25 June, 2025 02:20 PM IST | Mumbai | Ruchita Shah
ઍક્ટર લતા સભરવાલે સંજીવ સેઠ સાથેના પંદર વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકીને છૂટાછેડાની જાહેરાત
તાજેતરમાં જ ઍક્ટર લતા સભરવાલે સંજીવ સેઠ સાથેના પંદર વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકીને છૂટાછેડાની જાહેરાત કરી છે. આ સંબંધોનો એ તબક્કો જ્યારે એકબીજાની આદત પડી ગઈ હોય અથવા તો એકબીજાની ક્ષતિઓને અવગણવાનું જાણે સહજ થઈ ગયું હોય ત્યારે વળી એવું શું બને કે કપલ છૂટાં પડવાનું નક્કી કરે?
‘એક પ્રગાઢ મૌન પછી... હું જાહેરાત કરું છું કે હું (લતા સભરવાલ) મારા પતિ (સંજીવ સેઠ)થી છૂટી પડું છું. મને એક પ્રેમાળ દીકરો આપવા માટે હું તેના પ્રત્યે અનુગ્રહ વ્યક્ત કરું છું. ભવિષ્યમાં શ્રેષ્ઠ જીવન માટે હું તેને શુભેચ્છા પાઠવું છું.
બે દિવસ પહેલાં ટીવીની બેસ્ટ જોડી ગણાતાં લતા સભરવાલ અને સંજીવ સેઠના સંબંધ પર આ રીતે સોશ્યલ મીડિયા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. જે જોડીને આદર્શ જોડી ગણાતી, જેની લોકોને ઈર્ષ્યા થતી અને જેમના જેવા થવાની લોકો હિદાયત આપતા એ જોડીના બ્રેકઅપના ન્યુઝથી સોશ્યલ મીડિયા પણ ભારે અચંબાભરી કમેન્ટથી ગુંજી ઊઠ્યું. રિયલ લાઇફનાં પતિ-પત્નીએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં પણ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી જ તેમની જોડીને ભરપૂર લોકચાહના મળવી શરૂ થઈ હતી અને એટલે જ આ રીતે પંદર વર્ષના લગ્નજીવનમાં આવેલી તિરાડ ચર્ચાનો વિષય બની છે. જોકે આ કંઈ આવો પહેલો બનાવ નથી. આ પહેલાં પણ આવા કિસ્સાઓ આવ્યા જ છે. લગ્નજીવનમાં એકસાથે બાર-પંદર વર્ષનો સાથ તોડવાનો નિર્ણય અને એની પાછળનાં સંભવિત કારણો અને તેમની વચ્ચેના સંબંધમાં રહેલી હૂંફનું બાષ્પીભવન કઈ રીતે થઈ જતું હશે? ફૅમિલી કોર્ટમાં વર્ષો સુધી પ્રૅક્ટિસ કરી ચૂકેલા બે નિષ્ણાતો પાસેથી આ પ્રશ્નોના જવાબો જાણીએ.
હવે પ્રમાણ વધ્યું છે
લગ્ન ખૂબ જ ડેલિકેટ બાબત છે. એમાં પાંગરતા સંબંધોમાં ક્યારેક સમય સાથે પ્રેમ વધે તો ક્યારેક પ્રેમ એ સ્તર પર ઘટતો જાય કે એકબીજા સાથે ક્ષણ પસાર કરવી પણ દુષ્કર બની જાય. આ બન્ને અંતિમો ફૅમિલી કોર્ટમાં કાઉન્સેલર તરીકેની પોતાની બાવીસ વર્ષની પ્રૅક્ટિસમાં જોઈ ચૂકેલા અજિતકુમાર બિડવે કહે છે, ‘રેશિયોવાઇઝ આજે પણ પાંત્રીસ વર્ષની નીચેની ઉંમરનાં કપલ્સનું પ્રમાણ ડિવૉર્સ માટે વધારે છે, પરંતુ છેલ્લાં થોડાંક વર્ષમાં મિડલ એજ કપલમાં પણ આ પ્રમાણ વધ્યું છે. ઘણી વાર અમુક બાબતોને અવગણેલી રાખી હોય પરંતુ અંદરખાને એ ચિનગારી બનીને પીડા આપી રહી હોય અને એક દિવસ એ ચિનગારીથી મોટો ભડકો થાય. દસ-પંદર વર્ષ સુધી સહન કર્યું પણ હવે નહીં અને છોડવાનો નિર્ણય લે એવું ઘણી વાર બને છે.’
