12 October, 2025 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિનાએ આ વર્ષે તેની પહેલી કરવા ચૌથની ઉજવણી કરી હતી
હિના ખાન અને રૉકી જાયસવાલે જૂન મહિનામાં લગ્ન કર્યાં હતાં અને હિનાએ આ વર્ષે તેની પહેલી કરવા ચૌથની ઉજવણી કરી હતી. હિના અને રૉકીએ આ ઉજવણીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં હિના અને રૉકીની એક તસવીરે તેમના ફૅન્સનાં દિલ જીતી લીધાં છે. આ તસવીરમાં રૉકી પત્ની હિનાના ચરણસ્પર્શ કરી રહ્યો છે. આ તસવીર સાથે રૉકીએ કૅપ્શન લખી છે, ‘મારું બ્રહ્માંડ, મારું જીવન ક્ષણમાં દિવ્ય બની ગયું જ્યારે તેણે મારા સંપૂર્ણ અસ્તિત્વ સાથે મને સ્વીકારવાનો નિર્ણય લીધો અને મને વધુ સફળ બનાવ્યો! તે એવી દેવી છે જેણે તેની હાજરી, તેના ઉત્સાહ અને તેના અમર્યાદિત પ્રેમથી મારા અસ્તિત્વને નવો અર્થ આપ્યો. હું તેનાં ચરણોમાં સદા શાંતિથી રહીશ. તેની દિવ્ય ઊર્જા મારી આત્મામાં વ્યાપ્ત છે. પહેલી કરવા ચૌથની શુભેચ્છા મારી વહાલી.’
અપારશક્તિ ખુરાના અને અંગદ બેદીએ પણ કર્યા પત્નીના ચરણસ્પર્શ
અપારશક્તિ અને તેની પત્ની આકૃતિ તેમ જ અંગદ બેદી અને તેની પત્ની નેહા ધુપિયાએ એકસાથે કરવા ચૌથની ઉજવણી કરી હતી. આ પછી તેમણે સોશ્યલ મીડિયામાં જે તસવીરો શૅર કરી છે એમાં તેઓ બન્ને પોતપોતાની પત્નીના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેતા દેખાય છે.