14 October, 2025 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર KBCના એક એપિસોડમાં ગાંધીનગરના દસ વર્ષના ઇશિત ભટ્ટનું વર્તન સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યું છે
અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી ‘કૌન બનેગા કરોડપતિ’ ઉપરાંત જુનિયર કૌન બનેગા કરોડપતિ (KBC) પણ હોસ્ટ કરે છે. તાજેતરમાં જુનિયર KBCના એક એપિસોડમાં ગાંધીનગરના દસ વર્ષના ઇશિત ભટ્ટનું વર્તન સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. ઇશિત પાંચમા ધોરણનો સ્ટુડન્ટ છે અને તેણે શોમાં અમિતાભ સાથે બેઅદબીથી વાત કરી છે. ઇશિતને તેના આ વર્તન બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલર્સ ટાર્ગેટ કરી રહ્યા છે. ઇશિતનો આ વિડિયો ચર્ચામાં છે ત્યારે અમિતાભની એક ટ્વીટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અમિતાભે રવિવારે મોડી રાતે કરેલી આ ટ્વીટમાં લખ્યું છે કે ‘કંઈ કહેવા જેવું નથી, બસ સ્તબ્ધ.’ બિગ બીની લખેલી આ એક જ લાઇન ચર્ચાનો વિષય બની ગઈ છે. યુઝર્સ અમિતાભના આ ટ્વીટને તે બાળકની બેઅદબી સાથે જોડીને જોઈ રહ્યા છે અને આને અમિતાભ બચ્ચનનો જવાબ માની રહ્યા છે.
સિંગર ચિન્મયી શ્રીપદા બોલી બાળકના પક્ષમાં
સોશ્યલ મીડિયામાં ઇશિત ભટ્ટને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે ત્યારે સિંગર ચિન્મયી શ્રીપદાએ બાળકના સપોર્ટમાં ટ્વીટ કર્યું છે. ચિન્મયીએ કહ્યું કે ‘ટ્વિટર એક વયસ્ક વ્યક્તિ છે જે પોતાના ટ્વીટમાં દસ વર્ષના બાળકને સૌથી વધારે ધિક્કારપાત્ર ગણાવે છે. આ ટ્રોલર્સનું જૂથ બહુ ખરાબ રીતે અપમાનજનક ભાષામાં ટ્રોલ કરી રહ્યું છે, પણ જ્યારે કફ સિરપથી બાળકો મૃત્યુ પામ્યાં હતાં ત્યારે તેમણે કંઈ કહ્યું નહોતું. એક બાળક પર આવો હુમલો આખી ઇકોસિસ્ટમ વિશે ઘણું કહે છે. આ ટ્રોલર્સ બુલિંગ કરનારાઓનું મોટું જૂથ છે.’