20 June, 2026 10:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્જવ ત્રિવેદી
‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં ‘ધુલા’નું પાત્ર ભજવનારા આર્જવ ત્રિવેદીનું એ પાત્ર લોકોના મનમાં એટલું વસેલું છે કે ૧૧ વર્ષ પછી પણ લોકો તેમને એ નામે બોલાવે છે. જોકે થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ ‘ધબકારો’માં તેમનો પર્ફોર્મન્સ લોકોને ખૂબ ગમ્યો એટલે લોકો તેને એ જ પાત્ર ‘કાના’ના નામે પણ સંબોધવા લાગ્યા છે જેની તેને ઘણી ખુશી છે. આજે જાણીએ પિતા અને દાદામાંથી ક્રીએટિવ જીન્સ લઈને જન્મેલા ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઍક્ટર અને રંગમંચના પ્રેમી આર્જવ ત્રિવેદીના જીવનનું કેટલુંક જાણવા જેવું
૨૦૧૫માં આવેલી એક ગુજરાતી ફિલ્મ જેનું નામ ‘છેલ્લો દિવસ’. આ ફિલ્મે ગુજરાતી ઑડિયન્સને ગેલ પમાડ્યો. જે પણ થિયેટરમાં જાય તે ખુશ થઈને બહાર નીકળે. એટલું જ નહીં, ઑડિયન્સે ખુદ સિનેમામાંથી બહાર જઈને લોકોને કહ્યું કે તમે જાઓ આ ફિલ્મ જોવા અને ધીમે-ધીમે ફિલ્મ સુપરહિટ થઈ ગઈ. એમાં દરેકેદરેક પાત્ર લોકોને ગમી ગયું હતું. એવું જ એક પાત્ર એટલે ‘ધુલો’. આર્જવ ત્રિવેદી નામના રંગમંચના કલાકારે ભજવેલું આ પાત્ર. તેનો ગુસ્સો અને તેના ગુસ્સાનાં એક્સપ્રેશન લોકોનાં મનમાં વસી ગયાં હતાં. એ ફિલ્મ પછી તે કલાકારે દોઢ મહિનામાં પચીસ કિલો વજન ઉતાર્યું એટલે તેનો દેખાવ બદલાયો. એ પછી તેણે અઢળક ફિલ્મો કરી. જેમ કે ‘અનોખી’, ‘૨૧ દિવસ’, ‘બ્લૅક બર્થ-ડે’, ‘આઇ વિશ’, ‘લાગણીનો મેળો’, ‘શું થયું?’, ‘દુનિયાદારી’, ‘શુભ આરંભ’, ‘ઉડન છૂ’, ‘ધમણ’, ‘હેલ્લારો’, ‘ઉંબરો’, ‘૫૩મું પાનું’. ‘હેલ્લારો’ એક નૅશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મ બની જેમાં તેનું અરજણનું પાત્ર ખાસ્સું વખાણાયું હતું. છેલ્લે તેણે દેવેન ભોજાણી સાથે ‘ધબકારો’ ફિલ્મ કરી જેમાં લોકોએ તેના પાત્ર ‘કાના’ને ખૂબ પસંદ કરેલો. એ અતિ ઇમોશનલ ફિલ્મમાં કાનાના દુખે ઑડિયન્સ ખાસ્સું રડી પણ હતી. છતાં આજે ફિલ્મની રિલીઝનાં ૧૧ વર્ષ પછી પણ લોકો તેને આર્જવ તરીકે નહીં, ધુલા તરીકે સંબોધે છે. એ વિશે વાત કરતાં આર્જવ ત્રિવેદી કહે છે, ‘મારી પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ હતી જેમાં મારે પહેલાં તો ‘ધુલા’નો રોલ કરવો જ નહોતો. મેં ના પાડી દીધેલી. પછી પપ્પાએ કહ્યું કે ના, તું કર. એટલે એવું વિચાર્યું કે કઈ રીતે આ રોલને હું સારામાં સારી રીતે કરી શકીશ અને મેં કોશિશ કરી. આજે ધુલો લોકોના મનમાં વસી ગયો છે. હું એક ઍક્ટર તરીકે ખૂબ જ કૃતજ્ઞ છું કે મારી પહેલી જ ફિલ્મને લોકોએ આટલો પ્રેમ આપ્યો. સાથે-સાથે મેં એ પણ ઘણા પ્રયાસ કર્યા કે ધુલા જેવો સિમિલર રોલ હું ન કરું, હું કશું નવું-નવું ટ્રાય કરું. લોકો મને બીજા રોલમાં પણ પસંદ કરે અને પ્રેમ આપે. એટલે મેં અઢળક ફિલ્મોને ‘ના’ પણ પાડી છે. જોકે ફાઇનલી મને લાગે છે કે હવે ‘ધબકારો’ ફિલ્મ કર્યા પછી હું મારા કાર્યમાં સફળ રહ્યો છું. એની ના નહીં કે લોકોને તેમને હસાવતો ‘ધુલો’ ગમતો હોય, પણ આજે તેમને રડાવતો ‘કાનો’ પણ એટલો જ ગમ્યો છે અને એટલે જ કશે જાઉં તો લોકો ‘ધુલા’ નામ સાથે હવે ‘કાના’ તરીકે પણ સંબોધે છે એટલે હું ખુશ છું.’
