આમને-સામનેઃ એક જ દિવસે રિલીઝ થનારી બે ગુજરાતી ફિલ્મોમાંથી કઈ તરશે? કઈ ડૂબશે?

22 August, 2025 06:55 AM IST  |  Mumbai | Chirantana Bhatt

ગાંઠના ગોપીચંદન કરીને ગુજરાતી ફિલ્મો જોવા જનારા ગુજરાતીઓ કેટલા છે તે આપણે જાણીએ છીએ. હવે એ જ ગુજરાતી દર્શકને બે મોટી ફિલ્મો એક  સાથે મળે તો તેઓ એક જ અઠવાડિયામાં બે ફિલ્મો થિએટરમાં જઇને જોવાનો ખર્ચો કરશે ખરાં?

વશ લેવલ 2 અને બચુની બેનપણી ફિલ્મો વચ્ચે 27મી ઑગસ્ટે એક કરતાં વધુ સ્તરોનો ટકરાવ થશે

ગુજરાતી ફિલ્મોમાં હવે ટકરાવનો માહોલ બની રહ્યો છે. 27મી ઑગસ્ટે એક સાથે બે મોટી ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એક છે કૃષ્ણદેવ યાજ્ઞિકની "વશ લેવલ 2" અને બીજી છે વિપુલ મહેતાની "બચુની બેનપણી". ગુજરાતી ફિલ્મ "ઇન્ડસ્ટ્રી"નો જેટલો વ્યાપ છે તેમાં બે મોટા ગજાની ફિલ્મોએ એક સાથે ટકરાશે ત્યારે કઈ ફિલ્મ ટકી જશે અને કઈ ફિલ્મ પડી જશે એ જોવું રહ્યું. એક તરફ ગુજરાતી ફિલ્મોને હિન્દી, દક્ષિણ ભારતીય, અંગ્રેજી, મરાઠી એવી ફિલ્મો સામે પોતાનો પગ સમયાંતરે મજબૂત કરવાનો છે - એ થઇ પણ રહ્યું છે. પરંતુ ગુજરાતી ફિલ્મના મેકર્સ આ સ્પર્ધાને ભૂલીને હવે એકબીજા સાથે ટકરાવા માંડ્યા છે. 

ગાંઠના ગોપીચંદન કરીને ગુજરાતી ફિલ્મો જોવા જનારા ગુજરાતીઓ કેટલા છે તે આપણે જાણીએ છીએ. હવે એ જ ગુજરાતી દર્શકને બે મોટી ફિલ્મો એક  સાથે મળે તો તેઓ એક જ અઠવાડિયામાં બે ફિલ્મો થિએટરમાં જઇને જોવાનો ખર્ચો કરશે ખરાં? આ પ્રશ્નનો જવાબ ખબર હોવા છતાં ય કયા કારણોસર બે મોટી ફિલ્મોના ટકરાવની સ્થિતિ ખડી કરાઇ હશે?

ગુજરાતી ફિલ્મ "વશ" પરથી અજય દેવગણની ફિલ્મ "શૈતાન" બની. હવે "વશ લેવલ 2" - ફિલ્મ 27મી ઑગસ્ટે રિલીઝ થવાની છે અને તે પણ માત્ર ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં પણ  સાથે જ રિલીઝ કરાશે. (હિન્દી ફિલ્મોના દર્શકોનો વર્ગ સ્વાભાવિક રીતે જ મોટો છે ત્યારે ગુજરાતી ફિલ્મને ય વેઠવાનું આવશે) કૃષ્ણદેવ યાજ્ઞિકે હંમેશા સાચા અર્થમાં ખોખાની બહારની એટલે કે આઉટ ઑફ ધી બૉક્સ ફિલ્મો બનાવી છે. હા એકાદ કિસ્સામાં જરા વધારે બહાર જતા રહેવાયેલું પણ એ બહુ ચિલ્ડ આઉટ છે અને તેમને ખબર છે કે રસ્તામાં ખાડા તો આવે પણ એટલે જર્ની ન અટકાવાય. એક જૂદા જ પ્રકારનો આત્મવિશ્વાસ તેમના કામમાં અને અભિગમમાં રણકે છે. હવે 27મી ઑગસ્ટે સિદ્ધાર્થ રાંદેરિયા-રત્ના પાઠક શાહ અભિનિત અને વિપુલ મહેતા દિગ્દર્શિત ફિલ્મ "બચુની બેનપણી" રિલીઝ થવાની છે. ફિલ્મને રશ્મીન મજિઠીયા પ્રોડ્યુસ કરી રહ્યા છે. વિપુલ મહેતા એટલે ગુજરાતી નાટકો, ટેલિવિઝન અને ફિલ્મોના જુના જોગી, તેમનો હાથ ફરે એટલે જે તે સર્જનનું ભલું અચૂક થાય એવું કહેવાય છે. 

