17 May, 2025 11:44 AM IST | Mumbai | Kajal Rampariya
હસબન્ડ ઉમેશ શુક્લ અને દીકરા મૌનિક સાથે રિદ્ધિ.
ગુજરાતી રંગભૂમિ પર રિદ્ધિ નાયક શુક્લ એક જાણીતું નામ છે, પણ થોડા વખત પહેલાં ‘માધુરી દીક્ષિત’ નાટક આવ્યું ત્યારે તેને એટલી પૉપ્યુલૅરિટી મળી કે ન પૂછો વાત. ઑલમોસ્ટ બે દાયકાની થવા આવેલી ઍક્ટિંગ કરીઅરમાં રિદ્ધિ માટે આ નાટક સૌથી મોટી હાઇલાઇટ બની ગયું. કરીઅર અને પર્સનલ લાઇફને બૅલૅન્સ કરીને ચાલતી રિદ્ધિ નાટકના બૅકગ્રાઉન્ડમાંથી જ આવતી હોવાથી રંગભૂમિમાં પ્રવેશવા માટે તેને વધુ સંઘર્ષ કરવાની જરૂર પડી નથી. તેણે નાટકોની સાથે અઢળક હિન્દી ટીવી-સિરિયલો અને ઍડ-ફિલ્મ્સમાં બૉલીવુડના કલાકારો સાથે કામ કર્યું છે.
પહેલું નાટક કેમ ભુલાય?
બોરીવલીમાં રહેતી ૩૯ વર્ષની રિદ્ધિ તેની જર્ની વિશે કહે છે, ‘હું થિયેટર ફૅમિલીમાંથી આવું છું. મારાં નાના, નાની, મામા અને પપ્પા થિયેટર કરતાં હતાં. તેમને જોઈને મને પણ આ લાઇનમાં આવવાનો રસ જાગ્યો. તેમની જેમ કામ કરીને મને પણ એવું લાગ્યું કે મારે લોકોને મનોરંજન પૂરું પાડવું છે. લોકો આપણા કામને જોઈને પોતાનું સ્ટ્રેસ ભૂલી જાય અને આપણા કામનાં વખાણ કરે એ દરેક કલાકારનું સપનું હોય છે અને એ સપનું મેં પણ સેવ્યું હતું. કારકિર્દીની શરૂઆત થાય ત્યારે એ સમયે મળેલું પહેલું કામ લાઇફલૉન્ગ સ્પેશ્યલ રહે છે અને મને મળેલું પહેલું નાટક ‘બોલો કોના બાપની દિવાળી’ પણ મારા માટે હંમેશાં સ્પેશ્યલ રહેશે, કારણ કે આ નાટક મેં મારા મામા જયદીપ શાહ અને પપ્પા પ્રવીણ નાયક સાથે કર્યું હતું. આ નાટક ૨૦૦૪માં આવ્યું હતું. એ સમયે મારી કૉલેજ પૂરી થવા આવી હતી અને મેં નાટકમાં શરૂઆત કરી. મારી અને પપ્પાની સ્ટેજ પર કેમિસ્ટ્રી એટલી જામી ગઈ હતી કે દર્શકોને જોવાની અને માણવાની મજા આવતી હતી. એ સમયે મારી ઉંમર ૨૦થી ૨૧ વર્ષ હશે. મારા થિયેટર-પ્રવેશથી ઘરમાં કોઈને જ પ્રૉબ્લેમ નહોતો, પણ મારાં મમ્મીનો એવો આગ્રહ હતો કે પહેલાં ભણતર પૂરું કરો, પછી જે કરવું હોય એ કરો. મેં તેમની વાત માની. શરૂઆતમાં તો હું પાર્ટટાઇમ જ કરતી, પણ મારી કન્સિસ્ટન્સી હોવાથી થોડા સમયમાં નાટકોની ઑફર મળવા લાગી.’