બાળપણ
અમદાવાદમાં જ જન્મેલા અને ઊછરેલા હાલમાં ૩૩ વર્ષના આર્જવ ત્રિવેદી નાનપણથી સ્ટેજ પર પર્ફોર્મ કરતા આવ્યા છે. ૧૯૯૯-૨૦૦૦ની આસપાસની વાત છે. સિનિયર KGમાં ભણતા આર્જવ ત્રિવેદીની સ્કૂલમાં કાર્યક્રમ હતો જેમાં તેણે મિથુનદાના ગીત પર પર્ફોર્મ કરવાનું હતું : આઇ ઍમ અ ડિસ્કો ડાન્સર. ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા કારણ કે એ આર્જવના જીવનનો પહેલો પર્ફોર્મન્સ હતો. બધા જ સ્કૂલમાં જવાના હતા, પરંતુ અચાનક પરિવારમાં કોઈનું મૃત્યુ થયું અને કોઈ જઈ શકે એમ હતું નહીં. જોકે આર્જવના પપ્પા પ્રણવ ત્રિવેદીએ કહ્યું કે ભલે, આપણે બધા ન જઈ શકીએ, આર્જવ તો જશે. તેના માસી સાથે તેને મોકલવામાં આવ્યો અને તેણે પર્ફોર્મ કર્યું. તે નાનકડું બાળક ઘરે આવ્યું ત્યારે પપ્પાએ પૂછ્યું કે ડાન્સ કરીને કેવું લાગ્યું? તો આર્જવે કહ્યું, ‘મજા પડી.’ ‘પછી બધાએ તાળીઓ પાડી ત્યારે?’ પપ્પાએ બાળકના મનને ખાસ જાણવા માટે સવાલ પૂછેલો. આર્જવે આંખમાં ચમક સાથે કહ્યું, ‘ખૂબ વધારે મજા પડી.’ પપ્પાને બસ આ ચમક જોવી હતી અને અવાજમાં ઉમળકો સાંભળવો હતો જે તેમણે સાંભળી લીધો. પ્રણવભાઈ આમ તો ગુજરાત યુનિવર્સિટીમાં હેડ ક્લર્કનું કામ કરતા હતા, પણ મૂળ એક કલાકાર જીવ. એ વિશે વાત કરતાં આર્જવ ત્રિવેદી કહે છે, ‘નોકરીની સાથે-સાથે તેઓ અમુક નાટકો અને ‘એક ડાળનાં પંખી’ જેવી અમુક સિરિયલોમાં કામ કરી ચૂક્યા હતા. એ સમયે તેમને મુંબઈ અને સાઉથ બન્ને જગ્યાએથી કામની તકો મળી હતી, પરંતુ એ સમયે તેમના પિતા એટલે કે મારા દાદા બીમાર હતા અને તેમને મૂકીને જઈ શકાય એમ નહોતું એટલે તેમનાં સપનાં અધૂરાં રહી ગયાં, જે મારાં દ્વારા પૂરાં થયાં એવું તેમને સતત લાગ્યા કરે છે. મારા દાદા ઇન્દુકુમાર ત્રિવેદી પણ કવિ હતા. એ સમયે તેમની કવિતાઓ ‘ફફડાટ’ અને ‘સાંસુ’ અંગ્રેજી માધ્યમના નવમા અને બારમા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવતી. આમ અમારા પરિવારમાં બાપદાદા તરફથી કળા અને સાહિત્યનો વારસો મને મળ્યો છે.’