શું કામ વાર લાગી?
ધારો કે અનબન છે કે સ્વભાવ વિપરીત છે કે મતભેદો મોટા છે તો એનો નિર્ણય લેવામાં પંદર વર્ષ નીકળી જાય? જવાબમાં ફૅમિલી કોર્ટ બાર અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ, બૅરિસ્ટર અને સૉલિસિટર સાજન ઉમણ પોતાના પાંત્રીસ વર્ષના અનુભવના આધારે કહે છે, ‘ડિવૉર્સની કોઈ ઉંમર નથી. આજ સુધીમાં દરેક એજ-ગ્રુપના કેસ ડિવૉર્સ માટે આવ્યા છે. લગ્નના બીજા જ દિવસે ડિવૉર્સ લેવા નીકળેલાં કપલ્સ પણ છે તો લગ્નને ચાલીસ-પિસ્તાલીસ-પચાસ વર્ષ થઈ ગયાં હોય એવાં કપલ પણ ડિવૉર્સ માટે કોર્ટ સુધી પહોંચ્યાં છે. જોકે ડિવૉર્સનો નિર્ણય લેવામાં વિલંબ કેમ થાય એનાં કારણો કહેવાં હોય તો કહી શકાય કે સંબંધોમાં વૉલ્કેનો એટલે કે દાવાનળ જેવી સ્થિતિ હોય, અંદરથી બળી રહ્યાં છે પણ એ આગને દબાવ્યે રાખે, દબાવ્યે રાખે, દબાવ્યે રાખે પણ એક દિવસ એવો આવે કે એ ફાટે. ઘણી વાર લોકો સમય ખેંચે, કારણ કે પોતે એલીટ ક્લાસમાંથી હોય, જેમની આદર્શ કપલમાં ગણતરી થતી હોય અને જો તેઓ ડિવૉર્સ માટે આગળ આવે તો સમાજમાં આબરૂ જાય એના ડરને કારણે સમય ખેંચાઈ જાય, બાળકો હોય અને એમાંય દીકરી હોય ત્યારે તેનાં લગ્નમાં બ્રોકન ફૅમિલીને કારણે વાંધો આવશે એમ વિચારીને સંબંધોને ખેંચી કાઢે, ક્યારેક પ્રૉપર્ટી ઇશ્યુઝ હોય, ક્યારેક એવા કેસ પણ આવ્યા છે કે પોતે લવ-મૅરેજ કર્યાં છે અને એમાં પણ છૂટાં પડે તો પોતે ખોટી વ્યક્તિને પસંદ કરી એવું દુનિયા સામે સાબિત થાય એવું ન ઇચ્છતી વ્યક્તિ પણ શરૂઆતનાં વર્ષો ખેંચી કાઢે. કોઈક વાર એવું પણ હોય કે બન્નેમાંથી કોઈને ફરી સેટલ થવાની ઇચ્છા ન હોય એટલે સંબંધોમાં સત્ત્વ ન રહ્યું હોય છતાં ડિવૉર્સ માટે પણ ઉત્સુકતા ન હોય પરંતુ એક સમય પછી સહનશક્તિ પૂરી થાય અને વાત ડિવૉર્સ સુધી પહોંચી જ જાય.’
આવાં લગ્નોને બચાવી શકાય?
