વિપુલ વિઠલાણીએ નાઇન રસા માટે ડાયરેક્ટ કર્યું નાટક ‘પ્રેમ છે કે ગેમ છે’

22 June, 2021 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિપુલ વિઠલાણીને શરૂઆતમાં તો થયુ કે આમાં શું મજા આવશે પણ નાટકનો અંત તેમને ચોંકાવી ગયો. જે વાત તેમાં થઇ છે તે કદાચ લોકોએ રિયલ લાઇફમાં ફેસ કર્યું હશે પણ સ્ટેજ પર નથી જોયું

બીજલ જોશી અને યતિન પરમાર

આજકાલ વાઇરસને કારણે આપણે નાટકો જોવા જવાનું તો ભૂલી જ ગયા છીએ પણ આવા સંજોગોમાં શ્રેયસ તલપડેએ શરૂ કરેલ નાઇન રસાને કારણે ગુજરાતી નાટકોની રસિકોને રસપ્રદ નાટકો જોવાનો લાભ મળે છે.

તાજેતરમાં જ વિપુલ વિઠલાણીએ ડાયરેક્ટ કરેલા નાટક ‘પ્રેમ છે કે ગેમ છે’ વિશે તેમણે ગુજરાતી મિડ-ડે સાથે વાત કરી.

આ નાટક એક લવ-સ્ટોરી છે અને મૂળ મરાઠી નાટક પરથી તેનું ગુજરાતીમાં રૂપાંતર કરાયું છે. આ અંગે વાત કરતાં વિપુલ વિઠલાણીએ કહ્યું, “જ્યારે મારી પાસે નાટકની સ્ક્રીપ્ટ આવી ત્યારે પહેલીવાર વાંચ્યા પછી મને થયું કે આ નાટક બહુ વાચાળ છે. બે પાત્રોનું બગીચામાં મળવું અને  તેમની વચ્ચે વાતો થવી. સતત સંવાદ થાય પણ ન તેમાં કોઇ બીજું પાત્ર આવે, ન કોઇ દૂર દૂર સુધી પણ દેખાય બસ બે જણ બેસીને વાત કરે. શરૂઆતમાં તો મને થયુ કે આમાં શું મજા આવશે પણ નાટકનો અંત મને ચોંકાવી ગયો. જે વાત તેમાં થઇ છે તે કદાચ લોકોએ રિયલ લાઇફમાં ફેસ કર્યું હશે પણ સ્ટેજ પર આપણે આ નથી જોયું.”

વિપુલ વિઠલાણી

છોકરો છોકરીને પ્રપોઝ કરે અને પછી તેને મનાવવા જે વાતચીત કરે તેને આધારે જ આખું નાટક આગળ વધે છે. વિપુલ વિઠલાણીએ ઉમેર્યું કે, “વાચાળ નાટકમાં વેરિએશન લાવવા માટે શું થઇ શકે તેની પર વિચાર ચાલતો હતો. મેં એક્ટરને કહ્યું કે તું સુરતી ભાષાનો ટોન ઉમેરી જો. તેણે ગણતરીના કલાકોમાં મને વોઇસ નોટ્સ મોકલી. સુરતી ન હોવા છતાં તેણે તે ટોન સરસ રીતે ઢાળ્યો. પછી તેમાં કંઇક જુદી ફ્લેવર પણ આવી અને ભાષાને કારણે પેદા થતું હ્યુમર પણ આવ્યું. આ નાટકની મજા તેની છેલ્લી ક્ષણોમાં જ છે કારણકે આખો તખ્તો જ જાણે પલટાઇ જાય છે.”

પ્રેમ છે કે ગેમ છે નાટકના મૂળ લેખ આશિષ પથારે છે અને ગુજરાતી રૂપાંતર સરીતા હરળેએ કહ્યું છે. યતિન પરમાર અને બીજલ જોશી આ નાટકનાં પાત્રો છે તથા તેનાં પ્રોડ્યુસર સ્નેહા સાળવી છે.પ્રેમ અને સર્વાઇવલ-ટકી જવાની વાત પર આખી વાર્તા આગળ વધે છે. પ્રેમ જેનો મુખ્ય થીમ છે તેવા આ નાટકના ડાયરેક્ટ કરનારા વિપુલ વિઠલાણી પોતે પ્રેમ અંગે શું માને છે તેમ પૂછતાં કહે છે, “કોઇપણ લાગણીના અતિરેક પછીનું બંધાણ એટલે પ્રેમ. એક બીજા પ્રત્યેની લાગણી પછી તે પ્રેમની હોય, ડરની હોય કે ગુસ્સાની હોય તેમાં આ લાગણીની આરપાર એકબીજા સાથે બંધાઇ રહેવાની ચાહ એ જ પ્રેમ છે.”

 વિપુલ વિઠલાણીએ નાઇન રસા માટે સેજલ શાહ અને મુની ઝા અભિનિત નાટક પૉઝ પણ ડાયરેક્ટ કર્યુ છે જે મેનોપૉઝ પર આધારીત વાત છે. તેમાં તેમણે વીડિયો બ્લોગ બનાવીને મેનોપૉઝની સમજ આપતા પતિનું મોડ્યુલ લીધું છે કારણકે નાટક જ્યારે કેમેરા માટે ડાયરેક્ટ કરવાનું હોય ત્યારે ઑડિયન્સ સાથે વાત કરાવવાનો સ્કોપ ન હોય. સ્મિત ગણાત્રા જેણે આ નાટકમાં દીકરાનું પાત્ર ભજવ્યું છે મેનોપૉઝ અંગેની સમજ એક પાત્ર તરીકે આગળ વધારે છે અને આ જ દર્શાવે છે કે અમુક મુદ્દાઓને નોર્મલાઇઝ કરવા, તેને અંગે સમજ કેળવવી અને તે નવી પેઢીને આપવી કેટલી અનિવાર્ય છે.

નાઇન રસા માટે ‘પૉઝ’ અને ‘પ્રેમ છે કે ગેમ છે’ આ બંન્ને નાટકનું દિગ્દર્શન કરવાનો અનુભવ વિપુલ વિઠલાણી માટે બહુ જ રસપ્રદ રહ્યો અને આ અનોખા ઇનિશ્યેટિવ માટે તેમણે શ્રેયસ તલપડેને બિરદાવ્યા.

 

shreyas talpade entertainment news