સિરિયલોમાં પણ સફળ
વિલે પાર્લેની એન. એમ. કૉલેજમાંથી BCom થયેલી રિદ્ધિ તેની કૉલેજમાં થતી ડ્રામાની ઇન્ટરકૉલેજ કૉમ્પિટિશનમાં ભાગ લેતી હતી. એક પછી એક નાટકોમાં કામ કરી રહેલી રિદ્ધિની ગાડી સ્મૂધ ચાલી રહી હતી ત્યારે ૨૦૦૭માં એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલ્સ માટે ઑડિશન ચાલી રહ્યાં હતાં. તેથી નાટકો ઉપરાંત ટીવી-ઇન્ડસ્ટ્રીને અજમાવી લેવાની ઇચ્છા જાગી. તેણે ઑડિશન આપ્યાં અને તરત જ સિલેક્શન થયું. ‘કસ્તુરી’, ‘કસમ સે’, ‘બંદિની’ અને ‘કરમ અપના અપના’ જેવી સિરિયલોમાં કામ કર્યું. પછી પાંચ વર્ષનો બ્રેક લીધા બાદ ૨૦૧૪માં જે.ડી. મજીઠિયાના પ્રોડક્શન હેઠળ બનેલી ‘ખિડકી’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી. કોરોનાકાળ દરમિયાન એટલે કે ૨૦૨૧માં ‘બાલિકા વધૂ સીઝન ટૂ’ સિરિયલમાં આનંદીની મમ્મીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી. અત્યારે તે ‘વાગલે કી દુનિયા’માં યામિની દક્ષેશ જોશીપુરાનું પાત્ર ભજવી રહી છે અને સાથે નાટકોના શો પણ કરી રહી છે.
વો પહેલી બાર જબ હમ મિલે
વિખ્યાત નાટ્યલેખક અને નાટ્યસર્જક તથા બૉલીવુડની ‘102 નૉટ આઉટ’ અને ‘ઓહ માય ગૉડ’ જેવી ફિલ્મોના દિગ્દર્શક ઉમેશ શુક્લ સાથે રિદ્ધિએ ૨૦૧૧માં પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. નાટક પ્રત્યેના પ્રેમને કારણે તેમના જીવનમાં આવેલા પ્રેમ વિશે કહે છે, ‘થિયેટરે મને બહુ આપ્યું છે. નાટકે મને મારો જીવનસાથી આપ્યો. હું જ્યારે ‘બોલો કોના બાપની દિવાળી’ નાટક કરી રહી હતી ત્યારે નાટક જોવા સુરતના ઍક્ટર કુકુલ તારમાસ્ટર આવ્યા હતા. એ વખતે ‘ડાહ્યાભાઈ દોઢડાહ્યા’ નાટકનું કાસ્ટિંગ ચાલી રહ્યું હતું. તેમણે મને એક પાત્ર માટે ઑડિશન આપવાનું કહ્યું. ટીવીમાં જેઠાલાલના કૅરૅક્ટરથી જાણીતા બનેલા દિલીપ જોશી અને હેમંત ઠક્કર ત્યાં બેઠા હતા અને ઉમેશે લખેલી સ્ક્રિપ્ટ વાંચીને મેં ઑડિશન આપ્યું અને તરત જ સિલેક્ટ થઈ ગઈ. આ નાટકમાં ઘણા મોટા કલાકારો હતા ત્યારે મને એવી ફીલિંગ આવી ગઈ કે જેમ મલ્ટિસ્ટારર ફિલ્મ હોય એમ મલ્ટિસ્ટારર નાટકમાં કામ કરી રહી છું. આ નાટકમાં દિલીપ જોશી ઉપરાંત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરિયા, બાપુજીનો રોલ કરતા અમિત ભટ્ટ ઉપરાંત ઉમેશ શુક્લ હતા. આ નાટકના માધ્યમથી હું ઉમેશને પહેલી વાર મળી હતી. મારી એ વખતની મુલાકાત તો બહુ જ ફૉર્મલ હતી, પણ નાટકોમાં સાથે કામ કરવાથી અમને એકબીજા સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળતો હતો. નાટકની ટૂર હોય તો મુંબઈ ઉપરાંત ગુજરાત અને વિદેશ પણ જવું પડે. આખી ટીમ સાથે રહેતી હોય ત્યારે મને ઉમેશને જાણવાની અને સમજવાની તક મળી. એ સમયે અમે બન્નેએ સાથે સમય વિતાવ્યો ત્યારે ફ્રેન્ડશિપ રિલેશનશિપમાં ક્યારે પરિવર્તિત થઈ એની ખબર ન પડી. આ નાટકના અંતમાં અમને એવું લાગ્યું કે અમારે રિલેશનમાં આગળ વધવું જોઈએ અને અમે ૨૦૧૧માં લગ્નબંધને બંધાયાં. એ સમયે પરિવારને સમય આપીને સંબંધને વધુ ગાઢ બનાવવાનું જરૂરી લાગ્યું હોવાથી મેં કામમાંથી બ્રેક લીધો અને લગ્નના એક વર્ષ બાદ અમારા દીકરા મૌનિકનો જન્મ થયો ત્યારે મેં બ્રેકને એક્સટેન્ડ કરી નાખ્યો. મેં ચારથી પાંચ વર્ષ સુધી કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લીધા નહોતા. હવે તો તે સાતમા ધોરણમાં ભણે છે અને એટલો સમજુ છે કે મારું અને ઉમેશનું કામ હજી ઈઝી થઈ જાય છે. તેને થિયેટર કરતાં ક્રિકેટમાં વધુ રસ છે અને ભવિષ્યમાં તે થિયેટરમાં જોડાશે કે નહીં એ ખબર નહીં.’
