08 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટે બાળકના જન્મના એક જ અઠવાડિયામાં કામ પર પરત ફરી હતી અને એ સમયે તેણે પોતાની તસવીર પણ શૅર કરી હતી. રાધિકાએ એ સમયે ભલે સંજોગો સાથે સમાધાન સાધી લીધું હોય પણ તેણે પોતાના આ અનુભવ પછી વાસ્તવિકતા જણાવતાં કહ્યું છે કે ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રી નવી-નવી મા બનેલી ઍક્ટ્રેસ માટે સપોર્ટિવ નથી. રાધિકા આ હકીકતનો જાહેરમાં સ્વીકાર કરનાર પહેલી ઍક્ટ્રેસ બની છે. રાધિકા અત્યારે લંડનમાં પોતાની ૬ મહિનાની દીકરીની સંભાળ રાખી રહી છે અને એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવી માતાઓ સામે આવતા પડકારો પર સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.
રાધિકાએ જણાવ્યું છે કે ‘આપણા ફિલ્મઉદ્યોગમાં કામ કરવું ખરેખર મુશ્કેલ છે, કારણ કે આપણે સામાન્ય રીતે કેટલા કલાકો સુધી કામ કરીએ છીએ એના કોઈ નિયમ જ નથી. મને લાગે છે કે મારે હજી કામ કરતાં પહેલાં આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે. મેં પોતે મારી ગર્ભાવસ્થા દરમિયાન કામ કર્યું છે. લેબર પેઇન શરૂ થવાના એક દિવસ પહેલાં એક લેખન ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ડિલિવરીના એક અઠવાડિયાની અંદર વર્ચ્યુઅલ મીટિંગ માટે ઝૂમ કૉલ અટેન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.’
તાજેતરમાં દીપિકા પાદુકોણે ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ છોડી દીધી હતી કારણ કે મમ્મી બન્યા પછી તેણે આઠ કલાકના વર્ક-શેડ્યુલની માગણી કરી હતી, જે સ્વીકારવામાં નહોતી આવી. આ ઘટના પછી વર્ક-લાઇફ બૅલૅન્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.