ગુજરાતી કોન્ટેટ ક્રિએટર વિરાજ ઘેલાણી કહે છે ગંભીરતામાંથી મજાની રમૂજ મળી શકે છે

11 August, 2021 04:34 PM IST  |  Mumbai | Chirantana Bhatt

વિરાજ માને છે કે તેમને હજી ઘણી સફળતા મેળવવાની બાકી છે અને તે રસપ્રદ કોન્ટેન્ટ બનાવવા માટે કટિબદ્ધ છે. તે સફળતાને કોઇ ફિક્સ વ્યાખ્યામાં બાંધવા નથી માગતા

વિરાજ ઘેલાણી

ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર્સ વિરાજ ઘેલાણી અને તેમના નાની સોશ્યલ મીડિયા પર ફેન્ટાસ્ટિકલી છવાઇ ગયા છે. તેમણે પોતાના કૉમિક કોન્ટેન્ટ અને નાની સાથેની સોશ્યલ મીડિયા ફન રિલ્સથી એક તદ્દન નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં તેમણે ઘણી રસપ્રદ વાતો શૅર કરી.

તેમણે વાતની શરૂઆતમાં જ કહ્યું કે, “મિડ-ડેમાં મારું નામ આવે અને મારો વીડિયો ઇન્ટરવ્યુ થાય તે મારા ઘરનાં લોકોને બહુ એક્સાઇટિંગ લાગે છે કારણકે ગુજરાતી અખબારનું નામ આવે ત્યારે મિડ-ડે તેમનું ફેવરેટ છે.” તેમણે પોતાની જર્નીની વાત કરતાં કહ્યું, “પાંચ વર્ષ પહેલાં મેં કોન્ટેન્ટ બનાવવાની શરૂઆત કરી, હું એન્જિનિયરિંગ કરતો હતો અને વચ્ચેથી ભણવાનું છોડ્યું. ગુજરાતી ઘર માટે આ બહુ મોટી વાત હતી અને તેમણે મને કહ્યું પણ ખરું કે આવું કેવી રીતે ચાલશે, લોકો શું કહેશે, તું કરવા શું માગે છે? એ બધા શરૂઆતની પ્રોબ્લેમ્સ હતા પણ મને તો ખબર જ હતી કે હું મારી સ્કૂલ અને ફેમિલીમાં સૌથી ફની હતો પણ જ્યારે આ સોશ્યલ મીડિયા કોન્ટેન્ટની દુનિયમાં આવ્યો ત્યારે મને સમજાયું કે મારી સામે તો ઘણાં મોટાં માથાં પણ છે. મે જાત ભાતના ઑડિશન્સ આપ્યાં, ઘણું બીજું કરવાનો પ્રયત્ન પણ કર્યો અને મેં રિજેક્શન્સ પણ ફેસ કર્યા છે. સેલ્સમેન તરીકે, એચઆરમાં અને લગ્નમાં સંગીત સંધ્યામાં પણ હોસ્ટ તરીકે કામ કર્યું. સ્નેપચેટ પર વીડીયોઝ શરૂ કર્યા અને પછી આ જર્નીએ સ્પીડ પકડી.”

તેમણે પોતાના નાની સાથે વીડિયોની શરૂઆત કેવી રીતે થઇ તેની પણ વિગતવાર વાત કરી. તેમણે કહ્યું કે, “નાનીને આ વીડિયોઝ કરવા માટે મારે કન્વિન્સ નહોતા કરવા પડ્યા. એકવાર તેમણે મને ફોન કર્યો અને ત્યારે હું મારા ફ્રેન્ડને ઘરે હતો અને નાનીએ કોમેન્ટ કરી કે ભૂતનો વાસ પિપળે. અને મને ત્યારે થયું કે નાની તો મસ્તીમાં મજાની વાત કરી ગયા અને પછી મેં તેને સ્ટોરીઝમાં એડ કરવાનું નક્કી કર્યું. નાનીના ઘણાં વીડિયોઝ બનાવતો ગયો અને મને અઢળક કોમેન્ટ્સ મળવા માંડી, નાની તો સમાજમાં સુપરસ્ટાર બની ગયા જાણે. નાની ૮૦ વર્ષનાં થયા ત્યાં સુધી તો તે કામ કરતાં અને ટ્રેન્સમાં ટ્રાવેલ કરતા એટલે ટ્રેનના મિત્રો પણ તેમને નોટિસ કરતાં. નાનીને એક જુદી જ પૉપ્યુલારીટી મળી. લોકો મને આવીને નાની વિશે જ પૂછતાં હોય. લોકોને એમ લાગે છે કે નાની બધું જાતે કરે છે અને હું મજાક કરું કે નાની તો મારી આ સોશ્યલ મીડિયાની સફળતાનો ક્રેડિટ લઇ રહ્યા છે લો.”

