03 May, 2025 05:27 PM IST | Mumbai | Jigisha Jain
પૂજા ગોરનો ભાઈ નમન ગોર પણ ઍક્ટર છે, તેણે ઘણી ગુજરાતી મૂવીઝ કરી છે.
આજે પણ પ્રતિજ્ઞાના નામે ઘરે-ઘરે ઓળખાતી અમદાવાદની ગુજરાતી ઍક્ટર પૂજા ગોર હાલમાં ઘણી જુદી-જુદી વેબ-સિરીઝ કરી રહી છે. ૩૩ વર્ષની ઉંમરે તેને લાગે છે કે લગ્ન તો કરવાં જ છે પણ બિલોરી કાચ લઈને વર શોધવા તે નથી નીકળવાની. તેનું માનવું છે કે વ્યક્તિના વિચારો અને વૅલ્યુઝ સરખાં હોય એટલું ઘણું છે, જેના માટે ઇન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ જ ગોતવી પડશે
સ્ટાર પ્લસનો બહુચર્ચિત શો ‘પ્રતિજ્ઞા’. શૂટિંગના એક દિવસની ઘટના - શોની લીડ હિરોઇન પૂજા ગોર સવારથી ખૂબ જ ચીડચીડી બની ગઈ હતી. રાતની માંડ ૪ કલાકની ઊંઘ તેને મળી હતી. સ્પેશ્યલ સીક્વન્સ ચાલતી હતી એટલે છેલ્લા ૭૨ કલાકથી તે સતત શૂટિંગ જ કરી રહી હતી. તેનું મગજ થાકી ગયું હતું અને શરીર આખું અકડાઈ ગયેલું. આંખો સૂજી ગયેલી પણ મેકઅપથી એને ઠીક કરી હતી. પૂજા શૂટ માટે એકદમ તૈયાર હતી ત્યારે સેટ પર કૅમેરામાં કોઈ ટેક્નિકલ પ્રૉબ્લેમ આવી ગયો. તાત્કાલિક બીજો કૅમેરા મગાવ્યો પણ એને આવતાં હજી સમય લાગે એમ હતું. શૂટ નાહક જ અટકી ગયું. સામાન્ય પરિસ્થિતિમાં પૂજાને આ બાબતે કોઈ તકલીફ ન થઈ હોત, પરંતુ એ દિવસે તેનો પિત્તો ખોઈ બેઠી : શા માટે આ લાઇનમાં આવી? કરો હજી ટીવીના શોઝ. ગાંડા જેવી મહેનત કર્યા કરવાની આમાં. એવા કામનો શું ફાયદો જેમાં માણસને ઊંઘ પણ નસીબ ન હોય. પહેલાં કહ્યું હોત તો એક કલાક અહીં જ સૂઈ જાત. મેકઅપ અને કૉસ્ચ્યુમ બધું થઈ ગયા પછી માણસ સૂવે પણ કઈ રીતે?
કોઈ ઑપ્શન નહોતો એટલે મનમાં જ બડબડાટ કરતાં-કરતાં તેણે AC ૧૮ પર કર્યું અને એની સામે ખુરસી ગોઠવી બેસી ગઈ અને ફોન ચેક કરવા લાગી. દરરોજની જેમ ઘણીબધી ફૅન-મેઇલ્સ હતી. તે કોશિશ કરતી કે બધી એક વાર વાંચી તો જાય. એક પછી એક મેઇલ ખોલી અને વાંચવા લાગી. ઘણા લોકોએ તેની સુંદરતાનાં તો ઘણા લોકોએ તેની ઍક્ટિંગનાં ભરી-ભરીને વખાણ કર્યાં હતાં. પણ એક મેઇલ ખૂબ લાંબી હતી, જેમાં સંબોધન હતું ડિયર પ્રતિજ્ઞા. અને પહેલું જ વાક્ય હતું કે અમારું જીવન બચાવવા અને બદલાવવા બદલ તને થૅન્ક યુ. આગળ મેઇલમાં કમલા નામની એક સ્ત્રીએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે મારાં સાસરિયાં મને ખૂબ ત્રાસ આપે છે. તે પહેલાં પણ બે વાર પ્રેગ્નન્ટ થઈ હતી પણ તેને ત્યાં ગર્ભ પરીક્ષણ કરાવીને જોવાયું કે બાળકી જન્મવાની છે તો એ પહેલાં જ તેનાં જબરદસ્તી અબૉર્શન કરાવી દીધાં.
