‘ચાર’ની જોડી જામશે ‘આગંતુક’માં

08 June, 2022 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૈતિક રાવલની ફિલ્મમાં હિતેન કુમાર લીડ અને સાથે પ્રોડક્શનમાં કામ કરનાર ઉત્સવ નાયકને પણ ઍક્ટર તરીકે કરવામાં આવ્યો પસંદ

હિતેન કુમાર

ગુજરાતી ફિલ્મમેકર નૈતિક રાવલની ‘આગંતુક’માં હિતેન કુમારને પસંદ કરવામાં આવ્યા છે. નૈતિકે તેની આ ફિલ્મની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરી હતી. નૈતિક સાથે તેની ફિલ્મના પ્રોડક્શન અને ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરનાર ઉત્સવ નાયકને પણ ફિલ્મમાં ઍક્ટિંગ માટે પસંદ કરવામાં આવ્યો છે.

‘આગંતુક’ પણ ટ‍્વિસ્ટ ઍન્ડ ટર્નથી ભરપૂર છે. ૨૦૧૧માં ‘ચાર’માં કામ કર્યા બાદ નૈતિક રાવલ અને હિતેન કુમાર ફરી એક વાર સાથે કામ કરી રહ્યા છે. ‘આગંતુક’ નૈતિકની ડિરેક્ટર તરીકે ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં હિતેન કુમાર સાથે કામ કરનાર ઉત્સવે કહ્યું હતું કે ‘હું નૈતિક રાવલ સર સાથે પ્રોડક્શન અને ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરી રહ્યો હતો. ‘આગંતુક’ના એક ચોક્કસ કૅરૅક્ટર માટે તેઓ ફ્રેશ ચહેરાને શોધી રહ્યા હતા. એક દિવસ તેમણે અચાનક મને ઑડિશન આપવા કહ્યું અને મને એ પાત્ર મળી ગયું. હું ખૂબ જ ઉત્સાહી થઈ ગયો હતો, કારણ કે મારે હંમેશાંથી નૈતિક રાવલની ફિલ્મ કરવી હતી અને આશા છે કે મારી પાસે જે એક્સપેક્ટેશન રાખવામાં આવ્યાં છે એના પર હું ખરો ઊતરી શકું. સુપર સ્ટાર હિતેન કુમાર સર સાથે સ્ક્રીન શૅર કરવા માટે પણ હું પોતાને નસીબદાર માનું છું. શૂટિંગ જલદી શરૂ કરવામાં આવશે અને એને વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે.’

dhollywood news gujarati film