31 August, 2026 02:33 PM IST | Mumbai | Jigisha Jain
મમ્મી-પપ્પા સાથે દીક્ષા.
ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી દીક્ષા જોશી ઉત્તરાખંડની એક પહાડી છોકરી છે. થિયેટર તેને ખૂબ ગમતું પરંતુ ફિલ્મોમાં સ્ટાર બનવાની તેની ઇચ્છા નહોતી, કારણ કે તેનાં મમ્મીની જેમ તેને સમાજ માટે અને લોકો માટે કશુંક કરવાની ઇચ્છા હતી એટલે થિયેટર કરતાં-કરતાં તેણે પોતાની જાતને પત્રકાર તરીકે મનમાં ચીતરી હતી. ગુજરાતી ફિલ્મોમાં આવવાનું લખાયું હશે એટલે તે ફિલ્મોમાં આવીને પછી ગુજરાતી શીખી. છેલ્લાં ૯ વર્ષથી અઢળક ગુજરાતી મૂવીઝ કરવાની સાથે હિન્દી ફિલ્મો અને પુષ્પા ઇમ્પૉસિબલ જેવી સિરિયલોમાં કામ કરનાર દીક્ષાની હાલમાં નૅશનલ અવૉર્ડ-વિનિંગ ફિલ્મ મારણ આવી હતી જેમાં તેના અભિનયનાં ભરપૂર વખાણ થયાં હતાં. આજે જાણીએ આ જાણીતી અભિનેત્રીના જીવનનું જાણવા જેવું
૨૦૧૦ની આસપાસનો સમય. અમદાવાદમાં રહેતી ભણવામાં હોશિયાર અને સ્વભાવે એકદમ ડાહી છોકરી દીક્ષા જોશી સાયન્સમાં બારમા ધોરણમાં ભણતી હતી, પરંતુ તેને પેટનો TB થયો હતો. ૯ મહિના દવા ચાલી. આ રોગ સામે લડતાં-લડતાં તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. રિઝલ્ટ પણ બગડ્યું. જોકે ઇલાજ પૂરો થયો એટલે નવી ચેતના આવી. બોર્ડની એક્ઝામ બગડવી અને શારીરિક રીતે એકદમ નબળાઈનો સામનો કરવો ૧૮ વર્ષે સરળ તો નહોતો. સ્ટ્રીમ બદલીને તેણે અમદાવાદમાં આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન કરવાનું વિચાર્યું અને જીવનને ફરી પાટે લાવવાની કોશિશ કરી. એ સમયને યાદ કરતાં દીક્ષા કહે છે, ‘મારી જાતને મેં આટલી નબળી ક્યારેય અનુભવી નહોતી. એ નબળાઈ શારીરિક હોય છે, પણ એની અસર માનસિક પણ થાય છે. તમને લાગતું નથી કે તમે કોઈ વસ્તુ કરી શકવા માટે સક્ષમ છો. તમારો આત્મવિશ્વાસ હલી જાય છે. છતાં મેં કોશિશ કરી. પહેલા અને બીજા વર્ષમાં હું યુનિવર્સિટી ટૉપર્સમાં આવી. એ મારા જીવનની અદ્ભુત ક્ષણ બની ગઈ. એ રિઝલ્ટે મને સમજાવ્યું કે કોઈ પણ નબળી ક્ષણ પછી એક પ્રબળ ક્ષણ તમારી રાહ જોઈ રહી હોય છે. જરૂર હોય છે બસ ટકી રહેવાની. જીવનમાં જાદુ થાય છે એ વાત પર મારો વિશ્વાસ બેઠો. આજે પણ જીવનની નબળી ક્ષણોમાં મારા મનમાં એ વિશ્વાસ અકબંધ છે કે આના પછી જે આવશે એ એક આહલાદક ક્ષણ હશે જે મારી રાહ જોઈ રહી છે એટલે હું એની તરફ આગળ વધુ. ‘મારણ’ ફિલ્મ જ્યારે મને મળી ત્યારે મારી અંદરનો ઍક્ટર અત્યંત ખુશ હતો, કારણ કે આ પ્રકારનો રોલ મળવો એ સદ્નસીબી છે. જોકે ૪ વર્ષ એ ફિલ્મ રિલીઝ જ ન થઈ. અમે બધા ઇચ્છતા હતા કે એ બહાર આવે. ફાઇનલી એ રિલીઝ થઈ અને એને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો. આ બધું એ તરફ જ ઇશારો કરે છે કે તમે બસ ટકી રહો તો તમને બધું જ મળશે.’
