અહીં દિલવાલે નહીં પણ મનુભાઈ દુલ્હનિયા લે જાયેંગે

30 July, 2022 02:31 PM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી રંગભુમિના અને ટીવી સિરિયલના દિગ્ગજ અભિનેતા સનત વ્યાસે 100 કરતાં પણ અધિક નાટકોમાં અભિનયનો ઓજસ પાથરી દર્શકોના દિલ જીત્યા છે

સનત વ્યાસ

ગુજરાતી રંગભુમિના અને ટીવી સિરિયલના દિગ્ગજ અભિનેતા સનત વ્યાસે 100 કરતાં પણ અધિક નાટકોમાં અભિનયનો ઓજસ પાથરી દર્શકોના દિલ જીત્યા છે. આ સાથે જ તેમણે ટીવી સિરિયલમાં પણ કર્યુ છે.  હવે તે એક નવા નાટક સાથે ફરી આવી રહ્યાં છે. તેમના આ નાટકનું નામ છે `મનુભાઈ દુલ્હનિયા લે જાયેંગે`. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે અભિનેતા સનત વ્યાસ સાથે ખાસ વાતચીત કરી હતી. 

અઢળક નાટકોમાં અભિનય કરનાર સનત વ્યાસ માટે રંગભુમિ શું છે તેઓ સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે " એક વ્યક્તિ કુટુંબ માટે જે જવાબદારી સમજે છે તેવી જવાબદારી હું રંગભુમિ માટે સમજું છું. મારા ઉછેરમાં રંગભુમિનો ખુબ મોટો ફાળો છે.  મારી લાયકાત, ગેરલાયકાત, આવડત, કૌશલ્ય તમામ માટે રંગુભુમિ જવાબદાર છે. રંગુભુમિ માટે હવે હું ખુબ જ સજાગ અને સતર્ક રહું છું. મારા માટે રંગભુમિ મારી પોતાની રહી છે અને હું એને આગળ ધપાવવાની જવાબદારી નિભાવું છું.`

કોઈ પણ પાત્રમાં સંપૂર્ણપણે કેવી રીતે ઢળવું તે વિશે વાત કરતાં અભિનેતાએ જણાવ્યું કે "દરેક પાત્ર વખતે કોરી પાટી જેવા બની જાવ, જેથી પાત્રને સરળ રીતે સમજી શકાય. સૌથી પહેલા પાત્રને યોગ્ય રીતે સમજવું ખુબ જ જરુરી છે. પાત્ર અને સ્ક્રિપ્ટ શું કહેવા માગે છે, તેના પાછળ શું હાર્દ છે તે સમજવું અતિઆવશ્યક છે. આમ કરવાથી આપમેળે પાત્ર ઉપસી આવે છે."

સનત વ્યાસે જણાવ્યું હતું કે રંગભુમિએ તેમને શિસ્તબદ્ધ બનાવ્યાં છે. તેમણે નાટકો અને પાત્રોમાંથી ઘણું બધુ શિખ્યું છે. સમાજમાં કઈ રીતે વર્તન કરવું એ રંગભમિએ તેમને શીખવ્યું છે. સૌથી મહત્વની બાબત ભાષા, નાટકને કારણે અભિનેતાનું ભાષા પરનું પ્રભુત્વ વધ્યું છે. રંગભૂમિ વિશે વધુ પ્રકાશ પાથરતા સનત વ્યાસે કહ્યું કે રંગભુમિ એક લાઈવ આર્ટ છે. દર્શકોને હંમેશા તેમની મજા માણવી ગમશે. હા, નવા નવા માધ્યમોને કારણે તેનો વિકાસ થોડો રુંધાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં તેનું અસ્તિત્વ હંમેશા રહ્યું છે અને રહેશે. 

`મનુભાઈ દુલ્હનિયા લે જાયેંગે` માં સનત વ્યાસ મનુભાઈનો રોલ નિભાવી રહ્યાં છે. પોતાના પાત્ર વિશે જણાવતાં અભિનેતાએ કહ્યું કે `આ રોલ મારા માટે થોડો અલગ હતો. તેમજ પડકારજનક પણ હતો. હું વાસ્તવમાં જેવો છું તેનાથી એકદમ અલગ પાત્ર હોવાથી હું તેને ખુબ જ માણી રહ્યો છું.` ઉલ્લેખનીય છે કે અભિનેતા સનત વ્યાસનું આ નાટક 31 જુલાઈના રોજ આવી રહ્યું છે. અહીં દિલવાલે નહીં પણ મનુભાઈ દુલ્હનિયા લે જાયેંગે. 


 

dhollywood news Gujarati Natak Gujarati Drama