‘એક રૂમ રસોડું’ નાટકના પોસ્ટરમાં પપ્પા પ્રવીણ નાયક સાથે રિદ્ધિ (બન્ને ડાબેથી પ્રથમ)
‘માધુરી દીક્ષિત’થી નવી ઓળખ
જીવનના ટર્નિંગ પૉઇન્ટ વિશે વાત કરતાં રિદ્ધિ કહે છે, ‘જ્યારે મારો દીકરો ત્રણથી ચાર વર્ષનો થયો ત્યારે મને થિયેટર રિઝ્યુમ કરવાનું મન થયું. સિરિયલોમાં શૂટિંગના કલાકો વધુ હોય છે. એમાં પરિવાર માટે સમય ફાળવવો મુશ્કેલ હોય છે, પણ થિયેટર એવું નથી. શો પૂરો થાય એટલે બધા ઘરભેગા. આ બધાનો વિચાર કરીને મેં ‘લગોરી’ નાટકથી રંગભૂમિમાં કમબૅક કર્યું. કોરોનાકાળ પહેલાં ૨૦૨૦માં ઉમેશના દિગ્દર્શન હેઠળ બનેલું ‘એક રૂમ રસોડું’ નાટક શરૂ કર્યું હતું, પણ કોરોનાના પ્રકોપને લીધે શો વધુ થયા નહીં. પણ પછી અમે એને ફરીથી શરૂ કર્યું તો એટલું હિટ થયું કે અમે ૧૧૦ શો કર્યા. પછી મરાઠી ડિરેક્ટર સ્વપ્નિલ બારસકર નવો સબ્જેક્ટ લઈને મારા પતિ ઉમેશને મળવા આવ્યા ત્યારે તેમણે રોમૅન્ટિક અને સસ્પેન્સ થ્રિલર ‘માધુરી દીક્ષિત’ નાટકનો પ્લૉટ સંભળાવ્યો અને ઉમેશ પણ પ્રભાવિત થયા, કારણ કે ગુજરાતી રંગભૂમિ માટે નવો કન્સેપ્ટ હતો. એમાં મારો ડબલ રોલ હતો અને થિયેટરમાં બન્નેને ન્યાય આપવો પડકારજનક છે. ૨૦૨૩માં પહેલો શો કર્યો હતો. અમે સપનેય નહોતું ધાર્યું કે ઉમેશ શુક્લ લિખિત અને સૌમ્ય જોશી નિર્મિત આ નાટકને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળશે. અમે તો વધુ પબ્લિસિટી પણ નહોતી કરી અને મુંબઈ અને ગુજરાતમાં ૧૫૦ શો કર્યા. આ નાટકને અઢળક અવૉર્ડ્સ પણ મળ્યા છે. જે પણ આ નાટક સાથે જોડાયા હતા એ લોકોની કારકિર્દી માટે આ નાટક ફળ્યું છે એમ કહું તો ખોટું નહીં. અમે ફરી પાછું ઓપન કરીને ચોથી મેના શો કર્યો હતો એમાં પણ લોકોને મજા પડી ગઈ હતી.’