કરીઅર
ગુજરાતી ફિલ્મોમાં કૌવત ધરાવતી અભિનેત્રીઓમાં જેનું નામ આગળ લેવામાં આવે છે એવી દીક્ષા જોશીએ ‘શુભારંભ’ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. એ પછી તેણે ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’, ‘કલરબાજ’, ‘શરતો લાગુ’, ‘ધૂનકી’, ‘લવની લવસ્ટોરીઝ’, ‘પ્રેમપ્રકરણ’, ‘ફક્ત મહિલાઓ માટે’, ‘વ્હાલમ જાઓને’, ‘લકીરો’, ‘કાશી રાઘવ’, ‘ઉંબરો’, ‘નાનખટાઈ’ જેવી અઢળક ગુજરાતી ફિલ્મો કરી છે. ફક્ત ગુજરાતી સિનેમામાં જ નહીં, તેણે હિન્દી સિનેમામાં પણ કામ કર્યું છે. ‘376 D’, ‘કૌશલજી v/s કૌશલ’, ‘જયેશભાઈ જોરદાર’, ‘ધડક 2’માં દીક્ષાએ કામ કર્યું છે. આ સિવાય છેલ્લા ૯ મહિનાથી તે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ ટીવી-સિરિયલમાં પણ કામ કરી રહી છે. આ સિવાય દીક્ષાએ એક્સપરિમેન્ટલ હિન્દી અને અંગ્રેજી નાટકો ઘણાં કર્યાં છે. આમ ઍક્ટિંગના દરેક ક્ષેત્રનો તેને અનુભવ છે. આ વિશે દીક્ષા કહે છે, ‘મને દરેક જગ્યાએ ઘણું શીખવા મળ્યું છે. એક સમયે મને લાગતું કે આ કામ કેમ કર્યું અને પેલું કામ કેમ ન કર્યું, પણ આજે સમજી શકું છું કે દરેક કામે મને ખૂબ શીખવ્યું છે. એ પ્રોસેસ જરૂરી છે. અંતે બધું જ ઍક્ટિંગ છે, પણ એ ઍક્ટિંગ તમે ક્યાં અને કોના માટે કરો છો એનો મોટો ફરક છે.’
મારણ
હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘મારણ’માં તેના અભિનયનાં ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. એ ફિલ્મનો એક યાદગાર પ્રસંગ જણાવતાં દીક્ષા કહે છે, ‘દરેક ઍક્ટર માટે એ ખૂબ જરૂરી છે કે તે તેના ડિરેક્ટર અને DOP (ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી)ને સંતુષ્ટ કરી શકે. જો તે બન્ને તમારા કામથી ખુશ હોય તો તે ઍક્ટરનું કામ ત્યાં પૂરું થઈ જાય છે. ‘મારણ’ કરતી વખતે જેવું શૂટ પતે અને પૅક-અપ પછી ઘરે જતા હોઈએ ત્યારે અમારા ડિરેક્ટર અભિષેકસર એવું કહેતા કે આજે આ વ્યક્તિ વિરાટ હતી કે આ વ્યક્તિ સચિન હતી. હું એવી વ્યક્તિ છું કે મારું કામ કોઈને ગમે અને તે એ વાત મને કહે તો બીજા દિવસે હું મારા ૨૦૦ ટકા એમાં રેડીને કામ કરતી હોઉં એટલે આવાં વખાણ તો મળ્યાં, પણ આ ફિલ્મમાં એક અતિ ઇમોશનલ સીન છે જેમાં ‘બિરવા’ લેડીઝ ટૉઇલેટમાં તેની માને મળી જાય છે. તે કરગરે છે કે મને તું લઈ જા સાથે અને તેની મા ના પાડે છે. ફિલ્મનો આ અતિ ઇમોશનલ સીન પત્યો ત્યારે હું એકદમ ડ્રેઇન થઈ ગયેલી અને મેં જોયું તો અભિષેકસરની આંખમાં આંસુ હતાં. એ દિવસે મને લાગ્યું કે કંઈક તો કર્યું મેં. એ આંસુઓ મારો રિવૉર્ડ હતાં.’
