Vanilla Ice Cream: સાદી છે તો શું થયું? વેનિલા ફ્લેવરની પણ પોતાની એક મજા છે!!

06 March, 2024 09:34 AM IST  |  Mumbai | Shilpa Bhanushali

Vanilla Ice Cream: ફિલ્મમાં વાર્તાથી માંડીને અભિનય, દ્રશ્યો, સંગીત અને મૌન આ બધું જ જાણે પોતાની ફ્લેવરમાં ઘણું બધું કહી જાય તેવી ફિલ્મ એટલે વેનિલા આઇસક્રીમ.

વેનિલા આઇસક્રીમ ફિલ્મનું પોસ્ટર (ફાઈલ તસવીર)

ફિલ્મ : વેનિલા આઇસક્રીમ (Vanilla Ice Cream Movie Review)

કાસ્ટ : સતીશ ભટ્ટ (દાદાજી), અર્ચન ત્રિવેદી (અશ્વિન), મલ્હાર ઠાકર (વરુણ), યુક્તિ રાંદેરિયા (કોમલ), વંદના પાઠક (સ્નેહાબેન), નિકુંજ મોદી (અવિનાશ), ક્રીના શાહ (શ્વેતા), મુની ઝા (કોમલનાં પપ્પા), છાયા વોરા (કોમલનાં મમ્મી), વલ્લભ ગડા (માવજી કાકા)

લેખક :  પ્રીત

દિગ્દર્શક : પ્રીત

રેટિંગ : 3.5/5

પ્લસ પૉઈન્ટ : અભિનય, સંવાદ, સંગીત, કાસ્ટિંગ, સિનેમેટોગ્રાફી, પ્રૉડક્શન વેલ્યૂ

માઈનસ પૉઈન્ટ : ફિલ્મની ગતિ, પ્રેડિક્ટેબલ વાર્તા

ફિલ્મની વાર્તા
Vanilla Ice Cream Movie Review: ફિલ્મની વાર્તાની વાત કરીએ તો વરુણ અને કોમલ એકબીજાને પ્રેમ કરે છે, માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે. લગ્નને બે વર્ષ થઈ ગયા છે નાની-મોટી પારિવારિક સમસ્યાઓ બાદ હવે એક ઘરમાં બે કુટુંબ રહે છે તેવો આભાસ થતાં અલ્ઝાઈમરની બીમારીથી પીડાતા દાદા, માતા અને પત્ની વચ્ચે અટવાયેલો વરુણ અને પત્ની તેમ જ પુત્રવધૂ વચ્ચે સંતુલન જાળવવા સતત પ્રયત્નશીલ એવા અશ્વિનભાઈ છેવટે પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવવા બે કુટુંબ બે જુદાં ઘરમાં રહેશે તેવો નિર્ણય લે છે. આ નિર્ણય લેવાઈ ગયો છે પણ હવે આ સ્ટોરીમાં એવો તે કયો ટ્વિસ્ટ આવે છે જેને કારણે ફિલ્મની વાર્તા હેપ્પી એન્ડિંગ સુધી પહોંચે છે તે માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.

