02 April, 2025 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સોનુ નિગમ મહેમાન બની પહોંચ્યો કીર્તિદાન ગઢવીના ઘરે, ગુજરાતી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો (તસવીરો: વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)
ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીના ઘરે એક ખાસ મહેમાન પધાર્યા હતા. કીર્તિદાન ગઢવીના ઘરે તેમના સારા મિત્ર અને બૉલિવૂડ સિંગર સોનુ નિગમ આવ્યો હતો. સોનુ નિગમ અને કીર્તિદાન ગઢવી ખૂબ જ સારા મિત્રો છે. તાજેતરમાં આ બન્ને ગાયકો અમદાવાદમાં એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. સોનુ નિગમના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં કીર્તિદાન ગઢવીએ પણ હાજરી આપી હતી.
અમદાવાદની એક ઈવેન્ટમાં કીર્તિદાન ગઢવી અને સોનુ નિગમ એકસાથે આવ્યા હતા. આ દરમિયાન સોનુએ ગઢવીને તેના નાના ભાઈ કહ્યા હતા અને આ સાથે તેમના ખૂબ જ વખાણ પણ કર્યા હતા. સોનુ નિગમ અને કીર્તિદાન ગઢવીની મ્યૂઝિકલ જોડી ફરી એકસાથે જોવા મળી હતી, જોકે આ વખતે કોઈ ઇવેન્ટમાં. કારણ કે સોનુ નિગમ કીર્તિદાન ગઢવીના ઘટે મહેમાન બનીને ઘરે પહોંચ્યો હતો.
સિંગર સોનુ નિગમ અને કીર્તિદા ગઢવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કીર્તિદાન ગઢવી હર્ષ અને હરખ સાથે તેમના મહેમાન સોનુ નિગમનું સ્વાગત કરતાં જોવા મળી રહ્યા છે. સોનુ કારમાંથી બહાર આવે છે તે બાદ ગઢવી તેમની ટીમ સાથે તેને ઘરે લઈ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘરની બહારથી લિફ્ટ સુધી સોનુ નિગમના સ્વાગત માટે ગુલાબની ચાદર બિછાવી છે. ઉપરાંત જેવો તે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે કીર્તિદાનનાં પત્ની આરતી અને ફૂલહાર સાથે સિંગરનું સ્વાગત કરે છે.
વીડિયામાં સોનુ નિગમ કીર્તિદાન ગઢવી અને તેમના પરિવાર સાથે બેસીને વાતો કરતો દેખાઈ રહ્યો છે. કીર્તિદાનનો નાનો દીકરો રાગે સોનુને `વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ` શ્લોક પણ ગાઈને સાંભળવ્યો છે. રાગનો આ શ્લોક સાંભળીને સોનુ ખુશ થઈને તાળી વગાડવા લાગે છે. સોનુ નિગમે ગઢવીના ઘરે ગુજરાતી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. કીર્તિદાનનો પરિવાર સોનુ સાથે મળીને જમી રહ્યો છે તે પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન બાદ રાગ અને સોનુ મસ્તી કરતાં પણ જોવા મળ્યા હતા.
કીર્તિદાન ગઢવી સોનુ નિગમને પોતાનું ઘર પણ બતાવે છે. એવામાં સિંગરની નજર ઘરમાં પડેલ પિયાનો (મેજ જેવા આકારનું સંગીત વાદ્ય) પર પડે છે અને સિંગર તરત જ તે વગાડવા લાગે છે. વીડિયોના અંતે ડાયરા કલાકાર સાલ ઓઢાડીને સન્માન કરે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સોનુ નિગમે શૅર કરેલી પોસ્ટમાં તેણે કીર્તિદાન ગઢવી સાથે તેની પહેલી મુલાકાતને પણ યાદ કરી હતી. સોનુએ લખ્યું કે- ‘ઑસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસ કોન્સર્ટ બાદ મારા રૂમમાં હું કીર્તિદાનને પહેલી વાર મળ્યો હતો. આ દરમિયાન તેમના પ્રેમ અને સ્નેહે મને ભાવવિભોર કરી દીધો હતો.’ બન્નેની આ મુલાકાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ સાથે બન્ને શું કોઈ પ્રોજેકટ માટે એકસાથે આવીએ આવીને એક હીટ ગીત આપશે એવી પણ ચર્ચા ચાહકોએ શરૂ કરી છે.