કમલાએ લખ્યું હતું કે ‘મેં મારી રીતે વિરોધ કર્યો પણ મારી એક ન ચાલવા દીધી. છેલ્લા છ મહિનાથી હું તમારો શો જોઈ રહી છું. તમે જે રીતે બુરાઈ સામે લડો છો, હિંમત દાખવો છો એ જોઈને મને સમજાય છે કે ચૂપ રહીને સહન કરવું એક ભૂલ છે.’
એ સ્ત્રી ત્યારે ત્રીજી વાર ગર્ભવતી થઈ. પરીક્ષણમાં આવ્યું કે બાળકી છે તો ગર્ભપાત થઈ જાય એટલે તેને સીડી પરથી ધક્કો મારી દેવામાં આવ્યો. તેનામાં કોઈ હિંમત નહોતી. તેણે મેઇલમાં લખ્યું હતું કે ‘તમે મને ઘણી હિંમત આપી. હું સીધી પોલીસ પાસે ગઈ. તેમની મને મદદ મળી. તેમના વિરુદ્ધ મેં કેસ કર્યો. મારા પિયરવાળા પણ મારી સાથે નહોતા. એક સમાજસેવી સંસ્થાએ મારો સાથ આપ્યો. એક મહિના પહેલાં મેં મારી બાળકીને જન્મ આપ્યો. તે એકદમ સ્વસ્થ છે. તેનું નામ મેં પ્રતિજ્ઞા રાખ્યું છે. મોટી થઈને તે એકદમ તમારા જેવી બને એવી મારી ઇચ્છા છે.’
આ મેઇલ સાથે એ બન્ને મા-દીકરીનો ફોટો જોડેલો હતો. મેકઅપની પરવા કર્યા વગર પૂજાનાં આંસુ સરી પડ્યાં. ત્યાં જ પ્રોડક્શનવાળો આવ્યો અને તેણે કહ્યું, ‘મૅડમ, હજી બે કલાક રાહ જોવી પડશે.’ ત્યારે પૂજાએ હસતા મોઢે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. રાત્રે બે કલાક વધુ કામ કરી લઈશું. ડોન્ટ વરી.’
પૂજા ગોર સાથે જલદી ફાઇવ
કઈ વાતનો ડર છે?
હું ૩૩ વર્ષની છું. આ ઉંમરમાં દરેક બાળક તેનાં માતા-પિતાને વૃદ્ધ થતાં જુએ છે અને ત્યાંથી તેનો ડર શરૂ થાય છે. જે દુનિયામાં તમને સૌથી વધુ પ્રેમ કરે છે એવાં તમારાં માતા-પિતા તમને છોડીને જતાં તો નહીં રહે એ વાતનો ડર દરેક બાળકની જેમ મને પણ છે.
શેનો શોખ છે?
મને પેઇન્ટિંગ કરવું ખૂબ ગમે છે. હું નાનપણથી એ કરતી, પરંતુ મોટા થતાં છૂટી ગયું. એ ફરી કોરોના વખતે મેં શરૂ કર્યું. હવે જેવો સમય મળે હું પેઇન્ટિંગ કરવા બેસી જાઉં છું. એ મારા માટે મેડિટેશન જેવું છે.
એક વસ્તુ જે તમને કરવી જ છે એ શું?
સોલો ટ્રાવેલિંગ. અને કોઈ દેશ એકલા ફરવા જવું છે. આજ સુધી મેં એવું કર્યું નથી એટલે એની થ્રિલ જુદી છે. ખાસ કરીને ભુતાન ફરવાની મને ખૂબ ઇચ્છા છે. વહેલી તકે ત્યાં ફરવા જઈશ એ નક્કી.
કોઈ અફસોસ ખરો?
હું દરેક ક્ષણને જીવી લેવામાં માનું છું એટલે ક્યારેય અફસોસ નથી કરતી. જે વસ્તુ માટે પ્રયત્ન પણ નહોતો કર્યો એ કામ સામે ચાલીને મારી પાસે આવ્યું. એનાથી વધુ હું જીવન પાસે શું માગી શકું?
બકેટ-લિસ્ટ શું છે?
મને જીવનમાં ઘણું-ઘણું કરવું છે. સમાજ માટે કામ કરવું છે. મને જે કંઈ મળ્યું છે એ બીજામાં વહેંચવું છે. એક કમ્યુનિટી બિલ્ડ કરવી છે. ખૂબ જ જુદા-જુદા રોલ્સ કરવા છે. ઍડ્વેન્ચર બધાં જ ટ્રાય કરવાં છે. નવા-નવા લોકોને મળવું છે. તેમની પાસેથી જીવનને વધુ સારી રીતે સમજવું છે. ૩૩ વર્ષના જીવનમાં જે કંઈ નથી કર્યું એ બધું જ કરી લેવું છે.