બંન્ને ફિલ્મો સાથે જોડાયેલા નામો બિઝનેસ પણ સમજે છે અને માર્કેટ પણ જાણે છે છતાંય ગુજરાતી ફિલ્મોના વ્યાકરણમાં જેને મોટી ફિલ્મો ગણાવી શકાય તેવી બે મજબૂત ફિલ્મો એક  સાથે રિલિઝ થશે. બંન્ને ફિલ્મોના રચયિતા પોતાના ઑડિયન્સિઝને લઇને બહુ કોન્ફિડન્ટ છે એવું લાગે છે. આપણે ભૂતકાળમાં ઘણી હિન્દી ફિલ્મોમાં જોયું છે કે બે ફિલ્મો સાથે ન ટકરાય તેની તકેદારી રાખીને રિલીઝની તારીખો આગળ-પાછળ કરવામાં આવી હોય છે. આ જ વ્યૂહરચના આ બંન્ને મોટી ફિલ્મોને મામલે પણ અનુસરી શકાઈ હતો પણ છતાં ય બંન્ને ફિલ્મો એક જ દિવસે થિએટરમાં રિલીઝ કરાઈ રહી છે. કઇ ટકશે અને કઈ ડૂબશે એ અંતે તો દર્શકોના હાથમાં છે.

આમ તો બંન્ને ફિલ્મો એકબીજાથી અલગ છે - એક હોરર છે તો એક કૉમેડી છે - એ બંન્નેના દર્શકો અલગ હોય પણ છતાંય ડિસ્ટ્રીબ્યૂશનને મામલે ધીમા અને મક્કમ પગલે આગળ વધી રહેલી ગુજરાતી ફિલ્મ "ઇન્ડસ્ટ્રી"એ આવું જોખમ લેવું જોઇએ ખરું? આ પહેલાં પણ ગુજરાતી ફિલ્મો વચ્ચે ટકરાવ થયો છે, બહુ ઓછા અંતરમાં આગળ-પાછળ રિલીઝ થયેલી ફિલ્મો પણ છે.

આ બંન્ને ફિલ્મોમાં કૃષ્ણદેવ યાજ્ઞિક અને વિપુલ મહેતા, હોરર અને કૉમેડી વચ્ચે અથડામણ થશે. સિદ્ધાર્થ રાંદેરિયા અને જાનકી બોડીવાલા વચ્ચેની પણ આ સ્પર્ધા છે - બંન્ને સાવ જૂદી પેઢીનાં હોવા છતાં ય આ રસાકસી જામશે એ નક્કી. ફિલ્મ "વશ"ને અને "વશ"માં કામ કરવા બદલ જાનકીને નેશનલ એવોર્ડ પણ જાહેર થયો છે. જાનકીએ "વશ"ના પહેલા ભાગ પછી તેની હિન્દી રિમેક ફિલ્મ શૈતાનમાં અજય દેવગણ સાથે કામ કર્યું. વશ લેવલ 2 હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મો "હું અને તું", "શર્ટ -બુશર્ટ" અને "હરી ઓમ હરી" ફિલ્મોએ પ્રોડ્યુસર્સને બહુ ખૂશ નહોતા કર્યા. "વશ લેવલ 2" અને "બચુની બેનપણી" વચ્ચે એક કરતા વધારે સ્તરનો જ ટકરાવ છે. પ્રોડ્યુસર તરીકે જોઈએ તો નિયમિત રીતે, એક સરખા અંતર પર ફિલ્મો બનાવનારા આ બે મોટા પ્રોડ્યુસર્સ છે ત્યારે આ સંઘર્ષ કેટલો વાજબી?

આ મેકર્સનો પોતાના દર્શકો પરનો આત્મવિશ્વાસ છે કે સાથી સર્જક સ્પર્ધકો પ્રત્યેની બેપરવાઈ (તટસ્થતા - વધુ સારો શબ્દપ્રયોગ હોઇ શકે?) છે તે એક સવાલ છે - તમને આનો જવાબ ખબર હોય તો ચોક્કસ જણાવજો. બાકી બે મોટી ગુજરાતી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થતી હોય તો તેના મેકર્સ અને પ્રોડ્યૂસર્સને દાદ તો આપવી જ પડે કારણકે આ જોખમ નાનું નથી - છતાં ય રિસ્ક બિના ક્યા જીના યારોં.. બંન્ને ફિલ્મોને ઑલ ધી બેસ્ટ. 

dhollywood news vash janki bodiwala siddharth randeria krishnadev yagnik vipul mehta bachu ni benpani ratna pathak hitu kanodia hiten kumar monal gajjar