આ સવાલનો જવાબ હા અને ના બન્ને છે. પહેલાં સાજન ઉમણ પાસેથી તેમના અનુભવ પરથી જવાબ જાણીએ. તેઓ કહે છે, ‘આવા સંબંધો બચશે કે નહીં એમાં કેસ કેવા વકીલ પાસે ગયો છે એના પર વાત નિર્ભર કરે છે. મેં લગભગ સોથી દોઢસો કપલને ડિવૉર્સ લેતાં અટકાવ્યાં છે. એમાં વકીલનો અને જે-તે પાત્રના ફૅમિલી અને ફ્રેન્ડ્સની ઇન્ફ્લુઅન્સનો બહુ જ મોટો રોલ હોય છે. જો નજીવા કારણસર કંટાળીને ડિવૉર્સ લેતાં હોય તો તેમને રોકી શકાય છે. એક કિસ્સો કહું. એક કપલ આવેલું. હસબન્ડ-વાઇફ બન્ને સાથે જ હતાં. પહેલી નજરે મને લાગ્યું કે બહેન પોતાના બૉયફ્રેન્ડને લઈને આવ્યા હશે. પણ કૅબિનમાં કાઉન્સેલિંગ માટે આવ્યાં એટલે મેં પૂછ્યું કે તમે તમારા આ મિત્રની સામે જ બધું શૅર કરવા માગો છો? તો તે કહે, આ મારા હસબન્ડ જ છે. પછી તેમના પ્રશ્નો સાંભળ્યા જેમાં એક જ વાત કૉમન આવતી હતી કે હસબન્ડ મારો રિસ્પેક્ટ નથી કરતા અને
ક્યારેક-ક્યારેક મારા પર ગુસ્સે થઈ જાય છે, બહુ વર્ષ સહન કર્યું, હવે સહન નહીં થાય. ઍન્ગર ઇશ્યુનો પ્રશ્ન હતો. તેમની બધી જ વાત સાંભળ્યા પછી મેં કહ્યું કે ઓકે, તમને ડિવૉર્સ અપાવડાવી દઉં પણ પહેલાં બીજા કેટલાક કેસ વિશે કહું. એક કેસ છે જેમાં હસબન્ડ કમાતો નથી અને વાઇફ જ ઘર ચલાવે છે અને એટલે છૂટાછેડા લેવા માગે છે. બાય ચાન્સ તમને આવો હસબન્ડ નેક્સ્ટ રિલેશનશિપમાં મળી ગયો તો ચાલશે? સ્વાભાવિક રીતે બહેનનો જવાબ ‘ના’ હતો. બીજો એક કેસ કહ્યો : હસબન્ડ પર્ફેક્ટ છે, ખૂબ સારું કમાય છે, સારું ઘર પણ છે પરંતુ દારૂ પીધા પછી તેનો કન્ટ્રોલ નથી રહેતો અને એ સમયે વાઇફને અબ્યુઝ કરે છે; તમને આવો કોઈ હસબન્ડ મળી ગયો તો ચાલશે? તેનો જવાબ ના હતો. ત્રીજા કેસમાં હસબન્ડ દારૂ નથી પીતો, કમાય છે સારું પરંતુ તેનું કોઈકની સાથે અફેર ચાલે છે; તેની સાથે તે લગ્ન નહીં કરે અને વાઇફને છૂટાછેડા પણ નથી આપતો. તમને આવો હસબન્ડ ચાલશે? પેલાં બહેન ટેબલ પરથી ઊભા થઈ ગયાં અને કહ્યું, સૉરી સર, આમના ઍન્ગર ઇશ્યુનો અમે રસ્તો કાઢીશું પણ મારે છૂટાછેડા નથી લેવા. ક્યારેક આવા ઇમૅચ્યોર કેસ આવે જેમાં સમાધાન સંભવ હોય છે. ઘણી વાર નથી જ હોતું. ૭૫ વર્ષના એક ભાઈ છૂટાછેડા માટે આવ્યા જેમનો કેસ ખૂબ ચગ્યો હતો. અમે પૂછ્યું પણ કે હવે છૂટાછેડા લઈને શું મેળવી લેશો? ફરી લગ્ન કરશો? તો એ ભાઈ કહે કે ના, લગ્ન નહીં કરું પણ જો મારા જીવનમાં એક દિવસ પણ ફ્રીડમનો મળે તો મારે એ જીવવો છે.’
વધુ એક કમાલના કેસની વાત કરતાં સાજન ઉમણ કહે છે, ‘એક કપલે ડિવૉર્સ લીધા, જેનું મુખ્ય કારણ હતું હસબન્ડની મમ્મી. તેને પોતાની વહુ માટે કોઈ માન નહીં અને તેમના જ લીધે કપલ વચ્ચે કૉન્ફ્લિક્ટ વધી ગયા કે એક છત નીચે તેમના માટે રહેવું મુશ્કેલ થઈ ગયું. જોકે હસબન્ડનાં મમ્મી ગુજરી ગયાં અને વાઇફ તેમની અંતિમક્રિયામાં ગઈ. ફરી બન્ને વચ્ચે કનેક્શન બિલ્ડ થયું અને ફરી તેમણે એકબીજા સાથે જ લગ્ન કરી લીધાં. આવા પણ કેસ હોય છે.’
જો પત્નીએ નક્કી કર્યું તો...