નાટકો
આર્જવ પહેલા-બીજા ધોરણમાં હતો ત્યારે તેણે ‘નટરાણી’માં વિપિન બાપોદરાના નાટક ‘સ્વપ્ન’માં કામ કર્યું જે બદલ ત્યાંના અંગ્રેજી અખબારમાં ‘લિટલ આર્જવ’ ટાઇટલ સાથે તેની પ્રશંસા કરતો એક લેખ છપાયો. એ પછી આર્જવ હરિન ઠાકરની ‘ઉત્સવ’ નામની સંસ્થા સાથે જોડાઈને નાનાં-મોટાં કમર્શિયલ નાટકો કરવા લાગ્યો. એ સમયે તેને ૪૦૦-૫૦૦ રૂપિયા મળતા હતા. એ સમયનો એક કિસ્સો યાદ કરતાં આર્જવ કહે છે, ‘હું પાંચમા ધોરણમાં હતો. ગુજરાત રાજ્યની એકાંકી સ્પર્ધા હતી. પપ્પાએ એ નાટક લખેલું. હું પર્ફોર્મ કરવાનો હતો, પણ મને સખત તાવ આવી ગયો. મમ્મી બિચારી દુખી થઈ ગયેલી અને તેણે પપ્પાને કહ્યું કે આજે માંડી વાળો. જોકે પપ્પા ટસના મસ ન થયા. મને લઈ ગયા અને પર્ફોર્મ કરાવડાવ્યું. એમાં મને રાજ્યકક્ષાએ ત્રીજું ઇનામ મળ્યું હતું. એ દિવસે પપ્પાને કારણે એક જરૂરી બાબત જે દરેક કલાકારે સમજવી જરૂરી છે એ મેં સમજી કે ‘શો મસ્ટ ગો ઑન’. તમે બીમાર હો કે તમને થાક લાગ્યો હોય, કામ છોડી ન શકાય. એક વખત ડેન્ગી થયો ત્યારે પણ શો હતો એટલે મેં ડૉક્ટરને કહ્યું કે તમારી પાસે બે દિવસ છે, મને બેઠો કરો, કારણ કે નાટક છોડી શકાય એમ નથી. હૉસ્પિટલથી સીધો હું નીડલ્સ કાઢીને પર્ફોર્મ કરવા ગયો. ત્યારે પણ પપ્પા સાથે હતા અને ત્યાં શો પતાવીને ફરી હૉસ્પિટલ ભેગો થયો.’
જલદી ફાઇવ
ડર : મને હંમેશાં એ વાતનો ડર લાગે કે મારાથી કોઈનું મન ન દુભાવાય કે કશે મારાથી કોઈ ખોટું કામ ન થઈ જાય. આ બાબતે હું ઘણો સતર્ક રહું છું.
ટર્નિંગ પૉઇન્ટ : ‘છેલ્લો દિવસ’ ફિલ્મ.
શોખ : મને ફરવાનો ખૂબ શોખ છે. સમગ્ર વિશ્વ ફરવાની ઇચ્છા છે. હું અત્યાર સુધીમાં બ્રિટન, બાલી, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, વિયેટનામ ફરી આવ્યો છું. ભારતમાં હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારત પણ ફરી ચૂક્યો છું. હજી ઘણું ફરવાનું બાકી છે એ ફરીશ.
ખાલી સમયમાં શું કરો? : મને વાંચવાનો શોખ છે. હું કવિતાઓ પણ લખું છું, નાટકો જોવા જાઉં છું. બાકી કોઈ સારી ફિલ્મ કે વેબ-સિરીઝ આવી હોય એ જોઉં છું.
જો તમે ઍક્ટર ન હોત તો શું હોત?: તો નક્કી હું ક્રિકેટર હોત. અત્યારે પણ નવરો પડું ત્યારે ક્રિક્રેટ રમું છું.
