર્યો. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. જોકે હવે જ્યારે હું ભૂતકાળ વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે અમારે આ વિશે વિચારવું જોઈતું હતું. એ સમયે યુવાનીના જોશમાં તમે ઘણી બાબતો સમજી શકતા નથી. જોકે મને રીના સાથે વિતાવેલા સમય કે લગ્નનો કોઈ પસ્તાવો નથી. અમે પ્રૅક્ટિકલી એકબીજા સાથે મોટાં થયાં છીએ અને અમે દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. અમે એકબીજાને સન્માન આપીએ છીએ અને એકબીજા માટે ઘણો પ્રેમ છે, પરંતુ મને નથી લાગતું કે કોઈએ નાની ઉંમરે ઉતાવળમાં લગ્ન કરવા જેવું મોટું પગલું ભરવું જોઈએ. હું અને રીના હજી પણ એકબીજાને સન્માન આપીએ છીએ અને મને મારા જીવનની સૌથી મોટી ગિફ્ટ આઇરા અને જુનૈદ રૂપે આ લગ્નથી જ મળી છે. મેં રીના સાથે ૧૬ વર્ષ વિતાવ્યાં. તમે એને મારી ઉતાવળ ગણી શકો પણ હું એને આ રીતે જોઉં છું, કારણ કે જો મેં એ ન કર્યું હોત તો હું અહીં ન હોત. મને લાગે છે કે રીના સાથેના લગ્નજીવનની મોટી સમસ્યા એ હતી કે હું વર્કોહોલિક હતો અને મોટા ભાગનો સમય મારી ફિલ્મોમાં જ ખોવાયેલો રહેતો હતો.’