આ જ સંદર્ભે અજિતકુમાર પોતાનું નિરીક્ષણ શૅર કરતાં કહે છે, ‘મિડલ એજમાં ડિવૉર્સ માટે જ્યારે કપલ આવે ત્યારે જો મહિલાએ કેસ દાખલ કર્યો હોય તો એમાં નવ્વાણું ટકા ડિવૉર્સ જ થાય. એમાં સમાધાન ન થાય કારણ કે તેમણે ખૂબ પ્રયાસો કરીને, બધા જ અખતરા કરીને સંબંધોને બચાવવાના પ્રયાસો કરી જ લીધા હોય; પણ પરિણામ ન મળ્યું હોય પછી આ છેલ્લો રસ્તો અપનાવ્યો હોય. છતાં કોઈક વાર એમાંથી પણ રસ્તો નીકળતો હોય છે. જેમ કે એક કપલ આવેલું મારી પાસે. તેમની દીકરી ટ્વેલ્થમાં ભણતી હતી. હસબન્ડનો નાનકડો બિઝનેસ હતો પરંતુ તે તેના કામને લઈને ગંભીર નહોતો એટલે ઘણી વાર નુકસાન કરી લીધું. અચાનક વાઇફ પર બધી જવાબદારી આવી જતી. હસબન્ડ આર્થિક બાબતમાં રિલાયેબલ નથી એ વાતને પુરવાર કરતા ઘણા બનાવો બની ગયા પછી વાઇફે ડિવૉર્સ માટે કેસ દાખલ કર્યો. કાઉન્સેલિંગ માટે મારી પાસે આવ્યાં. શરૂઆતમાં ખૂબ ચડચાચડસી થઈ પણ પછી આખો મામલો સમજાયો એટલે મેં તેમની બારમા ધોરણમાં ભણતી દીકરી સાથે વાત કરી. તેની પાસેથી ખબર પડી કે બન્ને કપલ વચ્ચે અધરવાઇઝ પ્રેમ છે અને તે પણ ઇચ્છતી નથી તેમના છૂટાછેડા થાય. તેની સહાયથી બધું જ જાણ્યા પછી હસબન્ડને એકલાને બોલાવીને તેની આર્થિક બાબતોને લઈને અનિશ્ચિતતાભર્યા વ્યવહારને લઈને તેને થોડોક ધમકાવ્યો. વાઇફને દીકરીની શાખ આપીને એક ચાન્સ આપવાની અને ત્રણ મહિનાની મુદત આપી. ત્રણ મહિના પછી વાઇફે જ કહ્યું કે હજી થોડો સમય આપો. લગભગ નવ મહિનામાં હસબન્ડમાં બહુ જ ચેન્જ જોઈને વાઇફે કહ્યું કે હવે ડિવૉર્સ નથી જોઈતા. પણ આવા બીજા એક કપલમાં જેઓ બન્ને એજ્યુકેટેડ, સારી જૉબ કરે અને નક્કી કહી શકાય એવો કોઈ પ્રૉબ્લેમ બન્ને વચ્ચે નહોતો પરંતુ એ પછી પણ જ્યારે તેમને રીથિન્ક કરવાનું કહ્યું તો તેમને એ મંજૂર નહોતું. મારા કહેવાથી કેટલાક ડિફરન્સિસ ઘટ્યા અને તેમણે ટ્રાય કરી પણ તેમનો નિર્ણય અકબંધ રહ્યો. અફકોર્સ, તેમની વચ્ચેની કડવાશ ઘટી ગઈ અને મૈત્રીપૂર્ણ રીતે તેમણે છૂટાછેડા લીધા. ટૂંકમાં આ અતિશય સબ્જેક્ટિવ મૅટર પણ છે.’
બાળકો હોય અને એમાંય દીકરી હોય ત્યારે તેનાં લગ્નમાં બ્રોકન ફૅમિલીને કારણે વાંધો આવશે એમ વિચારીને સંબંધોને ખેંચી કાઢે, ક્યારેક પ્રૉપર્ટી ઇશ્યુઝ હોય, ક્યારેક પોતે લવ-મૅરેજ કર્યાં છે અને એમાં પણ છૂટાં પડે તો પોતે ખોટી વ્યક્તિને પસંદ કરી એવું દુનિયા સામે સાબિત થશે એ ડરથી વર્ષો ખેંચી કાઢે.