લગ્ન
આર્જવને ઍક્ટર બનવું છે એ તો નક્કી જ હતું. એ માટે પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જવાનાં સપનાં તે જોતો હતો. એને કારણે અગિયારમા-બારમામાં સાયન્સ લીધું હતું તેણે. જોકે ત્યાં સુધીમાં તેણે અમદાવાદમાં જ અઢળક નાટકો કરી લીધેલાં. ઝેવિયર્સ કૉલેજમાં સ્નાતકની ડિગ્રી સાયન્સમાં લઈને તે અમદાવાદની જ એક પર્ફોર્મિંગ આર્ટ્સ કૉલેજમાં થિયેટરમાં માસ્ટર્સ કરવા માટે જોડાઈ ગયો. ત્યાં તેણે અમદાવાદના જાણીતા નાટ્યકાર નિમેશ દેસાઈ સાથે રહીને ઘણાં નાટકો કર્યાં. કનૈયાલાલ મુનશીનાં ‘કાકાની શશી’, ‘ધ્રુવ સ્વામીની દેવી’ જેવાં નાટકો કર્યાં. તેમણે નાટકમાં સ્વામી વિવેકાનંદ અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવાં પાત્રો ભજવ્યાં. આ ઉપરાંત હરિન ઠાકર સાથે ‘સાસુ અને સંતાકૂકડી’ નાટક કર્યું. નરસિંહ મહેતાના જીવન પર આધારિત તેમણે જુદા-જુદા ડિરેક્ટર્સ સાથે બે અલગ-અલગ નાટકો કર્યાં. હાલમાં મેહુલ પટેલનું એક નાટક તેઓ કરી રહ્યા છે જેનું નામ છે ‘પથ્થરે પૂર્યા પ્રાણ’. ગુજરાતી ફિલ્મોમાં કામ કરનારા મોટા ભાગના હીરો ફિલ્મો શરૂ કર્યા પછી નાટકો કરતા નથી, પરંતુ તમે એ ચાલુ રાખ્યા છે એનું શું કારણ? એ સમજાવતાં આર્જવ કહે છે, ‘મને રંગમંચે ઘણું શીખવ્યું છે. એને કારણે જ મને ફિલ્મો મળવાનું શરૂ થયું છે તો પછી નાટકો કઈ રીતે છોડાય? જો સારા નાટકની તક આવે તો સવાલ જ નથી કે હું એ છોડું, કારણ કે નાટકો તો મારો પ્રથમ પ્રેમ કહી શકાય. મેં જે પ્રકારનાં પાત્રો રંગમંચ પર ભજવ્યાં છે એ પ્રકારનાં પાત્રો મને ભવિષ્યમાં ફિલ્મોમાં કરવાં છે. મારે એવા રોલ કરવા છે જે વર્ષો સુધી યાદગાર રહી જાય. ખાસ કરીને હિસ્ટોરિકલ પાત્રો કરવાં મને ખૂબ ગમે. નરસિંહ મહેતા કે સ્વામી વિવેકાનંદ જેવાં પાત્રો ભજવવાની મજા જ જુદી છે. એ ભૂતકાળનાં પાત્રો છે જેમને વર્તમાન દૃષ્ટિકોણ સાથે તમારે દર્શકો સામે ભજવવાનાં હોય છે. એ ચૅલેન્જ મને ખૂબ ગમે છે.’
લગ્ન
આર્જવ તેનાં માતા-પિતાનું એક જ સંતાન છે. તે જ્યારે પર્ફોર્મિંગ આર્ટ્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે એમાં ભરતનાટ્યમ શીખતી નીલ સોની સાથે એક પ્રોજેક્ટ કરવાનો થયો. એમાં સાથે કામ કરતાં-કરતાં બન્ને એકબીજાને ગમી ગયાં. એ સમયની વાત જણાવતાં આર્જવ કહે છે, ‘એ સમયે હું જેની સાથે કામ કરતો હોઉં તે બધા જ લોકો મારા ઘરે આવતા-જતા રહેતા. એટલે નીલને તેઓ મળી ચૂકયા હતા. વળી મારા પેરન્ટ્સ એકદમ ફ્રી માઇન્ડ ધરાવતા હતા એટલે જ્યારે મેં તેમને કહ્યું કે આ છોકરી મને ગમે છે તો તેમની ‘હા’ જ હતી. એવું જ નીલના ઘરે થયું. હું પચીસ વર્ષનો હતો ત્યારે અમે પરણી ગયાં. આજે તે સ્કૂલમાં ડાન્સ-ટીચર તરીકે જૉબ કરે છે.’
બંધાણ નહીં
પોતાની એક વિશેષતા વિશે વાત કરતાં આર્જવ કહે છે, ‘હું એવી વ્યક્તિ છું કે દુનિયામાં અમુક માણસો સિવાય એવું કશું જ નથી જેના વગર મને ન ચાલે. ઊલટું કોઈ વસ્તુનો જો હું બંધાણી બનતો જાઉં છું એમ મને લાગે તો મેં એ છોડી જ દીધી હોય છે. જેમ કે ચા પીતાં-પિતાં મને એમ લાગે કે આજકાલ ચા વગર મને ચાલતું નથી, માથું દુખવા લાગે છે તો એ જ ક્ષણે ચા છોડી દઉં. મીઠું પાન આજકાલ વધારે પડતું ખવાઈ રહ્યું છે તો એ છોડતાં મને વાર લાગે નહીં. મને એ વિચાર જ નથી ગમતો કે કોઈ વસ્તુ વગર તમને ચાલે નહીં. માણસો ખાસ છે મારા માટે, વસ્તુનું મહત્ત્વ નથી.’