બાળપણ
ગુજરાતી સિનેમામાં ફાંકડું ગુજરાતી બોલતી દીક્ષા જોશી મૂળ ગુજરાતની નથી. તેના પેરન્ટ્સ ઉત્તરાખંડના છે. દીક્ષાનો જન્મ લખનઉમાં થયો. પિતા વૈજ્ઞાનિક હતા અને તે પાંચ વર્ષની હતી ત્યારે તેના પિતાની નોકરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા રિસર્ચ, અમદાવાદમાં લાગી હતી. એટલે તેઓ અમદાવાદ આવ્યા. પોતાના બાળપણ વિશે વાત કરતાં દીક્ષા કહે છે, ‘હુ ખૂબ શરમાળ છોકરી હતી. પોતાની દુનિયામાં જીવનારી. મોટી થઈ પછી થોડી ખૂલી. ગણિત સાથે મારે ભયનો સંબંધ હતો. હું હોશિયાર વિદ્યાર્થી જ હતી, પણ એક ડર મનમાં એવો ઘૂસી ગયેલો કે હું એ વિષયમાં સારું નહોતી કરી શકતી. નાનપણમાં અરીસા સામે ખૂબ વાતો કરવી મને ખૂબ ગમતી. મોટા થયા પછી ખબર પડી કે આ ઍક્ટિંગની એક પ્રકારની એક્સરસાઇઝ છે. ઘરે આવીને મમ્મીને મારા મિત્રોની મમ્મીઓની મિમિક્રી કરીને બતાવતી. સ્ટેજ મને ખૂબ ગમતું. હું આમ સાવ ચૂપ રહેતી અને જેવી સ્ટેજ પર જાઉં એટલે ખીલી જતી. સ્કૂલની લગભગ બધા જ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેતી. સ્ટેજ સાથેનો મારો પ્રેમ મોટા થઈને પણ ખીલ્યો. કૉલેજમાં મેં ઘણાં હિન્દી-અંગ્રેજી નાટકો કર્યાં. હું કલ્પનાઓ ખૂબ કરતી. નાટકોએ મને ખુદ સાથે મેળવી. મને સમજાયું કે આ હું છું. હું દુનિયાને જુદાં-જુદાં પાત્રો દ્વારા સમજતી ગઈ. આમ થિયેટર મને ખૂબ ગમતું, પણ ફિલ્મો વિશે મેં નહોતું વિચાર્યું.’
