પાન નલિનની ફિલ્મ `છેલ્લો શો` રોબર્ટ ડેનિરોના ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ ન્યુયોર્કમાં સિલેક્ટ થઇ

27 April, 2021 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મમાં 6 નવોદિત નાનકડા છોકરાઓએ અભિનય કર્યો છે જે ગુજરાતના વિભિન્ન સમુદાય જેવાકે ભરવાડ, રબારી, કોળી, મેર, માલધારી અને સિદ્દી ના છે.

પાન નલિન તેમની ફિલ્મો સંસારા, એંગ્રી ઇન્ડિયન ગોડેસિઝ માટે જાણીતા છે

`એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિઝ`ના નિર્દેશક પાન નલિન ની લેટેસ્ટ ગુજરાતી ફિચર ફિલ્મ `છેલ્લો શૉ` 20મા રોબર્ટ ડેનિરોના ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ જ પ્રતિષ્ઠિત `સ્પોટલાઈટ` સેકશનમાં ઓપનિંગ ફિલ્મ તરીકે સિલેક્ટ થઇ છે.  ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉ, જેમાં સૌરાષ્ટ્રના ગામની વાત છે, એનું પ્રિમીયર ન્યુ યોર્ક શહેરમાં થવા જઈ રહ્યું છે.

ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલના ફેસ્ટિવલ ડિરેક્ટર કારા કુસુમાનો જણાવે છે કે, " હાલ વર્ષ 2021માં જયારે ઘણા બધા ફિલ્મ ફેસ્ટિવલ ફરી ઑફ્લાઈન યોજાઈ રહ્યા છે ત્યારે ન્યુ યોર્ક જે આર્ટ અને એન્ટરટેઈનમેન્ટનું હબ છે ત્યાં આ વર્ષે  ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત સ્પોટ લાઈટ પ્રોગ્રામ તરીકે ફિલ્મ `છેલ્લો શૉ` થી થશે.

પાન નલિનની અગાઉની ફિલ્મો જેવી કે "સંસારા` (2001), વૅલી ઑફ ફ્લાવર્સ (2006) અને  એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ (2016) નું ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, રૉમ, સનડન્સ, લોકાર્નો, AFI, મેલબોર્ન જેવા ઘણા બધા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનીંગ થયું છે અને એવોર્ડ પણ મેળવ્યા છે.  મિરામેક્સ (હવે ડિઝની), ટોહો (જાપાન), યુનિવર્સલ (કૅનેડા) જેવા અનેક મોટા સ્ટુડિઓએ વિશ્વભરમાં ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કર્યુ છે.

ઓરેન્જ સ્ટુડીઓ ના ઇન્ટરનેશનલ સેલ્સ હેડ, ડેનિયલ માર્કવેટએ જણાવ્યું, "અમારી આખી ઓરેન્જ સ્ટુડીઓની ટીમને બહુ જ ગર્વ છે કે અમે ફિલ્મ છેલ્લા શૉ નું ઇન્ટરનેશનલ સેલ્સ હૅન્ડલ કરી રહ્યા છીએ. પાન નલિનની આ ફિલ્મ સિનેમાના જાદુને એક પ્રેમ પત્ર સમાન છે.  છેલ્લા એક વર્ષનું એકલપણું અને ડિજિટલ કન્ટેન્ટની હરીફાઈ વચ્ચે `છેલ્લો શૉ` એક પરફેક્ટ હ્યુમન અને સિનેમેટિક અનુભવ છે જેનાથી ફિઝિકલ ફિલ્મ ફેસ્ટિવલ અને સ્ક્રીનીંગની ફરી ઉત્સાહભેર શરૂઆત થશે.”