ફ્રેન્ડ્ઝ રિયુનિયન વખતે વિરાજે જાણીતા ફન સોંગ સ્મેલી કૅટનું ગુજરાતી વર્ઝન બનાવ્યું. આ પાછળ પણ નાનીનો બિલાડીઓ પ્રત્યેનો પ્રેમ કામ કરી ગયો. વિરાજે કહ્યું કે, “મારે ફ્રેન્ડ્ઝ રિયુનિયન વખતે કંઇક મજાનું કરવું હતું કારણકે તે ટ્રેન્ડિંગ ટોપિકલ સબજેક્ટ હતો. નાનીની વાતોમાં તેમની પાળેલી બિલાડીઓની વાત તો હોય જ અને તેની પરથી જ મને આઇડિયા આવ્યો અને મારા ફ્રેન્ડ ચિરાયુ મિસ્ત્રી જે કૉમેડી ફેક્ટરી, ગુજરાત સાથે જોડાયેલો છે તેની સાથે મળીને મેં આ ગીત લખ્યું. નાનીને આ આઇડિયા બહુ ગમ્યો એટલે અમે સ્ટૂડિયોમાં જઇને રેકોર્ડ કર્યું અને બાકી જે રીતે તે હિટ થયું તે તો તમે જાણો જ છો. મને કલ્પના નહોતી કે તેને આટલી બધી સફળતા પણ નહોતી.” મજાની વાત એ છે કે હવે નાની વિરાજને ટિપ્સ પણ આપે છે તો પોતાના આઇડિયા પણ શૅર કર્યા કરે છે.

વિરાજ માને છે કે તેમને હજી ઘણી સફળતા મેળવવાની બાકી છે અને તે રસપ્રદ કોન્ટેન્ટ બનાવવા માટે કટિબદ્ધ છે. તે સફળતાને કોઇ ફિક્સ વ્યાખ્યામાં બાંધવા નથી માગતા. તે પોતાને આવતા ઇશ્યુઝની વાત કરતા કહે છે કે, “પહેલા વીડિયોની સફળતા પછી લોકોની અપેક્ષા વધી જાય એટલે તમે જે પહેલાં કર્યું તેના કરતાં બહેતર કામ કરો તે જ તમારું ધ્યેય રહે છે. તમારા ટાર્ગેટ ઑડિયન્સનું ધ્યાન રાખવું, નવા લોકો શું કરે છે તે જોવું, સ્પર્ધકો પર નજર રાખવી અને ક્યાંક તમે રિપીટેટિવ ન થઇ જાય તેની પણ કાળજી રાખવી પડે અને આ બધું જિંદગીમાં ઘણું શીખવાડી જતું હોય છે.”

વિરાજના પોતાના ગમતા કોન્ટેન્ટ ક્રિએટર્સમાં અમેરિકન યૂ ટ્યૂબર્સ કિ એન્ડ બિલ ગમતા છે. તેમના ગમતા શોઝમાં ધી ઑફિસ જેવી સિટ કોમ્સનો સમાવેશ થાય છે. તે પોતે સિરીયસ કોન્ટેન્ટના પણ શોખીન છે અને તેમાંથી હ્યુમર શોધવાનું પણ તેમને ગમે છે.  વિરાજને ઇન્સ્ટાલાઇવમાં તેમના ફેન્સે પૂછ્યું પણ ખરું કે તે સિંગલ છે કે નહીં તો તેમણે કહ્યું કે તે સિંગલ નથી.  તેમના મિત્રો તેમના પગ જમીન પર રાખવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે તેવું પણ તેમણે બહુ રસપ્રદ રીતે શૅર કર્યું.  વિરાજ ઘેલાણી સાથેનું આ ફન કોન્વર્ઝેશન તમે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઇ શકો છો.

instagram dhollywood news