પત્રકાર બનાની ઇચ્છા
મોટા ભાગે જે લોકો થિયેટર કરતા હોય તેઓ ફિલ્મોમાં જવા ઇચ્છે છે તો પછી તમે કેમ એ નહોતું વિચાર્યું? આ વિશે વાત કરતાં દીક્ષા કહે છે, ‘હા, એ વાત સાચી છે કે મને ક્રીએટિવ કામો ગમતાં. મને લખવું, પર્ફોર્મ કરવું, ડાન્સ કરવો, ગાવું, કૉસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવાં બધું જ ખૂબ ગમતું અને હું હોંશથી કરતી. મને અંગ્રેજી સાહિત્યમાં ખૂબ રસ હતો. એ હું ભણી પણ ખરું! મારાં મમ્મી સોશ્યલ વર્ક કરતાં અને મને તેમના જેવા જ બનવું હતું એટલે મને એમ હતું કે હું નાટકો કરીશ. એની સાથે ભાષા પર મારી સારી પકડ હતી. મને લખવું ખૂબ ગમતું. મેં ખૂબ ડાયરીઓ લખી છે. એટલે મેં મારી જાતને ખાદીધારી પત્રકાર તરીકે કલ્પી હતી. નાટકો કરીશ અને પત્રકાર બનીને લખીશ એમ વિચારેલું. એ સમયે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ફિલ્મો કરીશ અને એ પણ ગુજરાતી, કારણ કે મને ગુજરાતી આવડતું જ નહોતું. સ્કૂલ અને કૉલેજમાં મિક્સ ફ્રેન્ડ-સર્કલને કારણે હું ક્યારેય ગુજરાતી શીખી જ નહોતી. પહેલી ફિલ્મ ‘શુભારંભ’ મળી પછી હું એના માટે ગુજરાતી શીખી. એટલે ફિલ્મોએ મને ગુજરાતી શીખવ્યું એમ કહી શકાય. જે મિત્રો મારી સાથે પહેલેથી હિન્દીમાં વાતો કરતા હતા આજે તેઓ મારી સાથે ગુજરાતીમાં વાતો કરે છે. જોકે મને સપનાં હિન્દીમાં જ આવે છે. ગુજરાતી મને આવડે છે, પણ હિન્દી-અંગ્રેજી મને વધુ સરળ લાગે છે. મેં જ્યારે ‘બે યાર’ ફિલ્મ જોઈ ત્યારે મને થયું કે આ ફિલ્મો સરસ છે. મેં મૅનિફેસ્ટ કર્યું હતું કે આ લોકો સાથે મારે કામ કરવું છે. એમાં પ્રતીક ગાંધી, અભિષેક જૈન અને દિવ્યાંગ ઠક્કર ત્રણેય સાથે મેં કામ કર્યું.’
સ્ટાર નથી બનવું
દીક્ષા જોશીને લોકો ખૂબ સારી ઍક્ટ્રેસ તરીકે જુએ છે, પણ તેને મળો કે તેના ઇન્ટરવ્યુ જુઓ તો તે એકદમ નૉર્મલ છોકરી લાગે. કમ્ફર્ટેબલ કપડાં, કૅમેરા સામે પણ વાળ ઉપર બાંધીને પલાંઠી વાળીને બેસી તે ઇન્ટરવ્યુ આપતી હોય. સ્ટાર જેવાં કોઈ નખરાં તેનામાં નથી. એવું કેમ? આ પ્રશ્ન પર હસતાં દીક્ષા કહે છે, ‘હું ખૂબ આળસુ છું એ બાબતે. ડ્રેસિંગ-અપ મને દર વખતે ગમતી વસ્તુ નથી. એમાં ખૂબ સમય જાય. જે લોકો કરી શકે છે તેમને ધન્ય છે. એક સમયે હું ધ્યાન આપતી હતી, પણ હંમેશાં એમાં રત રહેવું એ મારાથી શક્ય બનતું નથી કારણ કે હું અંદરથી એવી નથી. મને ફીલ તો આવવી જોઈએ કે હા, આ હું છું. પાછું એવું નથી. મને કોઈ ગ્લૅમરસ રોલ આપો તો મજા પડી જાય. એ પાત્ર દ્વારા હું આ દુનિયા એક્સપ્લોર કરવા માગીશ, પણ રૂટીનમાં મારાથી આ બધું થતું નથી. મારે સ્ટાર બનવું નહોતું, મને અભિનય કરવામાં પૂરો રસ છે.’