છેલ્લો શૉના લેખક અને ડિરેક્ટર પાન નલિન છે. ધીર મોમાયાનું જુગાડ મોશન પિક્ચર્સ, બેલ્જિયમનું સ્ટેન્જર 88 અને મોનસૂન ફિલ્મ્સ આ ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મમાં 6 નવોદિત નાનકડા છોકરાઓએ અભિનય કર્યો છે જે ગુજરાતના વિભિન્ન સમુદાય જેવાકે ભરવાડ, રબારી, કોળી, મેર, માલધારી અને સિદ્દી ના છે.

છેલ્લા શૉનું કથાનક કંઇક એવું છે જ્યાં ગેલેક્સી સિનેમામાં ફિલ્મ જોયા પછી એક નાનકડો છોકરો સિનેમાની દુનિયાના પ્રેમમાં પડે છે. પિતાનો કડપ આ લાંબુ ચાલવા દે તેવું લાગતું નથી પણ છોકરો પોતાની ચાહ સુધી પહોંચવાની રાહ મેળવી જ લે છે.

પાન નલીન કહે છે કે, “ત્રિબેકા ફિલ્મ ફેસ્ટીવલ એક મોટો મંચ છે જ્યાં ગ્રેટ સ્ટોરી ટેલર, માસ્ટર્સ અને દુનિયાભરના ફિલ્મમેકર્સ સાથે આવીને એક સ્ટેજ શેર કરે છે. છેલ્લો શૉનું ત્રિબેકામાં પ્રિમીયર થવું એ ગુજરાતી સિનેમા જ નહીં પણ ઇન્ડિયન સિનેમા માટે પણ ગર્વની વાત છે “

ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલના આર્ટિસ્ટિક ડિરેક્ટર ફ્રેડરિક બૉયર કહે છે, " ડિરેક્ટર પાન નલિન ફિલ્મ `છેલ્લા શૉ` સાથે આપણને ફિલ્મોની દુનિયામાં ફરી લઇ જઈને એક યુવાન છોકરાની આંખો દ્વારા આપણને ફિલ્મો કેમ પસંદ છે તેની યાદ અપાવે છે."

પાન નલિન ની લેટેસ્ટ ફીચર ફિલ્મ `છેલ્લો શૉ` દર્શકો માટે એક રીઅલ અનુભવ બની રહેશે. ગુજરાતી ફિલ્મોમાની આ એક યુનિક ફિલ્મ ટોપ ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ ટીમ મેમ્બર્સ સાથે બનાવવામાં આવી છે. સિનેમેટોગ્રાફર સ્વપ્નિલ સોનાવાલે (ન્યૂટન, સેક્રેડ ગેમ્સ, AK vs AK), કાસ્ટીંગ ડિરેક્ટર દિલીપ શંકર(ભાગ મિલ્ખા ભાગ,લાઈફ ઑફ પાઇ- એકેડમી વિનર), હોલિવુડના એક નામી ફ્રેન્ચ મ્યુઝિક કમ્પોઝર જેને 100 થી વધારે ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે એવા સીરિલ મૉરીન, ફ્રેન્ચ સાઉન્ડ ડીઝાઈનર ગિલ્સ બેરનાદેઑ અને કલરિસ્ટ કેવિન લે ડોર્ટઝ (મુસ્તાંગ - એકેડમી એવોર્ડ નોમિનેટેડ), બ્રિટિશ-પોર્ટુગીઝ મૅકઅપ આર્ટિસ્ટ સારા મેનિત્રા (કેટ્સ,ઝેઉસ, હીઝ હાઉસ). નિર્માણના આ વૈશ્વિક પ્રયત્ન સાથે અમે માત્ર દર્શકોને યાદગાર સિનેમેટિક અનુભવ આપવા માંગીએ  છીએ.

20મો ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ 9 થી 20 જૂન વચ્ચે ન્યૂ યોર્કની પ્રતિષ્ઠિત જગ્યાઓ પર યોજાશે. આ પ્રોગામની બાકી ની તમામ વિગતો ફેસ્ટિવલ શરૂ થવાના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

entertainment news