ઘણી વાર અપાપને પાપ તથા અપુણ્યને પુણ્ય માનવામાં આવે છે

29 November, 2021 08:43 AM IST  |  Mumbai | Swami Sachidanand

સાંભળનારા જરા પણ પૂરી તપાસ કર્યા વિના તરત જ આવી વાતો માની લેતા હોય છે અને પછી એ વાતોનો વંટોળિયો ઠેઠ આકાશ સુધી ઘૂમરીઓ લેવા લાગે છે. જોતજોતામાં એક વ્યક્તિનું જીવન ધૂળધાણી થતું હોય છે, જેનાથી બચવા અનેક દંભો ઊભા કરાયા છે. 

મિડ-ડે લોગો

સોના જેવી સ્ત્રી પણ જો કલંકિત થઈને તિરસ્કૃત થઈ જાય તો તેના પક્ષે કોઈ રહેતું નથી. સમાજની સ્થિતિ એવી છે કે કલંકિતનો પક્ષ લો તો તમે પોતે જ કલંકિત થાઓ. તિરસ્કૃતનો પક્ષ લો તો તમે પોતે તિરસ્કૃત થાઓ. તિરસ્કૃત પ્રત્યે કદાચ બહુ લાગણી થઈ આવે તો લક્ષ્મણની માફક થોડું મન બાળી લેવાનું અને બિચારી ગણીને બેસી જવાનું. 
તિરસ્કૃત થઈ જવાની હવાનું દબાણ ભારતમાં એટલું પ્રબળ છે કે લોકોને, મોટા ભાગે સ્ત્રીઓને સતત રહસ્યપૂર્ણ જીવન જીવવું પડતું હોય છે. પોતે પકડાઈ ન જાય અથવા પોતાના ઉપર કોઈ આંગળી ન ચીંધે એ માટે સતત ભયમાં જીવન જીવવું પડતું હોય છે. કલંકના કાળા કૂચડા લઈને ઘરે-ઘરે, શેરીએ-શેરીએ અને દેવમંદિરના ઓટલે પણ લોકો ઊભા હોય છે. બહુ જ સરળતાથી કોઈ વ્યક્તિને ‘ચારિત્રહીન’નું લેબલ લગાવી શકાય છે. સાંભળનારા જરા પણ પૂરી તપાસ કર્યા વિના તરત જ આવી વાતો માની લેતા હોય છે અને પછી એ વાતોનો વંટોળિયો ઠેઠ આકાશ સુધી ઘૂમરીઓ લેવા લાગે છે. જોતજોતામાં એક વ્યક્તિનું જીવન ધૂળધાણી થતું હોય છે, જેનાથી બચવા અનેક દંભો ઊભા કરાયા છે. 
જો કુંતાજી કર્ણની સાથે પકડાઈ ગયાં હોત તો તે મોટી અહલ્યા જ બન્યાં હોત, પણ તે સદ્ભાગી હતાં કે કર્ણને પેટીમાં મૂકીને નદીમાં પધરાવી શક્યાં. છેક કુરુક્ષેત્રના મેદાનમાં છેવટની ઘડીએ તેમણે ભેદ ખોલ્યો કે કર્ણ મારો પુત્ર છે. આજે પણ કેટલીયે કુંતાઓ તિરસ્કૃત થવાના ભયથી પોતાના વહાલા કર્ણોને પધરાવી દેતી હશે. જો સફળ થઈ ગઈ તો સતી અને જો પકડાઈ ગઈ તો કુલટા, તિરસ્કૃત. આપણી સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે લોકો પાપથી નથી ડરતા, પણ પકડાઈ જવાથી ડરે છે. ઘણી વાર તો અપાપને પાપ તથા અપુણ્યને પુણ્ય માની આપણે ચાલીએ છીએ. બીજી તરફ સાચા પાપને પાપ અને સાચા પુણ્યને પુણ્ય સમજી નથી શકતાં. ધર્મ તથા સંસ્કૃતિની ભ્રાંતિપૂર્ણ વ્યાખ્યાથી આ ગોટાળો થયો છે. કશુંય પાપ કર્યા વિના કેટલાક ધર્મભીરુ લોકો પોતાને જીવનભર પાપી માને છે. સમાજ પણ તેમને પાપી ઠેરવે છે. આ રીતે તે માનસિક કલેશ અને ભય અનુભવે છે. બીજી તરફ ખરેખર પાપને લોકો પાપ માની શકતા નથી, કારણ કે પાપ-પુણ્યને સમજવાની દૃષ્ટિ જ શુદ્ધ તથા વિવેકી નથી. આને કારણે સ્ત્રી-જીવનમાં કલંકિત થવાના તથા તિરસ્કૃત થવાના અસંખ્ય પ્રસંગો આવે છે. સ્ત્રી માતા હોય, પત્ની, બહેન કે દીકરી હોય, તેણે હંમેશાં પુરુષોએ નિર્ધારિત કરેલા માર્ગે જ ચાલવાનું હોય, એમાં જો ભૂલ કરે તો તે તિરસ્કૃત થઈ જાય.

astrology columnists swami sachchidananda