યાદગાર કિસ્સો
દીક્ષા પોતાની કૉલેજનો એક કિસ્સો શૅર કરતાં કહે છે, ‘હું ખૂબ જ ડાહી દીકરી હતી. મોટાનું કહ્યું માનવું, કોઈ સંબંધી પૈસા આપે તો તરત પાછા આપી દેવા કે મને નથી જોઈતા એ પ્રકારની. મને નાનપણથી બધાએ ખૂબ વખાણી હતી કે આ ખૂબ સમજદાર અને ડાહી છે. મને લાગતું કે આ જ વર્તન બધાને ગમે છે એટલે આમ જ કરવું જોઈએ. હું જ્યારે કૉલેજમાં ગઈ ત્યારે એક દિવસ મારા પ્રોફેસર મારા પર ચિડાઈ ગયા કે આટલો શું રસ છે તને લોકોને ખુશ રાખવામાં? હું હેબતાઈ ગઈ. મેં તેમને કહ્યું કે મને એવું હતું કે શિક્ષકોનું માન રાખવું જોઈએ, તેઓ જેમ કહે એમ કરવું જોઈએ. તો મારા તે પ્રોફેસરે મને શીખવ્યું કે ખુદ માટે સ્ટૅન્ડ લેવું પણ એટલું જ જરૂરી છે, બધાની હામાં હા ન પાડવાની હોય. હું ખરેખર ખૂબ નસીબદાર રહી છું. મારી પાસે ખૂબ જ સારા પ્રોફેસર્સ હતા જેમણે મને અઢળક શીખવ્યું.’
જલદી ફાઇવ
ડર : મને શારીરિક માંદગીઓનો ભય છે, કારણ કે સમયે-સમયે મને એની હેરાનગતિ નડી છે. હું જે એનર્જી સાથે જીવવા માગું છું એમાં ક્યાંક ને ક્યાંક માંદગીઓ નડતરરૂપ બની રહી છે. એટલે એ શારીરિક મર્યાદાઓએ માનસિક રીતે પણ મને ડરાવીને રાખી છે, મારો આત્મવિશ્વાસ છીનવી લીધો છે.
ખાલી સમયમાં શું કરો? : ખાલી સમય છેલ્લા ઘણા સમયથી મળ્યો જ નથી. એની ખૂબ જરૂર છે. મગજમાં કોઈ એજન્ડા ન હોય એવો સમય મને જોઈએ છે. એ ખાલી સમયમાં હું ઘરમાં રહું, કબાટ ગોઠવું, કોઈ પુસ્તક લઈને પડી રહું.
બકેટ-લિસ્ટ : મને પાત્રો દ્વારા જીવવું ખૂબ ગમે છે એટલે બકેટ-લિસ્ટમાં બે પ્રકારનાં પાત્રો મેં હજી રાખ્યાં છે : એક શારીરિક રીતે ખૂબ જ સ્ટ્રૉન્ગ હોય એવું પાત્ર અને બીજું, જીવનને વધાવી લેતી હોય એવી છોકરીનું પાત્ર. અધૂરા, કૉમ્પ્લેક્સ અને લેયરવાળાં પાત્રો મેં ઘણાં કર્યાં; હવે આવું કંઈક કરવાની ઇચ્છા છે.
સપનું : મારે લંડનમાં એક વાર થિયેટર પર્ફોર્મ કરવું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વનું પાત્ર ભજવવું છે. મને ફક્ત મારા માટે જ નહીં, લોકો માટે પણ ઘણુંબધું કરવું છે કારણ કે હું સમજી ચૂકી છું કે હું ફક્ત મારા માટે જીવીશ તો સંપૂર્ણ રીતે સુખી નહીં થઈ શકું.
લગ્ન : મારા જીવનમાં છે એક વ્યક્તિ જેની સાથે હું ખૂબ ખુશ છું, પણ એનાથી વધુ આ સમયે કંઈ પણ કહેવું યોગ્ય નથી.