ઑસ્કરમાં ઇરફાનને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

27 April, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડની સેલિબ્રિટીઝ અને તેમની સાથે કૉસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાને પણ યાદ કરવામાં આવ્યાં હતાં

બેસ્ટ પિક્ચર નોમૅડલૅન્ડની ટીમ

ઇરફાનને ઍકૅડેમી અવૉર્ડ્સમાં હૉલીવુડના અન્ય ઍક્ટર્સ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમની સાથે કૉસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાને પણ ઑસ્કર 2021ના ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં યાદ કરવામાં આવ્યાં હતાં. આ સેગમેન્ટમાં વર્ષ દરમ્યાન મૃત્યુ પામેલી મોટી-મોટી સેલિબ્રિટીઝને યાદ કરવામાં આવે છે જેમણે દુનિયાભરના સિનેમામાં એક અમીટ છાપ છોડી હોય. ૨૫ એપ્રિલે લૉસ ઍન્જલસમાં ઑસ્કર અવૉર્ડ્સની સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપડા જોનસે હૉલીવુડમાં એન્ટ્રી કરી એ પહેલાં ઇરફાન ત્યાં પોતાનું નામ બનાવી ચૂક્યો હતો. તેણે ‘લાઇફ ઑફ પાઇ’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ધ નેમસેક’ અને ‘ઇન્ફર્નો’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. ઇરફાન ગયા વર્ષે એપ્રિલમાં ન્યુરોએન્ડ્રોક્રાઇન બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. ૧૯૮૨માં આવેલી ‘ગાંધી’ માટે બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગનો અવૉર્ડ મેળવનાર ભાનુ અથૈયાને પણ આ ઇવેન્ટમાં યાદ કરવામાં આવી હતી. આ ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં તેમની સાથે ઍક્ટિંગ લેજન્ડ શૉન કોનેરી, ડાયના રિગ, હેલન મૅક્ક્રોરી અને ચૅડવિક બોઝમૅનને પણ યાદ કરવામાં આવ્યાં હતાં.

‘નોમૅડલૅન્ડ’એ ઑસ્કરમાં મચાવી ધમાલ

બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર (ક્લોઇ ચાઉ) અને બેસ્ટ ઍક્ટ્રેસ (ફ્રાન્સિસ મૅક્ડોર્મન્ડ)નો અવૉર્ડ મળ્યો : બેસ્ટ ઍક્ટર બન્યા ૮૩ વર્ષના ઍન્થની હોપકિન્સ ૨૦૨૧ના ઑસ્કર અવૉર્ડ્સમાં ‘નોમૅડલૅન્ડ’એ મહત્ત્વના અવૉર્ડ્સ પોતાને નામ કર્યા છે. બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ઍક્ટ્રેસના અવૉર્ડ્સ આ ફિલ્મને મળ્યા છે. બેસ્ટ પિક્ચર માટે આઠ નૉમિનેશન હતાં, જેમાંથી ‘નોમૅડલૅન્ડ’ને પસંદ કરવામાં આવી હતી. બેસ્ટ ડિરેક્ટરની કૅટેગરીમાં પાંચ અને બેસ્ટ ઍક્ટ્રેસની કૅટેગરીમાં પણ પાંચ નૉમિનેશન હતાં. સ્ટુડિયોની વાત કરીએ તો સાત અવૉર્ડ સાથે નેટફ્લિક્સ સૌથી આગળ છે, પરંતુ કોઈ મહત્ત્વની કૅટેગરીમાં આ અવૉર્ડ નથી મળ્યા. સૌથી મહત્ત્વના અવૉર્ડ્સ એટેલે સારી કૅટેગરીમાં ડિઝની સ્ટુડિયોને પાંચ મળ્યા છે, જેમાંથી ત્રણ ‘નોમૅડલૅન્ડ’ના છે. ત્યાર બાદ વૉર્નર બ્રધર્સનો નંબર આવે છે જેને ‘ટેનેટ’, ‘જુડાસ ઍન્ડ બ્લૅક મસીહા’ માટે ત્રણ અવૉર્ડ્સ મળ્યા છે.

entertainment news hollywood news oscars irrfan khan