26 October, 2025 10:58 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સર સામેની લડાઈમાં ૧૫ ઑક્ટોબરે અવસાન થયું હતું.
બી. આર. ચોપડાની ‘મહાભારત’માં કર્ણ તરીકે લોકપ્રિયતા મેળવનાર પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સર સામેની લડાઈમાં ૧૫ ઑક્ટોબરે અવસાન થયું હતું. હવે પરિવારે તેમના આત્માની શાંતિ માટે હૃષીકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રદ્ધાંજલિ આપી હતી. પંકજનો દીકરો નિકિતિન ધીર, પત્ની અનીતા ધીર અને પરિવારના અન્ય સભ્યો હૃષીકેશ પહોંચીને આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળ્યાં હતાં. અહીં તેમણે શાંતિ-પ્રાર્થના કરી હતી અને ગંગા-આરતીમાં પણ ભાગ લીધો હતો. પરિવારે આપેલી માહિતી પ્રમાણે પંકજ ધીર આ આશ્રમ સાથે ગાઢ જોડાણ અનુભવતા હતા અને તેમને અહીં ભારે શાંતિનો અનુભવ થતો હતો.
પંકજ ધીરના પરિવારે લીધેલી મુલાકાત વિશે વાત કરતાં સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ‘પંકજ ધીરે ‘મહાભારત’માં કર્ણના રૂપમાં યાદગાર પાત્ર ભજવ્યું હતું. જ્યારે પણ તેઓ પોતાના પરિવાર સાથે અહીં આવતા ત્યારે ગંગા ઘાટ પર ઘણો વખત વિતાવતા હતા. હવે તેમનો પરિવાર ફરી આવ્યો છે અને ઘાટ પર શાંતિ-પ્રાર્થના કરી છે. તેઓ ભારે મનથી આંખોમાં આંસુ લઈને આવ્યા હતા, પરંતુ અહીંથી હિંમત લઈને ગયા છે.’