26 October, 2026 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય ભાનુશાલીએ માહી વિજને આપ્યો સધિયારો
રિયલિટી શો ‘બિગ બૉસ 20’ના તાજેતરના એપિસોડમાં ટીવી-ઍક્ટ્રેસ માહી વિજ પોતાના ભૂતપૂર્વ પતિ જય ભાનુશાલી સાથે જોડાયેલા ભરણપોષણના મુદ્દા વિશે વાત કરતી વખતે ઇમોશનલ થઈ ગઈ હતી. માહીને કોર્ટમાં છૂટાછેડા વખતે બનેલી ઘટનાઓ યાદ આવી જતાં તે રડી પડી હતી. માહીએ શોમાં જણાવ્યું હતું કે છૂટાછેડા વખતે તેણે ભરણપોષણની રકમ લેવાનો ઇનકાર કર્યો હતો.
‘બિગ બૉસ 20’ના એક એપિસોડમાં માહી વિજે સિંગલ મધર તરીકેની પોતાની સફર, ભરણપોષણની રકમ ન લેવાના નિર્ણય અને પોતાની દીકરીનું ભવિષ્ય જાતે ઘડવાના ઇરાદા વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘ન્યાયાધીશે મને ચાર વખત ભરણપોષણની રકમ સ્વીકારવા વિશે પૂછ્યું હતું, પણ મેં દર વખતે ઇનકાર કર્યો હતો. હું જાણતી હતી જયે આ પૈસા પોતાની સખત મહેનતથી કમાયા હતા અને તેની પાસેથી આ રકમ લેવાનું યોગ્ય નથી.’
હવે આ મામલે જય ભાનુશાલીએ પ્રતિક્રિયા આપી છે અને પોતાની ભૂતપૂર્વ પત્ની માહી વિજને સપોર્ટ આપ્યો છે. જય ભાનુશાલીએ માહીને ટેકો આપતાં સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે ‘મજબૂત રહેજે માહી. આપણે બન્ને જાણીએ છીએ કે મુશ્કેલ સમયમાં આપણે હંમેશાં એકબીજાની સાથે રહીશું. પૈસા ક્યારેય આપણી વચ્ચે નહોતા અને ભવિષ્યમાં પણ નહીં આવે. તું અને દીકરી તારા જીવનભર મારી જવાબદારી રહેશો. લગ્નસંબંધનું સ્ટેટસ તમારા બન્ને પ્રત્યેના મારા પ્રેમ અને સન્માનને ક્યારેય બદલી શકશે નહીં. હું હંમેશાં તમારી સાથે છું.’