- સાજન ઉમણ, ઍડ્વોકેટ
છેલ્લાં થોડાંક વર્ષમાં મિડલ એજ કપલમાં પણ આ પ્રમાણ વધ્યું છે. ઘણી વાર અમુક બાબતોને અવગણેલી રાખી હોય પરંતુ અંદરખાને એ ચિનગારી બનીને પીડા આપી રહી હોય અને એક દિવસ એ ચિનગારીથી મોટો ભડકો થાય. દસ-પંદર વર્ષ સુધી સહન કર્યું પણ હવે નહીં અને છોડવાનો નિર્ણય લે એવું ઘણી વાર બને છે.
- અજિતકુમાર બિડવે, કાઉન્સેલર
લગ્નજીવન સુખી રહે એના પાંચ પાયાના નિયમો
અત્યાર સુધીનાં તૂટતાં લગ્નોની સમસ્યાના મૂળને નજીકથી જોયા પછી ૩૫ વર્ષના અનુભવના આધારે ઍડ્વોકેટ સાજન ઉમણ લગ્નજીવનની પાંચ મહત્ત્વની બાબતો વિશે વાત કરતાં કહે છે, ‘કોઈ પણ લગ્નના મૂળમાં કપલ વચ્ચેનાં ફિઝિકલ રિલેશન કેટલાં સ્ટ્રૉન્ગ છે એ બાબત ખૂબ મહત્ત્વનું પાસું મનાય છે. હા, ખૂબ સત્ય કહું છું. આ વાતને ટૅબૂ તરીકે જોવાની જરૂર નથી. કામના બોજ હેઠળ અથવા વર્ષોના સાથ પછી જો એકબીજા પ્રત્યેનું ઍટ્રૅક્શન ઓસરી ગયું હોય અને એના માટેના કોઈ પ્રયાસો બન્ને બાજુથી ન થયા હોય અને ધીમે-ધીમે ફિઝિકલ કનેક્શન તૂટે તો એ સંબંધને તૂટતાં પણ વાર નહીં લાગે. કેટલીક વાર તેઓ ડિવૉર્સ માટે કોર્ટ સુધી પહોંચશે તો કેટલીક વાર મેન્ટલ ડિવૉર્સ સાથે માત્ર દેખાડા પૂરતા સાથે રહેશે. લગ્નનો સૌથી સ્ટ્રૉન્ગ પાયો શારીરિક સંબંધ છે એ વાત દરેક કપલે યાદ રાખવી જ જોઈએ. એના પછી આવે છે ઇમોશનલ કનેક્ટ. એકબીજા પ્રત્યે ઇમોશનલી કનેક્શન અકબંધ રહે અને વાતોનું શૅરિંગ થાય અને ઇમોશનલ ડિપેન્ડન્સી પણ બની રહે એ લગ્નજીવનમાં જરૂરી છે. જોકે એમાં પણ પહેલાં ફિઝિકલ રિલેશનમાં બન્નેની જરૂરિયાતનું પૂરતું પોષણ થાય એની ભૂમિકા મહત્ત્વની રહેશે. એ પછી ત્રીજા નંબરે આર્થિક સધ્ધરતા અને સહયોગ આવે જે પણ લગ્નજીવનમાં મહત્ત્વપૂર્ણ હોય છે. ચોથા નંબરે સોશ્યલ કમ્પૅટિબિલિટી. તમે એકબીજાને સોશ્યલી કૉમ્પ્લીમેન્ટ કરી શકો એ રીતે રહેતાં હો અને છેલ્લે ફૅમિલી ફુલફિલમેન્ટ. એટલે કે અંતે તમારા બન્નેમાં પરિવારભાવના હોય. સંતાનો કે પેરન્ટ્સને કારણે સ્નેહના બંધનથી તમે બન્ને જોડાયેલાં હો એ પણ લગ્નજીવનમાં મહત્ત્વનું છે. આજે થયું છે એ કે એકબીજા સાથે કપલ ઓછો સમય પસાર કરે છે. વર્ષો પસાર થાય એમ શારીરિક ઍટ્રૅક્શન ઘટે અને સામે પોતે જ્યાં સમય પસાર કરતાં હોય ત્યાં સ્ત્રી અને પુરુષ એમ બન્ને જ ઇમોશનલ શેલ્ટર ગોતી લેતાં હોય છે. ફિઝિકલ નીડ અધૂરી રહી, ઇમોશનલ ડિપેન્ડન્સી જતી રહી એટલે બાકીની બાબતો પણ લાંબો સમય ઠેકાણે રહી શકતી નથી.’