21 October, 2025 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કૌન બનેગા કરોડપતિ 17 જુનિયર’માં આવેલ પાંચમા ધોરણનો વિદ્યાર્થી ઇશિત ભટ્ટ
‘કૌન બનેગા કરોડપતિ 17 જુનિયર’માં આવેલા પાંચમા ધોરણના વિદ્યાર્થી ઇશિત ભટ્ટનું શો દરમ્યાન અમિતાભ બચ્ચન સાથેનું ગેરવર્તન ભારે ટીકાનું કારણ બન્યું હતું. હવે ઇશિતે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ગેરવર્તન બદલ અમિતાભ બચ્ચનની માફી માગી લીધી છે. ઇશિતે એક વિડિયો શૅર કરીને કહ્યું છે કે મને મારા આ વર્તનનો અફસોસ છે.
ઇશિત ભટ્ટે એપિસોડમાંથી અમિતાભ બચ્ચન સાથેના તેના વિડિયોની ક્લિપ શૅર કરીને લખ્યું છે, ‘બધાને નમસ્કાર, હું ‘કૌન બનેગા કરોડપતિ’ના મારા વ્યવહાર બદલ દિલથી માફી માગું છું. મને ખબર છે કે મારા બોલવાની રીતથી ઘણા લોકોને ઠેસ પહોંચી છે, દુઃખ થયું અને તેમનું અપમાન થયું. મને આનો ખૂબ અફસોસ છે. એ ક્ષણે હું ડરી ગયો હતો અને મારું વલણ એકદમ ખોટું હતું. મારો ઇરાદો અપમાનજનક વ્યવહાર કરવાનો નહોતો. હું અમિતાભ બચ્ચનસર અને સંપૂર્ણ ‘KBC’ ટીમનો ખૂબ આદર કરું છું.’
ઇશિત ભટ્ટે આગળ લખ્યું છે, ‘હું એક મોટો પાઠ ભણ્યો છું કે કેવી રીતે શબ્દો અને કાર્યો આપણી ઓળખ દર્શાવે છે. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું વધુ વિનમ્ર, આદરપૂર્ણ અને વિચારશીલ રહીશ. એ તમામ લોકોનો આભાર જેમણે મને સાથ આપ્યો અને મને આ ભૂલમાંથી શીખવાનો અવસર આપ્યો.’