Gujarati Cinema Death: ઇન્ડસ્ટ્રીના આર્ટ ડિરેક્ટરનું અવસાન: ઇમરજન્સી છતાં કામનું પેમેન્ટ ન મળ્યાની ચર્ચા!

23 June, 2026 12:03 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gujarati Cinema Death: ઇન્ડસ્ટ્રીના આર્ટ ડિરેક્ટરનું અવસાન: ઇમરજન્સી છતાં કામનું પેમેન્ટ ન મળ્યાની ચર્ચા!

અલવિદા આર્ટ ડિરેક્ટર કુંજ પ્રફુલચંદ્ર અઢિયા (ઠક્કર)

Gujarati Cinema Death: ગુજરાતી ફિલ્મજગતમાંથી અત્યંત આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. ઢોલિવૂડના આશાસ્પદ આર્ટ ડિરેક્ટર કુંજ પ્રફુલચંદ્ર અઢિયા (ઠક્કર)નું ગઇકાલે અવસાન થયું છે. ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલ કુંજની અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આ યુવાને હવે પ્રાણ ત્યજી દીધા છે. કુંજ ઠક્કરના અકાળ અવસાનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

(ફિલ્મમેકર કેવલ મિસ્ત્રીએ સોશિયલ મીડિયા કુંજના અવસાનની ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.)

માનસિક આઘાત અને આર્થિક તંગી વિષે પણ ચર્ચાઓ

કુંજના અવસાનની સાથે એક અન્ય આઘાતજનક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે તે અંતિમ દિવસોમાં ફક્ત શારીરિક રીતે જ પીડાતો નહોતો, પણ માનસિક રીતે પણ ભાંગી પડ્યો હતો. આર્થિક તંગીને કારણે તે માનસિક રીતે પણ પડી ભાંગ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં રાત-દિવસ પરસેવો પાડનાર આ આશાસ્પદ ડિરેક્ટરને ઘણા પ્રોજેક્ટ્સમાંથી તેમના હકના પૈસા સમયસર ન મળ્યા હોવાની ચર્ચાઓએ પણ વેગ (Gujarati Cinema Death) પકડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કુંજ ઠક્કર અમદાવાદની સાલ (SAL) હૉસ્પિટલમાં એડમિટ હતો. એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો અને તેને સારવાર માટે પૈસાની જરૂર હતી તેવે સમયે પણ પ્રોડ્યુસર્સે તેની મહેનતના પૈસા ચૂકવવાની તસ્દી લીધી નહોતી. આ વાતની ચર્ચાઓએ વેગ પકડ્યા પછી અનેક લોકોએ પ્રોડ્યુસર્સની આવી હરકત પર રોષ વ્યક્ત કર્યો છે.

કુંજ ઠક્કર અમદાવાદમાં જ રહેતો હતો. ઢોલિવૂડમાં તેણે રાત-દિવસ એક કરીને મહેનતથી કામ (Gujarati Cinema Death) કર્યું હતું કુંજે ૨૦૨૧ની ફિલ્મ `ડ્રામેબાઝ`માં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. સુપરહિટ ફિલ્મ `બે યાર`માં પણ કુંજની આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની સેવા મળી હતી. વર્ષ ૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ `કચ્છ એક્સપ્રેસ`ના પ્રી-પ્રોડક્શન ક્રૂમાં પણ કુંજે ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. તે ઉપરાંત `ટ્યુશન` અને `કટિંગ` જેવી લોકપ્રિય ગુજરાતી વેબ સિરીઝ અને ટીવી પ્રોજેક્ટ્સમાં પણ તેણે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

કુંજ ઠક્કરના અકાળ અવસાન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ, તેના ચાહકો, કલાકારો, ટેકનિશિયનો અને ડિરેક્ટર્સ સામે રોષ ઠાલવ્યો છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં જ્યારે કુંજ રિબાઈ રહ્યો હતો તેવે સમયે જાણીતા સિનેમેટોગ્રાફર ધ્રુપદ શુક્લા અને કેવલ મિસ્ત્રી જેવા તેના મિત્રો મદદ માટે આગળ આવ્યા હતા. હજી તો આ લોકો કુંજની સારવાર વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે ગુજરાતી ફિલ્મ જગતમાં પેમેન્ટ બાબતે સિસ્ટમ ઊભી કરે એ પહેલાં જ કુંજે દુનિયાને અલવિદા કહી દીધું.

ગુજરાતી સિનેમાના તેના ચાહકો, કલાકારો અને નિર્દેશકોએ કુંજના અવસાન (Gujarati Cinema Death) બાદ દુઃખ વ્યક્ત કર્યું છે. ગમે તે કહો પણ કુંજના આ કેસે ઇન્ડસ્ટ્રીને વિચારતી કરી મૂકી છે.

dhollywood news celebrity death ahmedabad gujarati community news gujarati film social media