29 September, 2022 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અબ્દુરોઝિક અને સલમાન ખાન
પહેલી ઑક્ટોબરથી શરૂ થનાર ‘બિગ બૉસ 16’માં પહેલા કન્ટેસ્ટન્ટ તરીકે તાજિકિસ્તાની સિંગર અને મ્યુઝિશ્યન અબ્દુ રોઝિકની જાહેરાત કરવામાં આવી છે. આ શોને હોસ્ટ કરનાર સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ‘દિલ દીવાના બિન સજના કે’ ગીત અબ્દુએ ગાઈને તેને ઇમ્પ્રેસ કર્યો હતો. અબ્દુ સોશ્યલ મીડિયામાં પોતાના મ્યુઝિક વિડિયોને કારણે ખૂબ ફેમસ છે. સલમાને તેની આગામી ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ ઑફર કરી છે. અબ્દુની ટૅલન્ટ વિશે સલમાને કહ્યું કે ‘તે બરાબર હિન્દી નથી બોલી શકતો, પરંતુ એ ભાષામાં ગીત સારી રીતે ગાઈ શકે છે.’
‘બિગ બૉસ 16’ને હોસ્ટ કરવા માટે સલમાન ખાને ૧ હજાર કરોડ રૂપિયા ફી તરીકે લીધા હોવાની અફવા ફેલાઈ છે. એને નકારતાં સલમાને જણાવ્યું કે ઇન્કમ-ટૅક્સના અધિકારીઓ બધી વાતો નોંધી રહ્યા છે. આ વખતે વીક-એન્ડ કા વારમાં થોડો ટ્વિસ્ટ જોવા મળશે. દર વખતે સલમાન શનિવારે અને રવિવારે આવતો હતો, પરંતુ હવે તે શુક્રવારે અને શનિવારે જોવા મળશે. સાથે જ રવિવારે દર્શકો આ શો સાથે જોડાઈને સ્પર્ધકોને સીધા સવાલ કરી શકશે. શો વિશે સલમાને કહ્યું કે ‘મને હંમેશાં એક જ સવાલ પૂછવામાં આવે છે કે હું આ શો કરવાનો છું કે નહીં. એ સાંભળીને હું એટલો તો અકળાઈ જાઉં છું કે હું તેમને કહી દઉં છું કે મારે શો નથી કરવો. જોકે આ લોકો પાસે મારા સિવાય અન્ય કોઈ પર્યાય નથી.’
૧ હજાર કરોડ રૂપિયાની ફી લેવાની અફવા પર મૌન તોડતાં સલમાને કહ્યું કે ‘આટલી મોટી રકમ તો મને કદી પણ નથી મળી અને જો ક્યારેક મળી પણ જાય તો મને નથી લાગતું કે હું કામ કરીશ. મારી પાસે વકીલોના ઘણાબધા ખર્ચાઓ હોય છે. આવી અફવાઓને કારણે ઇન્કમ-ટૅક્સના અધિકારીઓ પણ એને ધ્યાનમાં રાખશે.’