Dhruv Kamlesh Mota Death: ગુજરાતી રંગભૂમિના આશાસ્પદ યુવા આર્ટિસ્ટ ધ્રુવ કમલેશ મોતાની અણધારી વિદાય

20 July, 2026 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dhruv Kamlesh Mota Death: ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર સ્વ. કમલેશ મોતાના સુપુત્ર અને ઊભરતા અને પ્રતિભાશાળી યુવા કલાકાર ધ્રુવ મોતાનું આકસ્મિક અવસાન થઇ ગયું છે. ધ્રુવ કમલેશ મોતાના અચાનક ચાલ્યા જવાથી નાટ્યજગત શોકમાં મુકાયું છે.

ધ્રુવ કમલેશ મોતા (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

Dhruv Kamlesh Mota Death: ગુજરાતી રંગભૂમિમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રંગભૂમિના આશાસ્પદ યુવા કલાકારે અચાનક આ જગતના રંગમંચ પરથી વિદાય લઇ લેતાં ચાહકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર સ્વ. કમલેશ મોતાના સુપુત્ર અને ઊભરતા અને પ્રતિભાશાળી યુવા કલાકાર ધ્રુવ મોતાનું આકસ્મિક અવસાન થઇ ગયું છે. ધ્રુવ કમલેશ મોતાના અચાનક ચાલ્યા જવાથી નાટ્યજગત શોકમાં મુકાયું છે. માત્ર ૩૩ વર્ષની નાની વયે ધ્રુવે આ દુનિયામાંથી વિદાય લેતાં થિયેટરના કલાકારો અને ચાહકોને આંચકો લાગ્યો છે.

ધ્રુવ સ્ટોરીટૅલર, ગૅમ ડિઝાઇનર અને સાયકલિસ્ટ હતો. વિશેષ તો તેને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો ભારે શોખ હતો. પ્રકૃતિ સાથે રહેવાનું એને ખૂબ ગમતું હતું, તે પોતાના અનુભવો અને લાગણીઓને ઘણીવાર કવિતાઓ થકી વાચા આપતો હતો. 

આખરે બીમારીઓ સામેનો જંગ હારી ગયો ધ્રુવ

ગુજરાતી રંગભૂમિના એક સિનિયર આર્ટિસ્ટ પાસેથી મળતી વિગતો અનુસાર ધ્રુવ મોતા (Dhruv Kamlesh Mota Death) છેલ્લા એક વર્ષથી ઘણી બધી શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ધ્રુવની બંને કિડનીઓ ફેઇલ થઈ ગઈ હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેને હ્રદયરોગનો હુમલો પણ આવ્યો હતો, જેના કારણે તેની સારવાર અટકાવવી પડી હતી. ધ્રુવના હાર્ટની સ્થિતિ સુધરે અને શરીર ટ્રાન્સપ્લાન્ટ માટે સક્ષમ બને તે પહેલાં જ ડોકટરોએ A. V. Fistula બેસાડ્યું હતું એટલે કે તેના હાથમાં ધમની (artery) અને નસ (vein)ને જોડીને બનાવવામાં આવતી એક કૃત્રિમ નળી મૂકવામાં આવી હતી. જેથી ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પણ પાછી ઠેલવવી પડી હતી.

આ મહિને ફરીથી કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ ગયા રવિવારે જ ધ્રુવને અચાનક બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ તેને આશરે એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તે બેહોશ હાલતમાં જ હતો. ગઇકાલે રવિવારે ડોક્ટર્સના જણાવ્યાનુસાર ધ્રુવ (Dhruv Kamlesh Mota Death)નું શરીર હવે કોઈ રિસ્પોન્સ આપતું નહોતું, જેના પગલે તેને હોસ્પિટલમાંથી રજા આપીને ઘેર લઇ આવવામાં આવ્યો હતો. રવિવાર સવારથી જ મસ્જિદ બંદર સ્થિત ઘરમાં વેન્ટિલેટર વગર બેહોશીની હાલતમાં ધ્રુવ જીવન- મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. હતા. આજે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

આંખો ભીની કરતી ધ્રુવની કવિતા

ધ્રુવના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એણે ૨૨ માર્ચ, ૨૦૧૯ના રોજ મૂકેલી એક અંગ્રેજી સ્વરચિત કવિતાના શબ્દો આ પળે સૌની આંખો ભરી નાખે છે. જેનો ગુજરાતી ભાવાનુવાદ આ પ્રમાણેનો છે: 

કાળા આકાશની નીચે,

બચી ગયેલા લોકો ડૂસકે ને ડૂસકે રડે છે,

ઉપર રહેલા લોકો ડોકિયું કરવાનો રસ્તો શોધી રહ્યા છે,

ઊંડાણમાં, માનવતાના બાળકો ચિરનિંદ્રામાં પોઢ્યા છે.

મિસાઇલ છોડ્યાને એક સદી વીતી ગયા પછી.

અણુ દુષ્કાળ, વરસાદ અને ભીષણ ગરમીમાંથી આ ગ્રહ ખોવાઈ ગયો,

શાશ્વત શિયાળામાં, ગૂંગળામણભરી ધૂળનાં વાદળાંઓ,

તેની બરફીલી પકડમાં સદાને માટે ખોવાઈ ગયાં

સપાટી ધોવાઈ ગઇ અને ઘસાઈ ગયેલી છે,

જૂની દુનિયા તો ક્યારનીય વીતી ગઈ, ભાંગી ગઈ અને ખોવાઈ ગઈ.

શેરીઓની નીચે અને આકાશની ઉપર જન્મેલી એક પેઢી,

ક્રૂર મિલિટન્ટ્સ નીચેની ટનલોમાં ફરી રહ્યા છે.

એ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક જૂનો દુશ્મન ફરી સામે આવ્યો,

જ્વાળાઓમાંથી, તેઓ રમવા આવ્યા છે.

એક જ નજરમાં માણસોને પાગલ કરી દેવાની શક્તિ સાથે,

બહુ ઓછા લોકોમાં ટકી રહેવાની ક્ષમતા છે.

કાળા આકાશની નીચે,

બચી ગયેલા લોકો ડૂસકે ને ડૂસકે રડે છે,

ઉપર રહેલા લોકો ડોકિયું કરવાનો રસ્તો શોધી રહ્યા છે,

ઊંડાણમાં, માનવતાના બાળકો ચિરનિંદ્રામાં પોઢ્યા છે.

- ધ્રુવ મોતા

ધ્રુવ (Dhruv Kamlesh Mota Death) જાણે ચિરનિંદ્રામાં પોઢી ગયો છે અને ગુજરાતી રંગભૂમિના લોકો રડી રહ્યા છે. 

આજે સવારે ૧૧ વાગ્યે અંતિમ યાત્રા

ધ્રુવ કમલેશ મોતાની અંતિમ યાત્રા આજે સવારે ૧૧:૦૦ વાગે તેમના મસ્જિદ બંદર સ્થિત નિવાસસ્થાનેથી નીકળીને ચંદનવાડી ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે જશે, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રાર્થના સભા

ધ્રુવ મોતાની પ્રાર્થના સભા તારીખ ૨૨મી જુલાઈ, બુધવારે બપોરે ૩થી ૪.૩૦ કલાકે ભારતીય વિદ્યા ભવન ચોપાટી ખાતે રાખવામાં આવી છે.

dhollywood news theatre news Gujarati Drama Gujarati Natak celebrity death heart attack