05 January, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય ભાનુશાલી અને માહી વિજની ફાઇલ તસવીર
ટીવી-સ્ટાર કપલ માહી વિજ અને જય ભાનુશાલીએ લગ્નનાં ૧૪ વર્ષ પછી તેઓ અલગ થઈ રહ્યાં છે એવી જાહેરાત કરી છે. જય અને માહીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને સ્વીકાર્યું છે કે તેમના લગ્નજીવનનો અંત આવી ગયો છે અને સ્પષ્ટ કહ્યું છે કે તેમની આ સ્ટોરીમાં કોઈ ‘વિલન’ નથી.
જય અને માહી બન્નેએ સંયુક્ત રીતે શૅર કરેલી આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજે અમે જીવન નામની આ સફરમાં અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે છતાં અમે એકબીજાની સાથે ઊભાં રહીશું. શાંતિ, વિકાસ, દયાળુપણું અને માનવતા અમને હંમેશાં માર્ગદર્શન આપતાં રહેશે. અમારાં બાળકો તારા, ખુશી અને રાજવીર માટે અમે શ્રેષ્ઠ મમ્મી-પપ્પા અને શ્રેષ્ઠ મિત્રો બનીશું અને જેકંઈ જરૂરી હશે એ બધું કરીશું.’
આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે ‘અમે અલગ રસ્તે ચાલીશું, પરંતુ અમારી વાર્તામાં કોઈ વિલન નથી. આ નિર્ણય સાથે કોઈ નેગેટિવિટી જોડાયેલી નથી. કોઈ પણ નિષ્કર્ષ કાઢતાં પહેલાં કૃપા કરીને સમજો કે અમે ડ્રામા કરતાં વધુ શાંતિ અને સૌથી ઉપર સમજદારીને પસંદ કરીએ છીએ. અમે એકબીજાની રિસ્પેક્ટ કરીશું, એકબીજાને સપોર્ટ કરીશું અને હંમેશાં મિત્રો બની રહીશું. જેમ અમે એકબીજાને માન આપીએ છીએ એમ આપ સૌ પાસેથી પણ પ્રેમ અને માનની અપેક્ષા રાખીએ છીએ.’
જય અને માહીએ ૨૦૧૧માં લગ્ન કર્યાં હતાં અને તેમનું લગ્નજીવન ઘણી ચર્ચામાં રહ્યું હતું. બન્ને ત્રણ બાળકોનાં મમ્મી-પપ્પા છે. ખુશી અને રાજવીર તેમનાં ફોસ્ટર બાળકો છે, જ્યારે ૨૦૧૯માં તેઓ પુત્રી તારાનાં મમ્મી-પપ્પા બન્યાં હતાં. તેમના ડિવૉર્સને લઈને લાંબા સમયથી અફવા ચાલી રહી હતી, પરંતુ હવે તેમણે આ સમાચારને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા છે.