12 September, 2025 09:58 PM IST | Mumbai | Viren Chhaya
`અલબેલી મતવાલી મૈયા’ આદિત્ય ગઢવી ગૅમી રેસમાં દોડવા માટે તૈયાર
ગુજરાતની લોકકલા અને લોકસાહિત્યને દુનિયાભરમાં એક નવી ઓળખ મળી રહી છે. ગુજરાતના ગરબા હવે લોકલથી ગ્લોબલ સ્ટેજ સુધી પહોંચી ગયા છે. ગુજરાતની લોકકલાનો એક ભાગ એવા ગુજરાતના લોકસંગીતને એક જુદી જ પ્રસિદ્ધિ મળી રહી છે. ગુજરાતી સંગીતને ગ્લોબલ સ્ટેજ સુધી લઈ જવામાં લોકગાયક આદિત્ય ગઢવી સૌથી મોખરે જોવા મળી રહ્યો છે. કોક સ્ટુડિયોના સુપરહિટ ગીત ‘ખલાસી’ને અમેરિકામાં પરફોર્મ કરવું હોય કે પછી આજની પેઢી સુધી ગુજરાતી ગીતો પહોંચાડવા તેમાં આદિત્ય સફળ રહ્યો છે. જોકે હાલમાં તેણે ગુજરાતના ગરબાને એક વૈશ્વિક મંચે એક નવી સિદ્ધિ આપવાનો મોકો મળ્યો છે. કારણ કે આદિત્ય ગઢવીએ ગાયેલા ‘અલબેલી મતવાલી મૈયા’ને ૬૮મા ગ્રૅમી ઍવોર્ડ્સની ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કૅટેગરીમાં નોંધણી માટે મોકલવામાં આવ્યું છે.
સંગીત વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધિઓને ઓળખવા અને સન્માનિત કરવા માટે યોજાતા ગ્રૅમી એવોર્ડ્સમાં આદિત્ય ગઢવીના ‘અલબેલી મતવાલી મૈયા’ની પણ હવે એન્ટ્રી થઈ ગઈ છે. ૬૮ મા વાર્ષિક ગ્રૅમી એવોર્ડ્સમાં ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કૅટેગરીમાં આદિત્ય ગઢવીના આ ગરબાને ઉમેરવા આવે તેવી વિચારણા કરવા માટે મોકલવામાં આવ્યા છે. જોકે તે નૉમિનેશન થશે કે નહીં અને થયા પછી પણ તે ગ્રૅમી જીતશે કે નહીં તે હવે જોવાનું રહેશે. જેથીઆ ગીતનું ગ્રૅમી વિચારણા માટે જવું તે પણ કલાકાર અને ગુજરાતી લોકસંગીત માટે એક મહત્ત્વપૂર્ણ સન્માન છે.
૬૮મા ગ્રૅમી ઍવોર્ડ્સની ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કૅટેગરીમાં નોમિનેટ થવાની રેસમાં સામેલ થયું છે, તેવા શુભ સમાચાર પણ આદિત્ય ગઢવીએ ઇન્સ્ટાગ્રામ પર આપ્યા હતા. આ મ્યુઝિક વીડિયોના છંદનો વીડિયો મૂકી માહિતી આપતા આદિત્યએ લખ્યું “ગુડ ન્યૂઝ. અમારું ગીત ‘અલબેલી મતવાલી મૈયા’ ૬૮મા ગ્રૅમી એવોર્ડ્સ માટે ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કૅટેગરીમાં નોંધ લેવા માટે મોકલવામાં આવ્યું છે. નવરાત્રીના શુભ સમયમાં આ સૌથી સારા સમાચાર છે જે અમને મળી શક્યા હોત. હું આ ગીત અને મ્યુઝિક વીડિયો બનાવવા સાથે સંકળાયેલા દરેક સભ્ય અને મારી ટીમનો આભાર માનું છું. શ્રેષ્ઠ થાય તેવી આશા. ગુજરાત અને ભારતના લોક અને સંસ્કૃતિના મૂળનું પ્રતિનિધિત્વ કરતા કલાકાર તરીકે આ ખરેખર ખૂબ મોટી વાત છે.”
‘અલબેલી મતવાલી મૈયા’ની વાત કરીએ તો આ ગીત આદિત્ય ગઢવીએ ગાયું છે અને ગીતના બોલ: જીતુ ભગતએ લખ્યા છે. તો મ્યુઝિક વીડિયોના છંદને કવિ જીવનભાઈ ડોસાભાઈ ઝીબા અને ચિંતન ત્રિવેદી દ્વારા સંગીત વ્યવસ્થા અને પ્રોગ્રામિંગની વગેરે કરવામાં આવ્યું છે. યુટ્યુબ પર આ ગરબાને એક મિલિયન કરતાં પણ વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. હવે આ ગીત ગ્રૅમીમાં નૉમિનેટ થાય તેવી આદિત્ય ગઢવી, તેની ટીમ અને સૌને આશા છે.