પરફૉર્મન્સ
દિગ્ગજ કલાકારો જ્યારે ડિરેક્ટરને મળે છે ત્યારે ડિરેક્ટરનું મોટાભાગનું કામ તો એક્ટર જ કરી દેતાં હોય છે અને આ ફિલ્મમાં તો એકથી એક દિગ્ગજ કલાકારોએ સાથે સ્ક્રીન શૅર કરી છે. કોને વધુ ગુણ આપવા એ જ મુંઝાવનારો પ્રશ્ન બની રહે છે. ફિલ્મમાં દાદાજીનું પાત્ર ભજવનાર સતીશ ભટ્ટ હોય કે પિતા અશ્વિનનું પાત્ર ભજવતા અર્ચન ત્રિવેદી, વંદના પાઠક એક સાસુ, શિક્ષિકા અને માતાના પાત્રને ન્યાય આપે છે તો મુની ઝા, છાયા વોરા, માતા-પિતાનું પાત્ર સુપેરે ભજવી જાણે છે.  યુક્તિ રાંદેરિયાએ જેણે સહજ એક્ટિંગ કરી છે ત્યારે મલ્હારને તો કઈ રીતે ભૂલી શકાય. દરેક એક્ટરે પોતાનું કામ બખૂબી પાર પાડ્યું છે પણ તેની સાથે જ દરેક ફ્રેમ જાણે એક પાત્ર તરીકે કેનવાસ પર કંડારાઈ હોય તેવું પરફૉર્મન્સ આ ફિલ્મમાં જોવા મળ્યું છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ખૂબ જ જાણીતી અને લગભગ દરેક ઘરની આ વાર્તા જેને સર્વ સામાન્ય કહી શકાય અને તેમ છતાં પોતાનો એક આગવો ફ્લેવર તો ખરો જ... એવી સ્ક્રિપ્ટ જ્યારે ડિરેક્ટ કરવાની આવે ત્યારે સ્ક્રિપ્ટની તો કસોટી થાય જ છે પણ સાથે દિગ્દર્શકની પણ કસોટી થતી હોય છે એ વખતે લાગણીઓ એટલે ઈમોશનલ ટચ કેટલો આપવો, કઈ રીતે ઇમોશન્સને ડાયલૉગ્સનું સ્વરૂપ આપવું એ એક દિગ્દર્શકનું કામ છે. આ ફિલ્મની વાર્તા ભલે વેનિલા આઇસક્રીમના ફ્લેવરની જેમ ખૂબ જ સામાન્ય અને જાણીતી હોય તેમ છતાં તેનો પોતાનો જે ફ્લેવર છે તે જળવાય, તેની સરળતા જળવાઈ રહે તે પણ એટલું જ મહત્ત્વનું છે જે પહેલીવાર ફિલ્મ બનાવનાર અને છતાં જાણે કે અનુભવી દિગ્દર્શકનું કામ હોય એવું કામ પ્રીતે આ ફિલ્મમાં કર્યું છે.

મ્યુઝિક
ફિલ્મની શરૂઆત જ્યારે ગીત દ્વારા થતી હોય છે ત્યારે તે ગીત કયા પ્રસંગ માટે વાપરવામાં આવ્યું છે તે પણ એટલું જ મહત્ત્વનું બની રહે છે. ફિલ્મમાં સંગીત જો જૂદું ન તરી આવે તો તે સંગીત ખૂબ જ સારું હોય છે એમ માનવામાં આવે છે અને આ ફિલ્મમાં સંગીત દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે એવું ચોક્કસ અનુભવી શકાય છે તેથી ફિલ્મમાં સિદ્ધાર્થ અમિત ભાવસારના મ્યુઝિકને પણ ચોક્કસ ફુલ માર્ક્સ આપવા જોઈએ. ફિલ્મમાં કોઈ ગીતો એવા નથી જે તમારી જીભે ચડી જાય પણ તમે સાવ ભૂલી જ જાઓ એવું સંગીત પણ નથી જ.

ફિલ્મ જોવી કે નહીં?
ગુજરાતી ફિલ્મજગતમાં આવા વિષય પર ફિલ્મ બને અને પારિવારિક ડ્રામા ધરાવતી આ ફિલ્મ જેની સાથે દરેક વ્યક્તિ રિલેટ થઈ શકે દરેક ઉંમરની વ્યક્તિ જે ફિલ્મના પાત્રો સાથે કનેક્ટ થઈ શકે અને ખૂબ જ સામાન્ય થઈ ગયેલા એવા પારિવારિક પ્રશ્નોનો ઉકેલ કેટલો સરળ હોઈ શકે તે દર્શાવતી ફિલ્મ દરેક ભાવકે એકવાર તો જોવી જ જોઈએ. 

Malhar Thakar gujarati film movie review dhollywood news exclusive gujarati mid-day shilpa bhanushali