એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ક્લાઇમ્બ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો જેરેડ લેટો

12 November, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના નવા આલબમ ‘ધ એન્ડ ઑફ ધ વર્લ્ડ બટ ઇટ્સ અ બ્યુટિફુલ ડે’ અને તેની બ્રૅન્ડ ‘થર્ટી સેકન્ડ્સ ટુ માર્સ’ને પ્રમોટ કરવા માટે જેરેડ આ ટાવર પર દોરડાની મદદથી ચડ્યો હતો

જેરેડ લેટો

ઍક્ટર અને મ્યુઝિશ્યન જેરેડ લેટો ન્યુ યૉર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ચડનાર પહેલો વ્યક્તિ બન્યો છે. ૧૦૨ ફ્લોરનો આ હાઇરાઇઝ ટાવર એના આર્કિટેક્ચર અને હાઇટને કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોતાના નવા આલબમ ‘ધ એન્ડ ઑફ ધ વર્લ્ડ બટ ઇટ્સ અ બ્યુટિફુલ ડે’ અને તેની બ્રૅન્ડ ‘થર્ટી સેકન્ડ્સ ટુ માર્સ’ને પ્રમોટ કરવા માટે જેરેડ આ ટાવર પર દોરડાની મદદથી ચડ્યો હતો. એ વખતે તેણે ઑરેન્જ જમ્પસૂટ પહેર્યો હતો. આ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ન્યુ યૉર્કની શાન છે. એ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ચડતી વખતની નાનકડી વિડિયો-ક્લ‌િપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જેરેડે કૅપ્શન આપી હતી, ‘જેરેડ લેટો પોતાની ‘થર્ટી સેકન્ડ્સ ટુ માર્સ’ની ગ્લોબલ ટૂરને પ્રમોટ કરવા માટે ભવ્ય એવા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ચડ્યો હતો. અમે ૨૦૨૪ની સીઝન વર્લ્ડ ટૂરને લૉન્ચ કરી છે. સાથે જ અમારા આલબમ ‘ધ એન્ડ ઑફ ધ વર્લ્ડ બટ ઇટ્સ અ બ્યુટ‌િફુલ ડે’ને સેલિબ્રેટ કર્યો હતો. હું નાનો હતો ત્યારથી મને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગનું આકર્ષણ રહ્યું છે. મને ખાતરી નથી કે આ ગિનેસ વર્લ્ડ રૅકોર્ડ્સ બનશે કે નહીં. જોકે આ ટાવરને લઈને મને હંમેશાં આકર્ષણ રહ્યું છે. એ માત્ર ૧૩ મહિનામાં બની ગયું હતું. તમારામાંથી ઘણા બધાને જાણ હશે કે મને ડુંગર પર કે બિલ્ડિંગ પર ચડવાનું ગમે છે. આ એવી બાબત છે જે મને મારી લાઇફના સ્ટ્રેસમાંથી દૂર લઈ જાય છે. સાથે જ મને એનાથી થોડી ઘણી આઝાદી મળી જાય છે. મારું આ આલબમ સપનાં પૂરાં કરવા માટે અને સખત મહેનત કરવા માટે પ્રેરણા આપે છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ચડવું એ મારા માટે સપનું પૂરું થવા સમાન છે.’

jared leto new york hollywood news entertainment news