એ દિવસને યાદ કરીને પૂજા ‘મિડ-ડે’ને કહે છે, ‘હું સમજતી હતી કે અમારું કામ લોકોને એન્ટરટેઇન કરવાનું છે, પણ એ ફક્ત એન્ટરટેઇનમેન્ટ પૂરતું સીમિત નથી, આ એક મોટી જવાબદારી છે. એની સમજ ફક્ત ૨૦ વર્ષની ઉંમરે મને આ બનાવ દ્વારા મળી.’
શરૂઆત કેવી રીતે?
અમદાવાદમાં BComના પહેલા વર્ષમાં ભણી રહેલી પૂજાને દૂર-દૂર સુધી ઍક્ટિંગ સાથે કઈ લેવા-દેવા નહોતા. પપ્પા ONGCમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા અને મમ્મી હાઉસવાઇફ. પણ મમ્મીએ વોકલમાં વિશારદ કરેલું અને એ સમયે અમદાવાદમાં સુગમ સંગીતના ગ્રુપ સાથે જોડાયેલાં હતાં. પૂજાની ફેસબુક પ્રોફાઇલ જોઈને સામેથી બાલાજી ટેલિફિલ્મ્સે તેની પાસે એક ઑડિશન કરાવ્યું હતું. એ દિવસો યાદ કરતાં પૂજા કહે છે, ‘અમારા ઘરે ‘ક્યૂં કિ સાસ ભી કભી બહૂ થી’, ‘કહાની ઘર-ઘર કી’, ‘કહીં કિસી રોઝ’, ‘કુસુમ’, ‘કહીં તો હોગા’ જેવી જ સિરિયલો જોવાતી પરંતુ હું એમાં કામ કરી શકું છું એવો કોઈ વિચાર નહોતો. જ્યારે ઑડિશન માટે મને અપ્રોચ કરવામાં આવી ત્યારે પણ મને થયેલું કે આ તો કંઈ પણ હમ્બગ લાગે છે. છતાં રિસ્ક લેવા નહોતી માગતી એટલે તેમણે જે મને કહ્યું હતું એવું એક ઑડિશન ઘરે જ શૂટ કરીને મેં તેમને મોકલ્યું એટલે તેમણે આગળના ઑડિશન માટે અમને મુંબઈ બોલાવ્યા. હું અને પપ્પા મુંબઈ આવ્યા. અહીં ઑડિશન આપ્યું અને મને તરત સિલેક્ટ કરી લીધી તેમણે.’
શું-શું કર્યું?
‘કિતની મોહબ્બત હૈ’ સિરિયલથી પૂજાએ શરૂઆત કરી. એ પછી થોડા જ મહિનાઓની અંદર તેને ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ શો મળ્યો જેણે તેને ખૂબ નામના આપાવી. આ સિવાય ‘માયકે સે બાંધી ડોર’, ‘વી-ધ સિરિયલ’, ‘એક થી નાયિકા’, ‘લાખોં મેં એક’, ‘યે હૈ આશિકી’, ‘મુઝે પંખ દે દો’, ‘એક નયી ઉમ્મીદ-રોશની’, ‘પ્યાર તૂને ક્યા કિયા’ જેવી ઘણી સિરિયલો કરી. આ સિવાય ‘બિગ બૉસ-6’, ‘સપના બાબુલ કા બિદાઈ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવા શોઝમાં તેણે મહેમાન કલાકાર તરીકે પણ કામ કર્યું. ‘સાવધાન ઇન્ડિયા’માં તેના કામને ઘણું વખાણવામાં આવ્યું હતું અને ‘ફિયર ફૅક્ટર - ખતરોં કે ખિલાડી’ની પાંચમી સીઝનમાં તેણે ભાગ લીધો હતો. આમ ટીવી પૂજાનું કાર્યક્ષેત્ર રહ્યું હતું જેમાં તેણે ૨૦૦૯થી ૨૦૧૬ સુધી સતત કામ કર્યું.
૨૦૧૬માં ‘ગ્રાસ ઇઝ ગ્રીનર ઑન ધ અધર સાઇડ’ નામની સિરીઝથી તેણે OTTની વેબ- સિરીઝની દુનિયામાં પગ મૂક્યો. એ પછી ૨૦૧૯માં ‘ધ વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’, ૨૦૨૦માં ‘શ્રીકાંત બશીર’, ૨૦૨૩માં ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ અને ૨૦૨૪માં ‘IC 814- ધ કંદહાર હાઇજૅક’માં તેનાં જુદાં-જુદાં પાત્રોને લોકોએ ખૂબ વખાણ્યાં. આ મહિને સોની લિવ પર ‘અદૃશ્યમ ટૂ-ધ ઇન્વિઝિબલ હીરોઝ’ રિલીઝ થઈ હતી, જેમાં તેના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મોની વાત કરીએ તો ૨૦૧૮માં પૂજાએ અભિષેક કપૂરની સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતવાળી ફિલ્મ ‘કેદારનાથ’ કરી હતી.
