23 November, 2025 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના મોટા ભાગે તેની ફિલ્મો અને રિલેશનશિપને કારણે ચર્ચામાં રહેતી હોય છે, પણ હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર સ્ત્રી-ઊર્જા વિશે એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં રશ્મિકાએ સાચી સ્ત્રી-ઊર્જાની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે જો કોઈ મહિલા પોતાના આંતરિક અવાજને અનુસરે તો તેની અંદર અનેક પરિવર્તન આવે છે.
પોતાની આ પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું છે, ‘સ્ત્રી-ઊર્જામાં એક ખાસ જાદુ હોય છે. જ્યારે તમે પોતાની સાથે જોડાઈ જાઓ છો ત્યારે તમે વસ્તુઓને સારી રીતે જોવાનું શરૂ કરો છો. લોકોને ઓળખવા લાગો છો અને પરિસ્થિતિઓને પહેલાંથી વધારે સારી રીતે સમજી શકો છો. ઘણી વાર લાગે છે કે કંઈક ખોટું થવાનું છે. મન તમને ચેતવણી આપે છે, પરંતુ આપણે એને અવગણીએ છીએ, કારણ કે જીવન ખૂબ જટિલ છે.’
આ મુદ્દે રશ્મિકાએ વિશેષમાં લખ્યું છે, ‘મહિલાઓ જ્યારે એકબીજાને સહારો આપે છે અને ફક્ત એટલું કહે છે કે હું તારી સાથે છું ત્યારે એક જુદો જ જાદુ સર્જાય છે. એ કોમળતામાં પણ બહુ શક્તિ છુપાયેલી છે. સ્ત્રી-શક્તિ નબળી નથી, તે કોમળ છે પરંતુ મજબૂત અને પ્રેમથી ભરેલી છે. જ્યારે મહિલાઓ આવી ઊર્જા સાથે એક થાય છે ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. હું જોઈ રહી છું કે ઘણી મહિલાઓમાં આ શક્તિ છે. જેમને હજી સમજ નથી તેઓ જલદી જ એને સમજશે અને અનુભવશે. જલદી એને પ્રાપ્ત કરીને મજબૂત સ્ત્રી-ઊર્જા બની જશે.’