01 October, 2025 08:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ચણિયા ટોળી’નું ટ્રેલર થયું લૉન્ચ તમે જોયું કે નહીં?
ઢોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક જબરદસ્ત વાર્તાઓ અને નવા વિચારો સાથે ફિલ્મો આવી રહી છે. ગુજરાતી ફિલ્મોમાં હવે વધુ એક કૉમેડી-ડ્રામા જોવા મળવાની છે. યશ સોની સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચણિયા ટોળી’ના ટીઝર બાદ હવે તેનું ટ્રેલર પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. જય બોડસ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત તથા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મનો કન્સેપ્ટ ગુજરાતી સિનેમામાં નવી દિશા લાવનારો સાબિત થશે.
‘ચણિયા ટોળી’નું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે દર્શકોને એકદમ નવા કન્સેપ્ટવાળી ફિલ્મ જોવા મળવાની છે. ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે એક ગામમાં પ્રૉફેસર તેની 7 મહિલા વિદ્યાર્થિનીઓ સાથે બૅન્ક લૂંટવાનો પ્લાન બનાવે છે, જોકે તે સફળ થશે કે નહીં તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મ આ વર્ષે દિવાળીમાં સિનેમાઘરોમાં 21 ઑક્ટોબર 2025 ના રોજ રિલીઝ થશે, એવી જાહેરાત મેકર્સ દ્વારા કરવામાં આવી છે.
ટ્રેલરની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે “ગામની મહિલાઓ પ્રૉફેસર યશ સોની સાથે હાથમાં બંદૂક લઈને બૅન્ક લૂંટવા માટે તૈયાર થઈ રહી છે. સૌથી પહેલા તો મહિલાઓ બૅન્ક પર નજર રાખે છે અને બધી માહિતી તેમના પ્રૉફેસર યશ સોનીને આપે છે. ટ્રેલરમાં યશ મહિલાઓને મની હાઇસ્ટ માટેની ટ્રેનિંગ આપતો જોવા મળી રહ્યો છે. હાથમાં બંદૂક લઈને ‘કરીએ કંકુના’ જેવા ડાયલોગ સાથે મહિલાઓ એક સીધા સાદા પ્રૉફેસરના વેશમાં જોવા મળતા યશ સોની સાથે બૅન્ક લૂંટવા નીકળી પડે છે.
અહીં જુઓ ટ્રેલર
ફિલ્મના ટ્રેલરના ડાયલોગ્સ સાંભળીને આ મની હાઇસ્ટના ગુજરાતી વર્ઝનમાં શું જોવા મળશે તે જાણવાની ઉત્સુકતા લોકોમાં દેખાઈ રહી છે. યશ સોની આ ગામની મહિલાઓ સાથે કેવી રીતે ‘સૌ જન સેવા સહકારી બૅન્ક` લૂંટવાનો પ્લાન બનાવે છે અને તે પ્રમાણે તે આ મહિલાઓને બંદૂક ચલાવવાની તાલીમ આપીને તેમને મની હાઇસ્ટ માટે સજ્જ કરે છે. તે ટ્રેલરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
ટ્રેલરમાં જેવી મસ્તી, સસ્પેન્સ અને માઇન્ડ ગેમ્સનું મિશ્રણ જોવા મળ્યું છે તેનાથી એવું જ લાગી રહ્યું છે કે ફિલ્મમાં તેના કરતાં બમણી મસ્તી, કૉમેડી, ડ્રામા, સસ્પેન્સ અને માઇન્ડ ગેમ્સ જોવા મળશે. ફિલ્મમાં યશ સોની સાથે રાગી જાની, સોહની ભટ્ટ, નેત્રી ત્રિવેદી, જસ્સી ગઢવી સહિતના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે ફિલ્મના એક ગીતમાં નૅશનલ ઍવોર્ડ વિજેતા અભિનેત્રી જાનકી બોડીવાલાની ગૅસ્ટ એન્ટ્રી પણ જોવા મળવાની છે. થોડા સમય પહેલા ‘ચણિયા ટોળી’નું એક ગીત ‘પાંજરામાં પોપટ’ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ એક આઈટમ સોન્ગ છે જેમાં જાનકી બોડીવાલાના હટકે અંદાઝની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને તે લોકોને પણ ખૂબ જ પસંદ પડી રહ્યું છે.