સ્ટેજ-ફિયર
તમારા વિશે લોકોને ખ્યાલ ન હોય એવી કોઈ વાત ખરી? એનો જવાબ આપતાં પૂજા કહે છે, ‘નાનપણથી હું ખૂબ જ શરમાળ પ્રકૃતિની હતી. મને સ્ટેજ પર જતાં ખૂબ ડર લાગતો. મને જોઈને કોઈને ખબર નથી પડતી, પણ ચારે તરફથી લોકો મને જોતા હોય એ વિચાર જ મને અંદરથી ખૂબ કૉન્શિયસ કરી દે છે. આજે પણ એ સ્ટેજ-ફિયર એવો ને એવો જ છે. કોઈએ મને જ્યારે સ્ટેજ પર કે બધાની વચ્ચે આત્મવિશ્વાસ સાથે બોલતા જોઈ હોય તો સમજવું પડે કે મેં ખૂબ-ખૂબ તૈયારી કરી છે, પછી જ હું આ કરી શકી છું.’
નાનપણની એવી કઈ ક્વૉલિટી છે તમારી અંદર જે તમને એક ઍક્ટર તરીકે ખૂબ કામ લાગે છે? એ વાતનો જવાબ આપતાં પૂજા કહે છે, ‘હું અત્યંત સિન્સિયર સ્ટુડન્ટ હતી. મને જેમ ટીચર્સ કહેતા એમ જ હું કરતી. મારા પપ્પાનો પડ્યો બોલ ઝીલતી. ખૂબ ડાહી દીકરી. એક ઍક્ટરમાં એ હોવું જોઈએ. તમને ડિરેક્ટર જે કહે એ કરતાં તમને આવડવું જોઈએ. બીજું એ કે નવું-નવું અને હટકે કરવાનો મને નાનપણથી શોખ જે અત્યારે પણ મારા કામમાં તમે જોઈ શકો છો. હવે તો ભગવાનની કૃપાથી જે પ્રકારનું કામ ભવિષ્યમાં તમારી સામે આવવાનું છે એ જોઈને તમે કહેશો કે વાહ, પૂજા આ પણ કરી શકે છે. મને મારા કામથી અત્યંત પ્રેમ છે. પૈસા, ફેમ બન્ને એક ઍક્ટરના જીવનમાં મહત્ત્વનાં છે, એનું પોતાનું સ્થાન છે; પણ મારા માટે આ બન્ને વસ્તુથી ઉપર છે કામ. સારું કામ કરવું એ જીવનની સૌથી મોટી પ્રાથમિકતા છે.’
લગ્નના પ્લાન
પૂજા એક સંબંધમાંથી બહાર આવી એને ચાર વર્ષ થઈ ગયાં. એ પછી તેનું નામ કોઈ સાથે જોડાયું નથી. લગ્ન તેના પ્લાનિંગમાં સ્થાન ધરાવે છે કે નહીં એ પ્રશ્નનો જવાબ આપતાં પૂજા કહે છે, ‘ચોક્કસ. લગ્ન તો કરવાં જ છે, પણ એ નિર્ણય મેં હવે સમય પર છોડ્યો છે. જ્યારે એવું યોગ્ય પાત્ર મળશે ત્યારે ચોક્કસ કરીશ. એ નક્કી છે કે તે મારી ઇન્ડસ્ટ્રીનું ન હોવું જોઈએ. આજની જનરેશનની જેમ મારું કોઈ ચેકલિસ્ટ નથી કે હું કોઈ બિલોરી કાચ લઈને તેને શોધવા નથી નીકળવાની. તમારા વિચારો અને વૅલ્યુઝ એકબીજા સાથે મળે એટલું પૂરતું છે. છોકરીઓને જીવનસાથી શોધવાની ઘણી ટ્રેઇનિંગ આપવામાં આવે છે પણ આપણે ત્યાં ખુદને શોધવાની વાત કોઈ નથી કરતું. જીવનસાથીની શોધ કરતાં ખુદની શોધ વધુ મહત્ત્વની છે, જે હું અત્યારે કરી રહી છું. ખુદને પામી જઈશ પછી બીજાને પામવાની વાત.’