યાદગાર પ્રસંગ
જીવનના અવિસ્મરણીય પ્રસંગ વિશે વાત કરતાં રિદ્ધિ કહે છે, ‘મેં મારા જીવનનાં મારા પપ્પા સાથે નાટકો કર્યાં એનાથી વધુ કીમતી અને યાદગાર ક્ષણો મારા માટે કંઈ હોઈ જ ન શકે. પિતા-પુત્રી એકસાથે એક જ નાટકમાં કામ કરે અને એ સમયે જે અનુભવો હોય છે એને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અમે જ્યારે ‘એક રૂમ રસોડું’ નાટક કરી રહ્યા હતા એ સમયે કોરોનાવાઇરસનો કેર હતો અને આ કેરનો ભોગ મારા પપ્પા બન્યા. અમારા જીવનમાં તેમનો ખાલીપો હંમેશાં રહેશે, પણ જ્યારે નિર્માતાએ કહ્યું કે ‘એક રૂમ રસોડું’ ને આપણે ફરીથી શરૂ કરીશું અને પ્રવીણભાઈની જગ્યાએ આપણે બીજા કલાકારની વરણી કરીશું ત્યારે મને પપ્પાની બહુ યાદ આવી. જે નાટક મેં તેમની સાથે કર્યું એ હવે તેમના વગર અને કોઈ બીજા કલાકાર સાથે કરવું પડશે એ જાણીને હું ઇમોશનલ થઈ ગઈ.’
રિદ્ધિ સાથે જલદી ફાઇવ
૧. લાઇફને બૅલૅન્સ કઈ રીતે કરો છો?
જો પરિવારનો સાથસહકાર ન મળે તો કોઈ સ્ત્રી પોતાની કારકિર્દી સાથે પર્સનલ લાઇફને બૅલૅન્સ કરી શકે નહીં. મારાં સાસુ-સસરા અને મારાં મમ્મી તરફથી મને બહુ જ સપોર્ટ મળ્યો હોવાથી હું પર્સનલ લાઇફમાં ખુશ છું અને કારકિર્દીમાં પણ હું નાટકો સાથે સિરિયલો પણ કરું છું. મારાં સાસુ- સસરા સુરત રહે છે અને મમ્મી અહીં જ છે તો હું મૌનિકને મારાં મમ્મી પાસે રાખીને કામ પર જાઉં છું અને જેવી નવરી થાઉં એટલે મારી પહેલી પ્રાયોરિટી ફૅમિલી-ટાઇમ હોય છે.
૨. કોઈ અફસોસ છે?
જરાય નહીં, આ મામલે હું થોડી લકી છું. જે જોઈતું હતું અને જે વિચાર્યું છે એ ભલે સમયસર ન મળે પણ મળી તો જાય જ છે. ખોટી અપેક્ષાઓ રાખીને દુખી થવા કરતાં જે મળે છે એનો સ્વીકાર કરવામાં આવે તો લાઇફ વધુ બ્યુટિફુલ અને હૅપી બની જાય છે.
૩. ફ્યુચર-ગોલ્સ શું છે?
મને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા છે. જો ગુજરાતી ફિલ્મ મળે તો જે કલાકારો સાથે કામ કરવાની ઇચ્છા છે એનું લિસ્ટ લાંબું છે. સૌથી પહેલાં તો મલ્હાર ઠાકર છે. મને મલ્હાર સાથે કામ કરવાની ઇચ્છા છે. આ ઉપરાંત જયેશ મોરે, પ્રેમ ગઢવી અને આરોહી પટેલ જેવા કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવી છે. વિષય દમદાર હોય તો કામ કરવાની વધુ મજા આવશે.
૪. અભિનય સિવાય શું ગમે?
ઍક્ટિંગની સાથે મને ડાન્સિંગ બહુ ગમે. હું ટ્રેઇન્ડ ભરતનાટ્યમ ડાન્સર છું. પહેલાં સમય હતો ત્યારે હું એક ડાન્સ ઍકૅડેમી સાથે જોડાયેલી હતી અને એ લોકો જ્યાં પાર્ટિસિપેટ કરતાં ત્યાં હું પર્ફોર્મ કરતી હતી. અમુક પ્લેમાં મેં કોરિયોગ્રાફી પણ કરી છે, પણ હવે સમયના અભાવે એ છૂટી ગયું છે. પણ ક્યારેક ફ્રેન્ડ્સ, ફૅમિલી ભેગા થઈએ તો હું મારી ડાન્સિંગ ટૅલન્ટ દેખાડી દઉં.
૫. કોઈ એક ચીજ જે તમને કરવી ગમે
મને એકલું રહેવા કરતાં લોકો સાથે ઘેરાયેલા રહેવું ગમે. બધા ફ્રેન્ડ્સને ભેગા કરીને ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવો અને વાતો કરવી બહુ જ ગમે. આ ઉપરાંત મને મ્યુઝિક સાંભળવાની મજા આવે.