03 October, 2024 12:24 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
મેથ્યૂ પેરીની ફાઇલ તસવીર
હોલીવુડનું જાણીતું અને માનીતું નામ એટલે મેથ્યૂ પેરી. તેઓએ ચૅન્ડલર બિંગનું પાત્ર ભજવીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. પરંતુ ઑક્ટોબર 2023માં અચાનકથી એક્ટરે આ દુનિયામાંથી લીધેલી એક્ઝિટ (Matthew Perry Death Case)ને કારણે તેના અસંખ્ય ચાહકોને આંચકો આપ્યો હતો.
માત્ર 54 વર્ષનાં મેથ્યૂની ડેડબૉડી પેલિસેડ્સના ઘરના સ્વિમિંગ પૂલમાં તરતી મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દિવસે ને દિવસે નવા નવા ખૂલસાઓ થતાં આવ્યા છે. એવા પણ ખુલાસા થયા હતા કે મેથ્યૂ પેરીનું મૃત્યુ (Matthew Perry Death Case) કેટામાઇન નામની દવાના ઓવરડોઝને કારણે પૂલમાં ડૂબી જવાથી થયું હતું. ઉપરાંત આ કેસમાં કેટલાક શકમંદોની ધરપકડ સુદ્ધાં કરવામાં આવી હતી.
એક નવો જ ખુલાસો- ડોક્ટરે ગુનો કબૂલ્યો
હવે એક નવો જ અને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક્ટર મેથ્યૂ પેરીના ઓવરડોઝ મૃત્યુના આરોપમાં જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાંના બે કેલિફોર્નિયાના ડોકટરોમાંથી એકે બુધવારે ગેરકાયદેસર રીતે ડ્રગ કેટામાઇનનું વિતરણ કરવાના આરોપમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો.
ડૉ. માર્ક ચાવેઝે લોસ એન્જલસમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજરી દરમિયાન અરજી દાખલ કરી હતી. માર્ક ચાવેઝે હવે એ વાતની કબૂલાત કરી લીધી છે કે તેણે એક્ટરના મૃત હાલતમાં મળી આવ્યાના અઠવાડિયામાં કેટામાઇનનું વિતરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. હવે પ્રાપ્ત માહિતી અનુસાર આ દોષમાં તેઓને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે લોસ એન્જલસની કોર્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ શેરિલીન પીસ ગાર્નેટ સમક્ષ હાજર થતાં, માર્ક ચાવેઝે પોતાનો ગુનો કબૂલ્યો એ પહેલા અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
અન્ય એક ડૉક્ટરની સંડોવણી પણ સામે આવી હતી
Matthew Perry Death Case: અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખાસ કરીને કેટામાઇન મોટા પ્રમાણમાં હોવાનું સાબિત થયું હતું. હવે એક ડોક્ટરે ગુનાની કબૂલાત કરી છે ત્યારે અન્ય એક ડૉક્ટર સાલ્વાડોર પ્લાસેન્સિયા કે જેમણે કથિત રીતે ડૉ. ચાવેઝ પાસેથી કેટામાઇનની ખરીદી કરી હતી અને તેને ઊંચા દર સાથે એક્ટરને વેચી દીધું હતું.
ફ્રેન્ડ્સ થકી અનેકોના દિલમાં રાજ કર્યું હતું એક્ટરે
ડિસેમ્બર 2023ના ઑટોપ્સી રિપોર્ટ સામે આવ્યા હતા. આ રિપોર્ટ અનુસાર ઑક્ટોબર 2023માં કેટામાઇન અને અન્ય પરિબળોની તીવ્ર અસરોને કારણે એક્ટર મેથ્યૂ પેરીનું મોત (Matthew Perry Death Case) થયું હતું. વધારે પડતાં ડોઝને કારણે તે ભાન ખોતા તેના ઘરના હૉટ ટબમાં ડૂબી ગયો હતો. આ એક્ટરે 1990ના દાયકાના હિટ ટેલિવિઝન સિટકોમ ‘ફ્રેન્ડ્સ’ પર ચૅન્ડલર બિંગણો રૉલ પ્લે કર્યો હતો. ત્યારથી તે સૌ ચાહકોના હ્રદયમાં વસી ગયો હતો. પણ તે કેટામાઇનનું સેવન કરતો હતો. કહેવાય છે કે તે લીધા પછી વ્યક્તિ નશો કરે છે. તે ક્યારેક ડિપ્રેશન અને ચિંતાની સારવાર માટે આપવામાં આવતી હોય છે.